વનવાસ દરમિયાન રામ લક્ષ્મણ અને સીતા સાથે, વાલ્મીકિ મુનિના આશ્રમમાં આવ્યા ત્યારે મુનિ વાલ્મીકિ એમને જોઈ અત્યંત પ્રસન્ન થયા. મુનિનો આશ્રમ શાંત તથા સુંદર પર્વતીય પ્રદેશમાં વન વિસ્તારમાં હતો. રામચંદ્રજીને એ આશ્રમના દર્શનથી આનંદ થયો.
રામચંદ્રજી મુનિને પગે લાગ્યા. મુનિ એમને આશીર્વાદ આપી પોતાના આશ્રમમાં લઈ આવ્યા.
આશ્રમની વિદાય લેતા પહેલાં રામે વાલ્મીકિને પૂછ્યું : ‘હવે હું ક્યાં રહું ? મારે માટે કોઈ રહેવાનું અનુકૂળ સ્થળ બતાવો.’
એ પ્રશ્નના ઉત્તરરૂપે મુનિ વાલ્મીકિએ જે વિચારો પ્રદર્શિત કર્યા તે ખાસ જાણવા અને મનન કરવા જેવા છે. પ્રશ્ન ઉપલક રીતે જોતાં ઘણો સામાન્ય હતો, પરંતુ મુનિએ એને અસામાન્ય બનાવી દીધો અને એનો ઉત્તર પણ અમર બનાવ્યો. સંત તુલસીદાસે એ ઉત્તરની પોતાની આગવી કળાત્મક રીતે રજૂઆત કરતાં રામાયણના અયોધ્યાકાંડમાં લખ્યું છે - જેનો અનુવાદ અહીં આપ્યો છે :
"જેમના સમુદ્ર જેવા કાન તમારી કથા-વાર્તારૂપી નદીના નીરથી ભરાયા કરે છે, છતાં સંપૂર્ણપણે નથી ભરાતા, તેમના હૃદયમાં તમે ઘર કરી લો. જેમની ચાતક જેવી આંખ તમારાં દર્શનરૂપી વાદળની આકાંક્ષાથી આતુર બની છે, અને સંસારના વિષયોમાં તૃપ્તિ માનવાને બદલે જે તમારા સ્વરૂપ-દર્શનની તૃષાથી ભરપૂર છે, તેમના હૃદયના સુખદાયક નિવાસસ્થાનમાં સીતા તથા લક્ષ્મણ સાથે હે રામ, તમે વાસ કરો. તમારા નિર્મળ યશ તથા ગુણરૂપી મોતીને જેમની જીભ હંસિની બની આરોગે છે તેમના દિલમાં વાસ કરો."
એ વચનોથી કહી બતાવાયું છે કે ઈશ્વરના નામસ્મરણ, સંકીર્તન અને કથાશ્રવણનો રસ ભક્તે વધારે ને વધારે પ્રમાણમાં કેળવવો જોઈએ, ઈશ્વર સિવાયની બીજી કોઈ સાંસારિક વસ્તુનો સ્વાદ હૃદયમાં નહિ રહેવો જોઈએ. ઈશ્વરના દર્શન માટે જ એનું અંતર આતુર હોય. એ જ એના જીવનનું એક માત્ર વ્રત તથા સુખ હોય. એ ઉપરાંત, આગળ કહેવામાં આવે છે :
"સુંદર દેવસ્થળોમાં જઈને જે એમની સુવાસ લે છે, તેમને અર્પણ કરી જે ભોજન કરે છે, તમારી પ્રસાદી રૂપે વસ્ત્રો તથા આભૂષણો ધારણ કરે છે, દેવ, ગુરુ તથા બ્રાહ્મણને જોઈને પ્રેમ તથા નમ્રતાપૂર્વક મસ્તક નમાવે છે, જેમના હાથ ઈશ્વરની સેવા પૂજા કરે છે અને ઈશ્વર વિના જેના દિલમાં બીજા કોઈનો ભરોસો નથી; જે તીર્થનો આનંદ લે છે, તમને પૂજે છે, તમારા મહામંત્રનો જપ કરે છે, દાન દે છે, તમારા કરતાં ગુરુને અધિક માનીને સેવે છે અને સૌની પાસેથી ઈશ્વરના પરમ પ્રેમની માગણી કરે છે, તેમના મનરૂપી મંદિરમાં તમે વાસ કરો."
એ વચનોમાં પેલો સનાતન સંદેશ વહેતો કરવામાં આવ્યો છે કે ભક્તની પ્રત્યેક ક્રિયા-પ્રક્રિયા અથવા તો એનો સમગ્ર વ્યવહાર ઈશ્વરમય બની જવો જોઈએ, ઈશ્વરીય ભાવથી ભરપૂર થઈ જેવો જોઈએ, અથવા ટૂંકમાં કહીએ તો ઈશ્વરની સાથે એના મનની વૃત્તિનું સતત, એકધારું, અખંડ અનુસંધાન બન્યુ રહેવું જોઈએ. ત્યારે એના પર ઈશ્વરની સંપૂર્ણ કૃપા થઈ શકે.
