if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજના વૈજ્ઞાનિક યુગમાં માનવની બુદ્ધિ દિનપ્રતિદિન વધારે વિકાસ કરતી જાય છે. એને પરિણામે અવનવાં અથવા તો આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવાં સંશોધનો થતાં જાય છે. એ સંશોધનોમાંનાં કેટલાક માનવસમાજને માટે હિતકારક પણ છે તો કેટલાક સર્વનાશની શક્યતા પણ ધરાવે છે. માણસની એક જ ભૂલ, ખોટી ગણતરી અથવા એક જ ખોટું પગલું સંસારનો સર્વનાશ કરી શકે તેમ છે. આપણે ઈચ્છીશું કે એવું ના થાય. પરંતુ કેવળ ઈચ્છવાથી કશું નહિ વળે. મૂળ મુદ્દો માનવના વિકાસનો, હૃદયપલટાનો અથવા તો દૃષ્ટિબિંદુના પરિવર્તનનો છે. મૂળ વાત એ છે કે માનવે સાચા અર્થમાં માનવ થવું પડશે, ને માનવે ચાહતાં શીખવું પડશે. આજે બુદ્ધિ વધતી જાય છે, પરંતુ હૃદયનો વિકાસ નથી થતો. હૃદયમાં તો એવી જ લાલસાઓ, તૃષ્ણાઓ, સ્પર્ધાઓ, સંકુચિતતા, વૈમનસ્ય ને સ્વાર્થ ભરેલા છે. બુદ્ધિ અને હૃદય બંનેનો વિકાસ ના થાય ત્યાં સુધી માનવ આદર્શ-માનવ ના બની શકે ને બીજાને સહાયક કે શાંતિદાયક પણ ના થઈ શકે. આપણે એવી સંસ્કૃતિની આવશ્યકતા છે જેમાં મન, બુદ્ધિ ને હૃદય તથા આત્મા સૌને સ્થાન હોય, તેમ જ સૌના વિકાસની શક્યતા હોય. તો જ સૃષ્ટિમાં શાંતિની સ્થાપના થઈ શકે.

માણસ એવી શક્તિ મેળવે કે જેથી આકાશમાં ઊડે, પૃથ્વીની પરિકમ્મા કરે, ગ્રહ કે નક્ષત્રોમાં પહોંચે ને ભૂગર્ભમાં પણ પ્રવેશે, પરંતુ એક મનુષ્ય તરીકે પૃથ્વી પર મનુષ્યની સાથે સ્નેહ, સંપ ને શાંતિથી શ્વાસ લેતાં ના શીખે તો ? પોતાના જીવન દ્વારા બીજાને આતંકરૂપ બનવાને બદલે આશીર્વાદરૂપ બનતાં ના શીખે તો ? તો એવી શક્તિ એને અને બીજાને માટે ભાગ્યે જ મંગલમય બની શકે. સામાન્ય માણસ પણ ગમે તેટલો ધનવાન, વિદ્વાન કે શક્તિશાળી હોય તો પણ જો પોતાના જ ઘરના સભ્યો, પાડોશીઓ તથા સમાજની વ્યક્તિઓ સાથે શાંતિપૂર્વક ના જીવી શકે તો ? તો એવી શક્તિ, શ્રી, સત્તા કે બુદ્ધિમત્તા ભાગ્યે જ કોઈનું કલ્યાણ કરી શકે. એટલે બીજી બધી વસ્તુઓની સિદ્ધિની સાથેસાથે પોતાનાં ઘર, સમાજ કે સંસારને સુખી કરવા માટે, માણસે ઉત્તમ માનવ થવાની અથવા તો જીવનને ઉત્તમ રીતે જીવવાની કળા સિદ્ધ કરવી જોઈએ. એ કળાની કીંમત ઘણી મોટી છે.

જીવનના કલાકારે સમજી લેવું જોઈએ કે સંસાર પરિવર્તનશીલ છે ને સ્થાયી નથી. એનાં બધાં જ નામ ને રૂપ અસ્થાયી છે. ભારતમાં એવી દીક્ષા છેક કિશોરાવસ્થામાંથી જ આપવામાં આવતી. એને એને માટે સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યાની શરૂઆતમાં જ કહેવામાં આવતું કે ‘ૐ અગ્નિરિતિ ભસ્મ. વાયુરિતિ ભસ્મ.’ હાથમાં ભસ્મ લઈને સંધ્યા કરનાર એ મંત્ર બોલતાંબોલતાં ભાવના કરતો કે અગ્નિ, વાયુ, જળ, સ્થળ ને વ્યોમમાં વસનારા બધા જ જીવો ક્ષણભંગુર છે, પંચમહાભૂતના બધા જ પદાર્થો ક્ષણભંગુર છે, મન તથા લોચન પણ છેવટે ભસ્મિભૂત થઈ જશે, ભસ્મ સૌનું છેવટનું પરિણામ છે, માટે હે મન, સંસારના બાહ્ય પદાર્થોમાં આસક્તિ ના કર. એ આસક્તિ દુઃખ તથા શોકનું કારણ છે. એવી રીતે વિચારવાથી દુન્વયી પદાર્થો પ્રત્યેની આનાસક્તિ તથા નિર્મમતામાં મદદ મળે છે, અને કર્મ કરવા છતાં પણ, ચિત્ત અલિપ્ત ને ઉપરામ રહે છે. એથી જીવનનો રસ સુકાઈ નથી જતો. આપણે જીવનરસના અથવા તો આનંદના વિરોધી નથી. જીવનનો આનંદ જરૂર ચાખો. એનો રસાસ્વાદ લો. સ્નેહના સંબંધો બાંધો. પરંતુ બંધાવ કશામાં નહિ. આસક્ત કશામાં ના થાવ. ભાન ના ભૂલો. અંધ અવિવેકી ના બનો. તમારા ધ્યેયના ના ભૂલો. જગતને ઈશ્વરની વિશાળ લીલારૂપે જુઓ. જીવનને એક મહાન નાટકરૂપે માનો. અને તમને જે અભિનય મળ્યો છે તેને તટસ્થ રીતે પૂરો કરો. એમાં ડૂબી ના જાવ. વૈરાગ્યના ભાવને જાગ્રત રાખીને, તમારે ફાળે આવેલાં કર્મો, તમારે માટે નક્કી થયેલી ફરજો ને જવાબદારીઓને કોઈ પણ પ્રકારના બડબડાટ વિના, સ્મિતપૂર્વક પૂરી કરો. તમારા જીવનનો ઉપયોગ સમાજના બીજા સભ્યો માટે પણ કરો. કેવળ એકલપેટા ના બનો. બીજાની સેવાને જીવનનું વ્રત બનાવો. એથી નિ:સ્વાર્થતા પેદા થશે અને અનાસક્તિ આપોઆપ આવી જશે.

