પુણ્યસલિલા ભગવતી ભાગીરથીના પવિત્ર પ્રવાહની પેઠે રામકથાનો પુનિત પ્રવાહ પ્રજાના પ્રાણને પાવન કરતો પરંપરાગત રીતે વરસોથી વહે છે. પ્રજા એમાં શક્તિ, સુરુચિ ને સમય પ્રમાણે સ્નાન કરે છે અને આનંદ અનુભવે છે. રામકથાના એ રસમય, પુનિત પ્રવાહના પુરસ્કર્તા મહર્ષિ વાલ્મીકિ હતા. પરંતુ સ્વર્ગીય વાતાવરણમાં વહેનારી ગંગાને સાગરના સાઠ હજાર પુત્રોના પરિત્રાણ માટે પૃથ્વી પર પ્રવાહિત કરનાર ભગીરથની જેમ સંત તુલસીદાસે એ કથાપ્રવાહને ફરીથી વહેતો કર્યો. એ ભારતીય સંસ્કૃતિના મહાન ભગીરથ થયા. અને મહર્ષિ વાલ્મીકિની રામકથાને લોકભોગ્ય ભાષામાં વહેતી કરી, પરિણામે ન જાણે કેટલા લોકોનાં જડ જીવનમાં પ્રકાશ પથરાયો, કેટલા જીવોને સનાતન સુખ, શાશ્વત શાંતિ સાંપડી. કેટકેટલા જીવોની તૃષ્ણા ટળી ગઈ, અને કેટકેટલા જીવંત છતાં મૃત જેવા, દુર્ગતિપ્રાપ્ત જીવોનો ઉદ્ધાર થયો ! રામકથાનો એ પુનિત પ્રવાહ વરસો વહેતા જાય છે તો પણ એવો જ અખંડ, અનેક આત્માઓને આનંદ આપતો, એમના પર અમીવર્ષણ કરતો અને એમને ઈશ્વરાભિમુખ બનવાનું બળ ધરતો વહ્યા કરે છે. ભગવતી ભાગીરથીના પુનિત પ્રવાહની પેઠે એ પ્રવાહ પણ અપાર્થિવ, અલૌકિક, અક્ષય, અજર, અમર છે. કાકપ્રકૃતિના લોકો એમાં સ્નાન કરીને ભક્તિશિરોમણિ તુલસીદાસના શબ્દોમાં કહીએ તો, કોયલ જેવા મધુર વૃત્તિવાળા બને છે, ને બક જેવી બેવડી વૃત્તિવાળા જીવો હંસના જેવી સાત્વિક વૃત્તિથી સંપન્ન થઈને શુભાશુભનો તેમ જ સત્યાસત્યનો વિવેક કરનારા થઈ રહે છે. રામકથાના એ પુનિત પ્રવાહે ભારતની સાંસ્કૃતિક એકતાને અકબંધ રાખવામાં, સુદ્રઢ કરવામાં, ને ભારતીય પ્રજાને ઉત્તમ પ્રકારના સામાજિક જીવનના આદર્શથી સુપરિચિત કરીને એ આદર્શની દિશામાં આગળ વધવામાં અને એને આત્મસાત્ત કરવાની શક્તિ પ્રદાન કરવામાં જે મોટો, મહત્વનો, મહામૂલ્યવાન ભાગ ભજવ્યો છે એનો ઈન્કાર થઈ શકે તેમ નથી.
રામકથાના એ પાવન પ્રવાહનો પરિચય નહિ કર્યો હોય એવી વ્યક્તિઓ પણ આ વિશાળ દેશમાં નથી એવું નહિ કહી શકાય. રામકથાનો સુધામય સ્વાદ ના ચાખ્યો હોય એવા માનવો પણ આ દેશમાં મળી આવશે, છતાં પણ એવા થોડાક અપવાદોને બાદ કરતાં એટલું અવશ્ય કહી શકાય અને એવું કહેવામાં અતિશયોક્તિ નહિ જ થાય કે આ દેશની જનતા સામાન્ય રીતે એ કથાને જાણે છે, અને એનાથી સુપરિચિત નહિ હોય તોપણ કાંઈક અંશે પરિચિત તો છે જ. રામકથાનો ઉપલક અથવા સંક્ષિપ્ત પરિચય તો બધાને છે. એ પરિચય અને એ પરિચય જેના પર નિર્ભર છે તે કથા પ્રમાણે અયોધ્યાના રાજા દશરથને કૈકેયી, કૌશલ્યા તથા સુમિત્રા ત્રણ પત્નીઓ હતી ને રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન ચાર પુત્રો હતા. રામ સીતા તથા લક્ષ્મણ સાથે વનમાં ગયા. ત્યાં પંચવટીમાંથી રાવણે સીતાનું હરણ કર્યું. રામે સમુદ્ર પર સેતુ બાંધીને રાવણનો નાશ કર્યો, સીતાની મુક્તિ કરી, અને અયોધ્યામાં આવ્યા એટલે પ્રજાએ એમનો રાજ્યાભિષેક કર્યો. રામાયણ અથવા રામકથાનો એટલો સારભાગ તો લગભગ સૌ કોઈ જાણે છે.
