if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સત્સંગનું પ્રમાણ દેશમાં સારી પેઠે વધ્યું છે. નાનાં મોટાં શહેર ને ગામડાંમાં ભજનમંડળો ચાલતાં હોય છે. ગીતાયજ્ઞો, ભાગવત સપ્તાહો ને રામાયણના પારાયણો થાય છે. નવરાત્રીમાં દુર્ગાસપ્તશતીના પાઠ ચાલે છે. અને વિશ્વશાંતિ તથા બીજા અનેકાનેક હેતુઓને લક્ષમાં લઈને જુદી જુદી જાતના યજ્ઞોનું અનુષ્ઠાન પણ થયા કરે છે. જાહેર વાર્તાલાપો કે પ્રવચનો પણ સારી સંખ્યામાં થાય છે. મહાપુરુષોની જયંતીઓ તેમ જ શતાબ્દીઓ પણ ઉજવાય છે. તીર્થપ્રવાસો પણ પર્યાપ્ત પ્રમાણમાં થઈ રહ્યા છે. ધર્મ ને તત્વજ્ઞાનના ખાસ સમારંભો પણ થતા રહે છે. ઉપરાંત, ધાર્મિક માસિકો કે લેખમાળાઓના વાચકો પણ વધ્યા છે. સંસ્કારી પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે. આમ દેખીતી રીતે દેશમાં ધર્માનુષ્ઠાનનું પ્રમાણ સંતોષકારક લાગે એવું છે. ધર્મપ્રાણ કહેવાતા આ દેશને માટે એ એક સારું ચિહ્ન ગણાય.

છતાં પણ, આ બધી બાહ્ય પ્રવૃત્તિઓની પાછળ, ધર્મનું સાચું અનુષ્ઠાન કેટલું ? એ પ્રશ્ન પણ દેશનો પ્રવાસ કરનારને સ્વાભાવિક રીતે જ થયા કરે છે. દેશના ચારે ખૂણામાં ફરી વળીએ તો આજે શું દેખાય છે ? પ્રજાના નૈતિક જીવનનું સ્તર નીચે ઊતરતું જાય છે. અનૃતભાષણ, છળકપટ ને દગાખોરી વધી છે. અપ્રામાણિકતા વ્યાપક બનતી જાય છે. લાંચરુશ્વત અને ભેળસેળે વિરાટ રૂપ ધારણ કર્યું છે. અપહરણ, ખૂન, ચોરી તથા છેતરપીંડીના બનાવો પણ કંઈ ઓછા નથી બનતા. અમીરી વધતી જાય છે, ને ગરીબી પણ એટલી જ-બલ્કે એથી પણ વિશેષ પ્રમાણમાં, વધતી જાય છે. આ બધું ધર્મને માટે પ્રાણઘાતક પુરવાર થાય છે. ધર્મના મૂળભૂત પાયા જેવા જે મહત્વના ગુણધર્મો છે, અથવા તો આધ્યાત્મિક જીવનનાં જે મૂળ તત્વો છે, તે સત્ય, દયા, સેવાભાવ, શુદ્ધિ અને સમભાવનું દર્શન જાણે કે દુર્લભ થઈ ગયું છે. કૌટુંબિક જીવનની મીઠાશ બહુ ઓછે ઠેકાણે ને ઓછા પ્રમાણમાં દેખાય છે. ત્યારે આપણને થાય છે કે ધર્મની વાતો કરનારી તથા ધર્મને માટે ગૌરવ લેનારી ભારતની પ્રજા ધર્મના સાચા અનુષ્ઠાનની દ્રષ્ટિએ ક્યાં છે ને કયી દિશામાં જઈ રહી છે ? અલબત્ત, એ રેખાચિત્ર કાંઈ ઉત્સાહજનક તો નથી જ.

