if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજના યુગને વિજ્ઞાન ને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે એ સહેતુક કે સાર્થક છે. એનો સ્વીકાર કોઈ પણ બુદ્ધિવાદી, તટસ્થ ચિંતકને કર્યા વિના ચાલે તેમ નથી. છેલ્લાં કેટલાંક વરસોમાં વિજ્ઞાને જે ઝડપી આગેકૂચ કરવા માંડી છે એ સર્વવિદિત છે. એને પરિણામે અવનવા આવિષ્કારો થયા છે, અને કેટલાંય હેરત પમાડે તેવાં સંશોધનો કરવામાં આવ્યાં છે. અવકાશનાં ક્ષેત્રોમાં પણ માનવ આગળ ને આગળ વધતો જાય છે. એટલે આ યુગ વિજ્ઞાનનો છે એમ કહેવામાં કોઈ જાતની અતિશયોક્તિ નથી થતી.

દરેક વસ્તુની જેમ વિજ્ઞાનનાં, અથવા તો વૈજ્ઞાનિક અન્વેષણોનાં પણ બે પાસાં છે: રચનાત્મક અને વિધ્વંસાત્મક. રચનાત્મક ક્ષેત્રે વિજ્ઞાનની મદદથી જેમ ભાતભાતની શોધખોળો કરવામાં આવી રહી છે, તેમ વિધ્વંસના હેતુ માટે પણ વિજ્ઞાનનો ઉઘાડેછોગ અને ભરચક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. માનવની કેટલી બધી બુદ્ધિ, ચિંતનશક્તિ, સંપત્તિ અને સર્જકવૃત્તિ એ કામમાં લાગી રહી છે. રચનાત્મક ક્ષેત્રે જેમ એની સિદ્ધિઓ અસાધારણ ને અપ્રિતમ છે તેમ વિધ્વંસાત્મક ક્ષેત્રે પણ એણે આશ્ચર્યચકિત કરી દે એવા અવનવા વિક્રમો કરવા માંડ્યા છે. એ વિક્રમો વધતા જ જાય છે, અને એમનો અંત નથી. વિજ્ઞાનના ઈતિહાસમાં નોંધપાત્ર હકીકત તો એ છે કે એ આજે રાજ્યાશ્રયી બન્યું છે. સત્તાધારી પક્ષો આજે એનો ઉપયોગ પોતપોતાની વૃત્તિ તથા પ્રવૃત્તિ માટે કરી રહ્યા છે. એટલા માટે તો કેવળ રચનાત્મક ક્ષેત્રે પ્રગતિ કરીને બેસી રહેવાને બદલે, એને વિધ્વંસાત્મક ક્ષેત્રે પણ વધારે ને વધારે પ્રયોગો કરતાં આગળ વધવું પડે છે. વિજ્ઞાનની આ કમનસીબી કહો કે દુર્ભાગ્ય ગણો, પરંતુ આ એક વાસ્તવિકતા છે એનો ઈન્કાર થઈ શકે તેમ નથી.