પરંતુ રામાયણ અથવા રામકથાનો એ સારભાગ શાંતિથી વિચારવા જેવો છે. એને શાંતિથી વિચારીએ તો એક નવી જ દ્રષ્ટિની પ્રાપ્તિ થઈને પાર વિનાનો લાભ થાય તેમ છે. જે રામકથા આપણે ત્યાં વરસોથી વહેતી આવે છે તે તો સાચી છે, ઐતિહાસિક છે, અને આશીર્વાદરૂપ છે જ, પરંતુ તેમાં સમાયેલો સાર પણ ખાસ સમજવા જેવો છે.
રામકથા અત્યંત અદ્દભુત, અનેરી અને રહસ્યમયી હોવાથી, એના પતિત પાવન પ્રવાહમાં સ્નાન કરતાં કરતાં એનું એક બીજું તત્વજ્ઞાન વિષયક સૂક્ષ્મ રહસ્ય પણ આપણી આગળ પ્રગટ થાય છે. એ રહસ્ય કયું છે તે કલ્પી શકો છો ? લો ત્યારે કહી બતાવું. અયોધ્યા પ્રત્યેક જીવનું પોતાનું મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સ્વરૂપ નિર્મળ, નિષ્કલંક, એકરસ, અખંડ, અલૌકિક અને આનંદમય છે. જીવ એ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈને ત્યાં રાજ્ય કરે છે. શિવસ્વરૂપ એ જીવ દશરથ બને છે એટલે દેહમાં દાખલ થાય છે. દશ ઈન્દ્રિયોના ઘોડાવાળા આ શરીર રૂપી રથમાં બેઠેલો દશરથ રૂપી જીવ પોતાને પ્રાપ્ત થયેલા મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપ તથા સુખનો ઉપયોગ કરે છે. પરંતુ કરુણા એ છે કે એ કુંવારો અથવા એકલો નથી રહેતો. એકલા રહેવાનો એનો સ્વભાવ જ ના હોય એમ એ ત્રણ સ્ત્રીઓ સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. એ ત્રણ સ્ત્રીઓ બીજી કોઈ નહિ પરંતુ પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજ તથા તમ છે. એ ત્રણ ગુણોના પ્રબળ પ્રેમપાશમાં બંધાયેલો જીવ સલામત અને સુખી કેવી રીતે રહી શકે તથા સદાને સારુ પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિતિ પણ શી રીતે કરી શકે ?
એ દશરથરૂપી જીવને ત્રિગુણાત્મિક પ્રકૃતિની મદદથી ચાર પુત્રો થાય છે. ત્રિગુણાત્મિકા પ્રકૃતિના એ પુત્રોનું વર્ણન ગીતાના ચૌદમા અધ્યાયમાં કરતાં પ્રકારાન્તરે કહેવામાં આવ્યું છે:
सत्त्वात्संजायते ज्ञानं रजसो लोभ एव च ।
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ॥१४-१७॥
સત્વગુણની વૃત્તિથી જ્ઞાનનો અને એના પરિણામે આનંદ અથવા આરામનો ઉદય થાય છે, રજોગુણની વૃત્તિથી કર્મપરતા કે લોભ વધે છે, અને તમોગુણની ત્રીજી વૃત્તિથી અજ્ઞાન ઘેરી વળે છે, કર્તવ્યમાં પ્રમાદ થાય છે તથા મોહ જાગે છે. સત્વગુણની વૃત્તિ કૌશલ્યાથી દશરથરૂપી જીવને જ્ઞાન, આનંદ કે આરામ મળ્યો; રજોગુણની વૃત્તિ સુમિત્રાથી કર્મધર્મપરાયણ, સેવાવૃત્તિના લોભી લક્ષ્મણની પ્રાપ્તિ થઈ; અને તમોગુણની મોહ, અજ્ઞાન તથા કર્તવ્ય પ્રત્યેના પ્રમાદવાળી વૃત્તિ કૈકેયીથી કર્તવ્યપાલનમાં અપ્રમાદવાળા અને ધર્માનુષ્ઠાનના મોહવાળા ભરત તથા શત્રુઘ્નનો લાભ થયો.
