if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આપણે ત્યાં ભાગવત સપ્તાહની યોજના કરવા કરાવવાનો પવન જોરશોરથી ફૂંકાતો જાય છે. અધિક માસ દરમિયાન તો ભાગવત સપ્તાહનું આયોજન ઠેર ઠેર થઈ ગયું, ઠેકઠેકાણે ભાગવતની કથા સપ્તાહના સ્વરૂપમાં શરુ થઈ અને હરખઘેલાં ધર્મભાવનાવાળાં સ્ત્રી પુરુષો એનો લાભ લેવા માટે એકઠાં થયાં. સારી વાત છે. સપ્તાહરૂપે ભાગવત જેવા ભક્તિપ્રધાન ધર્મગ્રંથોનું શ્રવણ, મનન કે પારાયણ થાય અથવા તો એના જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવે એ ઉપર ઉપરથી જોતાં બધી રીતે ઈચ્છનીય અને લાભકારક જ છે. છતાં પણ એવાં વિશાળ પાયા પર યોજાતી જાહેર સપ્તાહોથી સાચેસાચો લાભ કેટલો થાય છે તથા કોને થાય છે એ ખાસ વિચારવા જેવું છે.

રાજા પરીક્ષિતને સાતમે દિવસે તક્ષક નાગ કરડશે અને એથી એનું મૃત્યુ થશે એવો શાપ મળવાથી, સંસારના સઘળા પદાર્થોમાંથી મનને પાછું વાળી લઈને, સાતમે દિવસે તક્ષક નાગ કરડે તે પહેલાં મુક્તિ મેળવવાનો એણે સંકલ્પ કર્યો. પરંતુ એ સંકલ્પની પૂર્તિ એકલે હાથે કેવી રીતે થઈ શકે ? એ માટે કોઈક માર્ગદર્શક જોઈએ એના સદ્દભાગ્યે એને સંતશિરોમણિ શુકદેવનો મેળાપ થયો અને શુકદેવની કૃપાથી એને પરમ જ્ઞાન તથા પરમાત્માની નિષ્ઠાની પ્રાપ્તિ થવાથી મુક્તિનો આનંદ મળી ગયો. એવી રીતે જીવને અજ્ઞાનરૂપી તક્ષક નાગ કરડેલો છે. એને માથે કાળ ભમ્યા કરે છે. એ નાગની વિઘાતક અસરમાંથી છૂટવાની એ ઈચ્છા રાખે અને શુકદેવજી જેવા માર્ગદર્શકને મેળવી શકે તો એની સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી જાય, એનાં બંધનો તૂટી જાય, અને એનું જીવન તથા મરણ બંને ધન્ય થાય. પરંતુ બંધનોમાંથી મુક્તિ મેળવવાની એવી અદમ્ય ઈચ્છા એની અંદર ઉત્પન્ન થાય ત્યારેને ? ત્યારે એવી અવસ્થાની અનુભૂતિ એને થઈ શકેને ? ભાગવતના શ્રવણમનનનું ફળ એવી અવસ્થાની પ્રાપ્તિ છે.

ભાગવતમાં ઈશ્વરના જુદા જુદા અવતારોની કથાઓ અને ઈશ્વરના મહાપ્રતાપી પરમભક્તોની હકીકત આવે છે. નારદ, ઉદ્ધવ, વિદુર, ધ્રુવ, ગજેન્દ્ર, ગોપીઓ, જડભરત તથા દત્તાત્રેય અને અજામિલ, પ્રહલાદ જેવા ભગવદ્દભક્તોના જીવનપ્રસંગો આવે છે. તે સૌ ભગવાન થઈ ચૂકેલા. રાજા પરીક્ષિત અને શુકદેવ પણ ભાગવત એટલે કે ભગવાનના બની ચૂક્યા હતા. એટલા માટે જ એમની ઘટનાઓનું વર્ણન કરતા એ મહાગ્રંથને ભાગવત કહેવામાં આવે છે. એ ગ્રંથનો સ્વાધ્યાય કરીને માણસે પોતે ભાગવત એટલે કે ભગવાનના થવાનો સંકલ્પ અને એને અનુસરતો પ્રયાસ કરીને સાચા અર્થમાં ભાગવત થવાનું છે. ભાગવત સપ્તાહનું પણ સાચું ફળ એ જ હોઈ શકે : સંસારની કામના, લાલસા તથા વાસના તેમજ અહંતા, મમતા, આસક્તિ અથવા રાગદ્વેષમાંથી મુક્તિ; સ્વાર્થ, સંકુચિતતા, અનીતિ, અન્યાય અને છળકપટમાંથી છુટકારો.