એ વાસ્તવિકતાને પરિણામે, જે વિજ્ઞાન પોતાની બધી જ શક્તિ, સંપત્તિ, શક્યતા ને શોધને લીધે માનવજાત માટે આશીર્વાદરૂપ બની શક્યું હોત, તે એક સમસ્યારૂપ બની ગયું છે. આ કાંઈ કેવળ પ્રજાની જ આશંકા નથી; રાજપુરુષો તથા નેતાઓની પણ પ્રતીતિ છે; એમના ઉદ્દગારો એનું સમર્થન કરાવી જાય છે. એ જ કહે છે કે સમસ્ત જગત એક સર્વસંહારક વિકરાળ જ્વાલામુખીની પાસે બેઠું છે. એ જ્વાલામુખી ક્યારે ફાટશે તે વિષે કશું જ ચોક્કસ ન કહી શકાય. પરંતુ જ્યારે પણ ફાટશે ત્યારે, ને જો ફાટશે તો, સર્વભક્ષી બનીને આધુનિક સભ્યતાની સઘળી સિદ્ધિઓને સ્વાહા કરી દેશે. વિનાશના એ મહાભયંકર વહ્નિમાં પ્રાચીન ને અર્વાચીન, ઉત્તમ ને અધમ, સુંદર ને અસુંદર, તેમ જ ઉપયોગી અને અનુપયોગી, બધું ખાખ થશે, નષ્ટભ્રષ્ટ બની જશે, ને કશાની કણિકા પણ નહિ લાધે. હવેનું યુદ્ધ વિજ્ઞાનની પ્રચંડ વિધ્વંસાત્મક શક્તિના વિનિયોગને લીધે, ભારે પ્રલયંકર સાબિત થશે. એમાં માનવ, માનવનું જે તે બધું તથા સમસ્ત જીવસૃષ્ટિનો નાશ થઈ જશે. રાજકીય પુરુષોની નીતિની એક જ નાનીસરખી ભૂલ, એક જ ઉતાવળિયું, ખોટું, ગણતરી વિનાનું પગલું સૃષ્ટિને સર્વનાશને આરે લઈ જઈને ઊભી રાખશે. એ કથન કાંઈ સાવ અવજ્ઞા કરવા જેવું નથી જ.

ભય અને આશંકાના આવા સમયમાં આધ્યાત્મિકતા શું ભાગ ભજવી શકે ? સંસારને ભયમુક્ત કરવા તથા વિધ્વંસમાંથી બચાવી લેવા માટે તે કાંઈ ફાળો આપી શકે ખરી ? બુદ્ધિમાન પુરુષો તરફથી એવા પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. એનો ઉત્તર બે રીતે આપી શકાય છે. એક તો એ કે વિજ્ઞાનની સર્વભક્ષી, સર્વસંહારક શક્તિની સામે, એ શક્તિથી જરા પણ પ્રભાવિત ન થાય, પરંતુ એ શક્તિને પ્રભાવિત કરે અને એના પર શાસન કરે, એવી ઉત્તમોત્તમ આધ્યાત્મિક શક્તિનું નિર્માણ કરવું. એવી સર્વોચ્ચ શક્તિના નિર્માણને માટે પ્રખરમાં પ્રખર તપ જોઈએ, સાધના જોઈએ, આત્મસમર્પણ જોઈએ, અડગ ધૈર્ય, હિંમત, ઉત્સાહ ને મનોબળ જોઈએ. એ સૌની સાથે છતાં સૌના મૂળમાં, ઈશ્વરની અપાર અનુકંપા ને ઈચ્છા જોઈએ. તો એ કામ સરળ બની શકે. અલબત્ત, સાધના તેમજ તેની મારફત સિદ્ધ થતા સર્વતોમુખી વિકાસનો આ કાર્યક્રમ સમષ્ટિને માટે નહિ, પરંતુ વ્યક્તિને માટે છે, અને એનું આલંબન એકાદ અસામાન્ય યોગ્યતાસંપન્ન વ્યક્તિ જ લઈ શકે. એવી વ્યક્તિ ઈશ્વર તરફથી આવા વિશેષ કાર્યને માટે નિશ્ચિત અથવા તો પસંદગી પામેલી હોવી જોઈએ. પોતાની વિરાટ આત્મિક શક્તિથી એવી અસાધારણ વ્યક્તિ વિજ્ઞાનની વિધ્વંસાત્મક દોટને અટકાવી શકે અને એવી દોટમાં લાગેલા માનવમનમાં પણ ક્રાંતિ કરી શકે.