પરંતુ એક વૃત્તિના બંધનમાં પડેલો જીવ પણ સુખી નથી થતો કે શાંતિ નથી મેળવતો, તો ત્રણ ત્રણ વૃત્તિના બંધનમાં બંધાયેલો પરાધીન જીવ તો સુખ-શાંતિ મેળવી શકે જ કેવી રીતે ? જ્યાં સુધી ત્રણે ગુણવૃત્તિઓ પર અધિકાર રહ્યો ને ત્રણે ગુણવૃત્તિનું સ્વરૂપ સરખું રહ્યું ત્યાં સુધી તો એ સુખી રહ્યો, પરંતુ તમોગુણની વૃત્તિનું વર્ચસ્વ વધી જતાં એ સુખ અદ્રશ્ય થઈ ગયું અને એની દશા અતિશય કરુણ કે કફોડી થઈ પડી. તમોગુણની વૃત્તિનું વર્ચસ્વ વધી પડતાં જીવ આનંદ, જ્ઞાન અથવા આરામનો અનુભવ કેવી રીતે કરી શકે ? એનાથી વંચિત જ થવું પડે. જ્ઞાનની સાથે સદાય એની સહચરી બનીને રહેનારી શાંતિરૂપી સીતા પણ પછી એની સાથે ભાગ્યે જ રહી શકે. રામ સીતાની સાથે વનમાં ગયા એનું આધ્યાત્મિક રહસ્ય એ જ છે. સેવાવૃત્તિવાળા કર્મયોગી લક્ષ્મણ પણ એમની સાથે ચાલી નીકળ્યા. દશરથરૂપી જીવ એમના વિયોગથી વ્યથિત થઈને ઝૂરવા માંડ્યો, મૃતપ્રાય બની ગયો.
રામકથાનું એક રહસ્ય એ છે. બીજું પાછળની વનવાસી વાતનું રહસ્ય પણ એવી જ રીતે પરંતુ જુદા પ્રકારે સમજી શકાય છે. શાંતિની સીતાનું અહંકારરૂપી રાવણે હરણ કર્યું છે. રામ એ સનાતન શાંતિથી વંચિત થઈને એની પ્રાપ્તિને માટે પુરુષાર્થ કરે છે પરંતુ એ શાંતિ મળે કેવી રીતે ? રામને અહીં જીવતત્વના પ્રતિનિધિ તરીકે લઈએ તો સમજાય છે કે જીવને પોતાની સનાતન સંગિની સમી શાંતિ ફરીથી સાપડી શકે તે માટે તેણે અવિદ્યાના સાગરને તરી જવા માટે સદ્દગુરુની સહાયતાથી જ્ઞાન અથવા પ્રેમનો પવિત્ર સેતુ બાંધવાનો છે. જીવનાં જો એવા સેતુની રચના થાય અને હનુમાન જેવા સાચા હિતેચ્છુ, માર્ગદર્શકની મદદ મળી જાય તો અહંકારરૂપી રાવણનો નાશ થાય ને શાંતિરૂપી સીતા પાછી આવી જાય. જીવ એને મેળવીને કૃતાર્થ બની જાય ને પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપરૂપી અયોધ્યાનગરમાં સ્વાનુભવના સિંહાસન પર આસીન થાય. જીવ જ્યાં સુધી સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિત ન થાય ત્યાં સુધી મંગલમય ના બને ને બીજાનું પણ મંગલ ના કરી શકે.
રામકથાનો એટલો પાયાનો સંદેશ યાદ રાખીએ તો કેટલો બધો લાભ થાય ! એના આટલા ઉપલક રહસ્યનું સ્મરણ કરીએ અને એને અનુસરતું જીવન જીવીએ તો એ કથા આધ્યાત્મિક રીતે પણ કેટલી બધી ઉપકારક પુરવાર થાય ને કેટલી ઉપયોગી બની જાય ?
- શ્રી યોગેશ્વરજી