યાદ રાખો કે કેટલાક માણસો માને છે તેમ કોઈને દગો દેવામાં, છલકપટ કરવામાં કે કોઈની સાથે છેતરપીંડી કરવામાં કળા નથી સમાયેલી. એમાં કોઈ ચતુરાઈ માનતું હોય તો એવી ચતુરાઈ નકામી છે. છેવટે તો તે પોતાને પણ પીડારૂપ થાય છે. જે સાંસારિક સુખસંપત્તિને એકઠી કરવામાં ને તેમાં મહાલવામાં જ જીવનનું શ્રેય સમજે છે, તે પણ સમજી લે કે સાંસારિક સુખસંપત્તિ આવશ્યક હોવા છતાં જીવનનું સારસર્વસ્વ નથી, મિથ્યા છે. તે સંપૂર્ણ શાંતિ નથી આપી શકતી, અને એક દિવસ એને છોડીને ચાલવાનું છે. જીવનની કળા તો બીજાને મદદરૂપ થવામાં છે. સાદાઈ, સંયમ, સંપ, સ્નેહ ને મીઠાશથી જીવવામાં છે. સૌની સાથે પ્રામાણિકતાથી વ્યવહાર કરવામાં છે અને જ્યાં હોઈએ ત્યાં ઉત્તમ ચારિત્ર્ય કે કર્મોની ફોરમ ફેલાવવામાં છે. આત્મિક શાંતિની પ્રાપ્તિ એવી રીતે જીવવાથી આપોઆપ થઈ જાય છે, અને જીવનની સફળતાનો સંતોષ પણ મળી રહે છે.

તમારા પોતાના નિયમો ને સિદ્ધાંતોને બધા સંજોગોમાં વળગી રહેતાં શીખો. એમાં જ્યારે ત્યારે ને જેમ ફાવે તેમ બાંધછોડ કરવાની ટેવ ના પાડો. વ્રતો, નિયમો ને સિદ્ધાંતોના પાલનથી એક પ્રકારની શાંતિ મળશે, આત્મવિશ્વાસમાં વધારો થશે, ને મન મજબૂત બનશે. પ્રલોભનો ને ભયસ્થાનો સામે ટકી રહેવાની શક્તિ પણ સાંપડી રહેશે. કોઈપણ જાતના દબાણ, સ્વાર્થ કે પ્રલોભનોને વશ થઈને તમારા સન્માર્ગનો ત્યાગ ના કરો. એ અત્યંત આવશ્યક છે. એ ઉપરાંત, તમારા સિદ્ધાંતોનું પાલન કરતાં કરતાં દુઃખ આવે, વિરોધ થાય, નિંદાનો સામનો કરવો પડે, અને મોટામાં મોટો ભોગ આપવો પડે, તોપણ તેથી ડર્યા કે ડગ્યા વિના, તમારા માર્ગ પર આગળ ને આગળ ચાલ્યે જ રાખો. કોઈ કારણે નિરાશ કે નાહિંમત તો ના જ બનો.

એવી રીતે જીવન જીવવાની કળાનો આનંદ લૂંટી શકશો. અને જેમ જીવન જીવવાની કળા છે તેમ મરણની પણ કળા છે ને? ઈશુ, સુકરાત, દયાનંદ ને ગાંધીજી જેવા મહાપુરુષોએ એ કળાનું દિગ્દર્શન કરાવ્યું છે. જેનું જીવન નિષ્પાપ ને નિર્મલ છે તેનું મરણ પણ મંગલ હોય છે. તે શાંતિથી ને સ્મિત સાથે શરીર છોડી શકે છે. એનું મન ઈશ્વરમાં જ જોડાયેલું રહે છે. મરણ એને માટે દુઃખદ, આઘાતજનક કે વિષાદનું કારણ નથી થતું. એ વખતે એ બીજી લૌકિક લિપ્સા કે ભ્રમણામાં નથી પડતો. એ કળાને જે સાધી શકે છે તેને માટે જીવન ને મરણ બંને મહોત્સવ જેવા મંગલ થઈ પડે છે. મરણ પણ આખરે તો નવજીવનનું એક પ્રવેશદ્વાર જ છે ને? પછી શેનો શોક ? તેનો ભય પણ શા માટે? તેને શાંતિ તથા સ્મિત સાથે સત્કારવામાં જ જીવનની કળા છે: સાર્થકતા કે ધન્યતા છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.