ઈશ્વરની કૃપાની આશા રાખનાર ભક્તનું જીવન નિર્મળતાના કેવા મોટા નમૂનારૂપ હોવું જોઈએ એનો ઉલ્લેખ કરતાં મુનિએ કહી બતાવ્યું છે :
"જે કામ, ક્રોધ, મદ, અભિમાન, લોભ, મોહ, ક્ષોભ, રાગ અને દ્વેષથી મુક્ત છે, તથા દંભ, કપટ ને છળથી રહિત છે, એના હૃદયમાં હે રામ, તમે વાસ કરો. જે સૌના પર સ્નેહ રાખે છે, સૌનું સારું કરે છે, સુખમાં દુઃખમાં, નિંદા ને સ્તુતિમાં મનને સરખુ રાખે છે, જે વિચાર કરીને સત્ય વચન બોલે છે, સૂતાં, જાગતા જેને તમારું શરણ છે અને તમારા વિના જેને બીજી ગતિ નથી, જે પરસ્ત્રીને માતા જેવી તથા પરધનને વિષ જેવું માને છે, બીજાની સંપત્તિ જોઈને જે ચલિત થતા નથી, જે તમને માતાપિતા, સ્વામીસખા અને જીવનનું સર્વસ્વ માને છે, એના મનરૂપી મંદિરમાં હે રામ, તમે સીતા અને લક્ષ્મણ સાથે વાસ કરો."
"વળી, જે દુર્ગુણને બદલે સૌની અંદર ગુણનું દર્શન કરે છે, બ્રાહ્મણ તથા ગાયનું રક્ષણ કરે છે, જે નીતિમાં નિપુણ છે, પોતાના દોષ જુએ છે, સર્વપ્રકારે તમારો જ વિશ્વાસ રાખે છે, જેમને તમારા ભક્તો પર વધારે પ્રેમ છે, તેના અંતરમાં વાસ કરો. જાતિ, ધન, સ્વજન, સંબંધી અને ઘરનો ઘમંડ ને મોહ મૂકીને જે તમને જ હૃદયમાં ધારણ કરે છે, સ્વર્ગ નરક ને મોક્ષને સમાન સમજે છે, બધે તમારું દર્શન કરે છે, અને મન, વચન તથા કર્મથી તમને અનુસરે છે, તમારા વિના બીજી કોઈ વસ્તુની ચાહના નથી, અને તમારી જ સાથે જેને સ્નેહ છે, તેના મનમાં સદાને માટે વાસ કરો અને તેના મનને જ તમારું ઘર કરો."
આમ વાલ્મીકિએ રહેવા માટે જુદાંજુદાં સ્થાન બતાવ્યા. એમનાં વચનો સાંભળી રામ હસવા માંડ્યા, એટલે વાલ્મીકિએ પોતાના વક્તવ્યની પૂર્ણાહુતિ કરતાં કહ્યું : "તમારા નિવાસને માટે ચિત્રકુટ સૌથી સરસ સ્થળ છે, માટે ત્યાં જઈને તમે વાસ કરો."
મુનિ વાલ્મીકિના એ શબ્દો કેટલા બધા સારગર્ભિત છે ? રામ સૌના હૃદયમાં રમનારા અથવા ચરાચરમાં વસનારા ઈશ્વરનું પ્રતિક છે. એમની પધરામણીથી પોતાનું જીવન પાવન થાય છે એવી ઈચ્છા કેટલાયને હોય છે. એ ઈચ્છાની પૂર્તિ ક્યારે થાય? એને માટે કેવી અસાધારણ યોગ્યતા હોવી જોઈએ; અથવા તો પોતાના જીવનને કેવો આકાર આપવો જોઈએ, એનો સંકેત મુનિના એ શબ્દો ઉપરથી સહેલાઈથી મળી રહે છે. એ શબ્દોનો સંક્ષિપ્ત સાર એ જ છે કે ઈશ્વરના સાક્ષાત્કારની ઈચ્છાવાળા માનવે પોતાનું સમગ્ર જીવન ઈશ્વરમય બનાવી દેવું જોઈએ. એ ઉપરાંત, તેણે પવિત્રતા તથા ઈશ્વરપ્રેમની મૂર્તિ બનવું જોઈએ.
ઈશ્વરને પોતાના કરવા ને સ્વયં ઈશ્વરના થવા કેવા પ્રકારની ઉત્તમોત્તમ લાયકાતની આવશ્યકતા છે તેનો પડઘો પાડનારા એ શબ્દો કેટલા બધા રહસ્યમય છતાં પણ સાદા, સીધા ને સચોટ છે ? જીવનમાં એનો અનુવાદ ના કરાવાને પરિણામે જ ઈશ્વરની પાસે પહોંચી ને જીવનને સાર્થક, સફળ ને સુખમય કરવાની આકાંક્ષાની પૂર્તિ નથી થઈ શકતી, એ સહેજે સમજી શકાય તેવું છે.
- શ્રી યોગેશ્વરજી