१४. न च कार्ये प्रतिपत्त्यभिसन्धिः ।
અર્થ
ચ = એ ઉપરાંત.
પ્રતિપત્યભિસન્ધિઃ = એ બ્રહ્મવિદ્યાના ઉપાસકોનો પ્રાપ્તિ વિષયક સંકલ્પ પણ.
કાર્યે = કાર્ય બ્રહ્મને માટે.
ન = નથી હોતો.
ભાવાર્થ
આ સૂત્ર એક અત્યંત અગત્યના વિષયની છણાવટ કરે છે અથવા એના પ્રત્યે આપણું ધ્યાન આકર્ષિત કરતાં કહે છે કે બ્રહ્મવિદ્યાનો આધાર બ્રહ્માની પ્રાપ્તિને માટે નથી લેવામાં આવતો પરંતુ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિને માટે જ લેવામાં આવે છે. બ્રહ્મવિદ્યા પોતાના સ્વરૂપના અને પરમાત્માના સાક્ષાત્કારને માટે જ છે. એટલે પણ એના પરિણામે પ્રાપ્ત થતા બ્રહ્મલોકમાં પરમાત્માની જ પ્રાપ્તિ થાય છે એવું માનવાનું બુદ્ધિસંગત છે.
---
१५. अप्रतीकालम्बनान्नयतीति बादरायण अभयथादोषात्तत् क्रतुश्च ।
અર્થ
અપ્રતીકાલમ્બનાન્ = વાણી આદિ પ્રતીકનું આલંબન લઈને ઉપાસના કરનારા ઉપાસકો સિવાયના બીજા બધા ઉપાસકોને
નયતિ = (અર્ચિ આદિ દેવતાઓ દેવયાન માર્ગથી) લઈ જાય છે.
ઉભયથા = (એટલે) બંને રીતે
અદોષાત્ = માનવામાં દોષ નહિ હોવાથી.
તત્કતુઃ- એમના સંકલ્પ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માને
ચ = અને કાર્યબ્રહ્મને પ્રાપ્ત કરાવવાનું સાબિત થાય છે.
ઈતિ = એવું.
બાદરાયણઃ = વ્યાસદેવ જણાવે છે.
ભાવાર્થ
સૂત્રકાર મહર્ષિ વ્યાસ પોતાનો નિર્ણય આપતાં જણાવે છે કે કેટલાક ઉપાસકો બ્રહ્મલોકોના જુદા જુદા ભોગોની ઈચ્છા રાખીને ઉપાસના કરે છે. એવા પુરૂષોને એવા ભોગોની પ્રાપ્તિ થાય છે એ પણ સાચું છે અને જેમને ભોગોની ઈચ્છા નથી અને પરમાત્માની પ્રાપ્તિની જ આકાંક્ષા છે એમને બ્રહ્મલોકમાં પરમાત્માની જ પ્રાપ્તિ થાય છે, એ પણ એટલું જ સાચું છે. જેમને ભોગોપભોગની ઈચ્છા હોય છે એમને પરધામના માર્ગમાં આવતા બ્રહ્મના લોકમાં લઈ જવામાં આવે છે અને પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છાવાળાને પરમાત્માના પરધામમાં.
---
१६. विशेषं च दर्शयति ।
અર્થ
વિશેષમ્ = એનું વિશેષ કારણ.
ચ = પણ.
દર્શયતિ = શ્રુતિ બતાવે છે.
ભાવાર્થ
વાણી જેવી પ્રતીકોપાસના કરનારા ઉપાસકોને દેવયાન માર્ગના અધિકારી નથી લઈ જતા. એનું કારણ બતાવતાં છાંદોગ્ય ઉપનિષદ જણાવે છે કે વાણીમાં પ્રતીકોપાસનાનું ફળ વાણીની ગતિપર્યંત ઈચ્છાનુસાર વિચરણ કરવાની શક્તિ છે. એવી રીતે જુદી જુદી પ્રતીકોપાસનાનાં જુદાં જુદાં ફળ બતાવેલાં છે. એવા ઉપાસકો દેવયાન માર્ગથી બ્રહ્માના લોકમાં નથી જતા અને પરમાત્માના પરમધામમાં જવાના અધિકારી પણ નથી મનાતા. પરમાત્માના પરમધામમાં તો બ્રહ્મવિદ્યાપ્રાપ્ત મહાપુરૂષો જ પ્રવેશી શકે.
અધ્યાય ૪ - પાદ ૩ સંપૂર્ણ