બીજો ઉત્તર જરા જુદી જાતનો છે. વિજ્ઞાનની આગેકૂચની સાથે સાથે મનુષ્યના મનની પણ આગેકૂચ થવી જોઈએ. વિજ્ઞાને માનવને અનંત શક્તિ, સંપત્તિ, સાધન કે સુખોપભોગનો સ્વામી બનાવ્યો છે. અન્વેષણની અનેકાનેક શક્યતાઓ એની આગળ છતી કરી છે; અને એ રીતે એના જીવનમાં શકવર્તી ભાગ ભજવવા માંડ્યો છે. દેશ ને કાળને ટૂંકા કરી એમના પર શાસન કરી બતાવવાની કરામતો એણે પૂરી પાડી છે. ઐશ્વર્યની અભિવૃદ્ધિ કરવા માંડી છે. આ બધું હોવા છતાં જીવનમાં સુખ, શાંતિ, સલામતી ને નિર્ભયતા કેમ નથી? પારસ્પરિક ધિક્કાર ને કડવાશ હજુ પણ કેમ ચાલુ રહ્યાં છે? ભેદભાવ તેમ જ ચડસાચડસી ને રાગદ્વેષની દીવાલો હજુ પણ કેમ તૂટી નથી પડી? અત્યાચાર, અનાચાર, હિંસા, જોહુકમી ને તૃષ્ણા કેમ ચાલુ છે? દાનવતાને દફનાવી દેવાને બદલે ખુદ માનવતાનો જ મૃત્યુઘંટ કેમ વાગી રહ્યો છે? વસુધૈવ કુટુંબકમની ભાવના પુસ્તકના પઠનપાઠનની જ ભાવના કેમ રહી ગઈ છે, ને તેનો આચારમાં અનુવાદ કેમ નથી થતો? ભોગોની આટલી બધી અદમ્ય લાલસા, તેની પૂર્તિ માટેની થોકબંધ સામગ્રી, એનો પ્રચુર માત્રામાં ઉપયોગ છતાં ઉત્તરોત્તર અતૃપ્તિ અને અશાંતિ કેમ વધતી જ જાય છે? માનવજાતને મદદરૂપ થાય તેવાં સંશોધનોમાં રસ લેવાને બદલે, સંસ્કૃતિનો સર્વનાશ કરનારી જીવલેણ શોધોમાં રસ શા માટે લેવામાં આવે છે? એનો ઉત્તર માનસિક છે. માનવનું મન જ્યાં સુધી ઉદાત્ત નથી બન્યું, નિર્મળ નથી થયું, અથવા તો એની વૃત્તિ કે ભાવનાનું ઊર્ધ્વીકરણ નથી થયું ત્યાં સુધી આ પરિસ્થિતિ કાયમ જ રહેવાની. એનો અંત નહિ જ આવવાનો. માણસ જ્યાં સુધી માનવસહજ સદ્દગુણોથી સંપન્ન થઈને સાચા અર્થમાં માનવ નહિ બને, ત્યાં સુધી શક્તિ કે સામગ્રીનો સદુપયોગ કરીને શાંતિ નહિ જ મેળવી શકવાનો.

એટલા માટે જ, આધ્યાત્મિકતાને અનુસરવાની, ધર્મના મૂળ તત્વોને જીવનમાં ઉતારવાની આજે અનિવાર્ય આવશ્યકતા છે. જો ધર્મ અથવા આધ્યાત્મિકતાનું આચરણ સમ્યક્ રીતે કરવામાં આવે તો વ્યક્તિનું તથા તેની દ્વારા સમષ્ટિનું પરિત્રાણ જરૂર થઈ શકે. આ વાતને યાદ રાખીશું તો લાભ થશે. જગતને સમૃધ્ધ કરવા માટે જેમ વિજ્ઞાનની જરૂર છે, તેમ તેને શાંતિમય, સુખમય ને જીવવા જેવું કરવા માટે ધર્મ અથવા તો આધ્યાત્મિકતાની આવશ્યકતા છે. બંનેનો સમન્વય કરવો પડશે તો જ સર્વનાશના ભયમાંથી બચી શકાશે. આધુનિક યુગે એ મહાન સંદેશ પૂરો પાડ્યો છે. તેને સમજવાથી પોતાનું ને બીજાનું શ્રેય કરી શકાશે એ ચોક્કસ છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.