એવો છુટકારો અથવા એવી મુક્તિ મેળવવાની ઈચ્છા અને ઉત્કટ ઈચ્છા કોને છે ? પરીક્ષિતને એવી ઈચ્છા હતી એટલે શુકદેવનો સંસર્ગ એને માટે કલ્યાણકારક થઈ પડ્યો, પરંતુ જે સપ્તાહ કરાવે છે એમની અંદર એવી ઈચ્છા ભાગ્યે જ હોય છે. એ તો મોટે ભાગે કોઈ મૃત સંબંધીની સદ્દગતિ કરાવવાની ઈચ્છાથી, દેખાદેખીથી, અને કોઈકવાર તો અહંભાવનાને સંતોષવાની વૃત્તિથી પ્રેરાઈને, સપ્તાહ કરાવે છે. એટલે ભાગવત સપ્તાહનો જે સાચો લાભ થવો જોઈએ એ એમને નથી થઈ શકતો. શ્રોતાઓ પણ મોટે ભાગે ભાગવત શ્રવણના મહિમાથી જાદુઈ રીતે આકર્ષાઈને કાનને પવિત્ર કરવા માટે અથવા તો કથાશ્રવણથી પુણ્ય થશે એમ માનીને આવતા હોય છે. અને કથાકાર કે વક્તા પણ શુકદેવની પેઠે પરમાત્મભાવમાં પ્રતિષ્ઠિત થઈને બીજાના મંગલને માટે કથા કરે છે એવું ભાગ્યે જ બનતું હોય છે. એનો ઉદ્દેશ પણ જ્યાં મુખ્યત્વે દ્રવ્યોપાર્જનનો, પ્રતિષ્ઠા-પ્રાપ્તિનો કે એવો જ બીજો લૌકિક હોય ત્યાં જોઈએ તેટલો લાભ ક્યાંથી મળે ? અલબત્ત, સપ્તાહોથી કેટલાને ધન અને અન્ન મળે છે,  અને બીજા કેટલાકને જ્ઞાનપ્રાપ્તિનો અવસર પણ આવી મળે છે, પરંતુ એ અવસરનો પૂરેપૂરો લાભ ઉઠાવાય અને જીવનની શુદ્ધિને માટે લાભ ઉઠાવાય તો જ તે જીવનોપયોગી બની શકે.

સપ્તાહો આવે છે ને જાય છે, જ્ઞાનયજ્ઞો પણ યોજાય છે ને પૂરા થાય છે, છતાં પણ એથી જોઈએ તેટલો લાભ નથી થઈ શકતો. કારણ કે એનો લાભ લઈને માણસ પોતાની પ્રકૃતિનો પલટો કરવા, પોતાનો સ્વભાવ સુધારવા તૈયાર નથી થતો. પોતાની નબળાઈ અને એ નબળાઈનો નાશ કરવાની અનિચ્છા અથવા અશક્તિને લીધે એ જ્યાં હોય છે ત્યાં જ પડ્યો રહે છે. કથાઓ સપ્તાહો કે જ્ઞાનયજ્ઞોથી એ રીઢો થઈ ગયો છે એમ કહીએ તો ચાલે. આ પરિસ્થિતિ ઘણી જોખમી છે, અને એનો અંત આણવાની જરૂર છે. પ્રત્યેક ધર્માનુષ્ઠાનમાંથી બળ મેળવીને જીવનને ઉજ્જવળ કરવાની માણસની નેમ હોવી જોઈએ. તો જ એ ધર્માનુષ્ઠાન લાભકારક થઈ શકે અથવા તો અમર બની શકે. સપ્તાહોને એવા વિશાળ સંદર્ભમાં જોવાં જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.