કોઈ પણ પ્રજા ધર્મ ને સંસ્કૃતિની ભૂતકાલીન ગૌરવવંતી સ્મૃતિથી મહાન નથી થઈ શકતી, પરંતુ એ વાતોને રોજિંદા જીવનમાં વણી લેવાથી મહાન બની શકે છે. એવી પ્રજા જ આદર્શ અને પ્રાણવાન થાય છે. એ દ્રષ્ટિએ જોતાં આજે આપણો ધર્મ શો છે ? મને લાગે છે કે ધર્મમાં માનનારી કે ન માનનારી પ્રત્યેક વ્યક્તિએ પોતાના જીવનની સંશુદ્ધિને સાધવા તથા સાચવવા માટે બનતું બધું જ કરી છૂટવું જોઈએ અને અધર્મ અથવા અનીતિની અસરોથી મુક્ત રહેવા ઉપર કહેલા અનર્થોને જીવનમાંથી ભૂંસી નાખવા અથવા તો એમના શિકાર નહિ બનવા, પ્રયત્નશીલ થવું જોઈએ. ચારિત્ર્યની નિર્બળતા ને ઉત્તમતા પ્રત્યેક વ્યક્તિનો જીવનમંત્ર થઈ પડવો જોઈએ. તેને માટે કેળવણી તથા બીજી પદ્ધતિઓમાં જે પરિવર્તનો કરવાની આવશ્યકતા હશે તે પણ કરવાં રહેશે, પરંતુ વ્યક્તિગત રીતે તો પોતાનું જીવન મન, વચન ને કર્મથી સ્ફટિક જેવું નિર્મળ બને ને રહે તે માટેનો પ્રયત્ન પ્રત્યેકે કરી છૂટવો જ પડશે. તો જ દેશને માટે કાંઈક આશા રહેશે. કેમ કે દેશ સમૃદ્ધ, સુખી તથા સલામત બને છે તે તેની ભૌતિક સંપત્તિ તેમ જ વૈજ્ઞાનિક સંશોધનોને લીધે જ નહિ, પરંતુ એની પ્રજાની રાષ્ટ્રીય ભાવના, એકતા, ગુણ, સમૃદ્ધિ અથવા તો ચારિત્ર્યની ઉત્તમતાને લીધે. એ જ એને યશસ્વી બનાવે છે અને એ જ એના સંરક્ષણમાં મહત્વનો ફાળો આપે છે. બીજી જાતની પ્રગતિ દેશને માટે ઉપેક્ષણીય છે એવું નથી, પરંતુ સર્વસ્વ છે એવું નથી સમજવાનું.

આજે તો જોઈએ છે માનવતાના મહામૂલ્યવાન ગુણોનો આચરણમાં અનુવાદ કરવાનું પ્રેરણાબળ પૂરું પાડનારો સીધો ને સાદો માનવ ધર્મ : જે પોતાની શુદ્ધિ કરવાની સાથે સાથે બીજાની સેવા કરવાની દીક્ષા આપે. રાગદ્વેષ, અહંતા, સંકુચિતતા તથા વૈયક્તિક ભેદભાવો ને માનવમન પ્રત્યેની ધૃણાની હીન ભાવનામાંથી માનવને જે બહાર કાઢે. અને જેને લીધે માનવ વિશેષ ઉદાર, વિશાળ ક્ષમાશીલ, સદ્દબુદ્ધિસંપન્ન ને સંયમી બની, પોતાના ઘર અને કુટુંબને અને એ દ્વારા સમસ્ત સમાજને સુખી તેમ જ શાંતિમય બનાવે; આસુરી સંપત્તિના બધા અવશેષોનો અંત આણીને માનવની માનવતાને સોળે કળાએ ખીલવી દેનારા સરળ ને સચોટ માનવધર્મની આજે તો આવશ્યકતા છે. થોડા સમજુ કે વિવેકી માણસો પણ પોતાના જીવનમાં ધર્મ ને નીતિનાં મૂળ તત્વોને મૂર્તિમાન કરવાનો પ્રયાસ કરે ને માનવતાના મહાગુણો ને બધા ગુણોને બધા જ સંજોગોમાં વળગી રહે તો ઘણું મોટું કામ થશે. એવા માણસોની સંખ્યા જેમ જેમ વધતી જશે તેમ તેમ શ્રેયસ્કર થશે એ નિ:શંક છે. એવા સત્વશાળી માણસો દેશ અને દુનિયાની મહામૂલી મૂડી થઈ રહેશે. બીજાને પણ એમનો ચેપ લાગતો રહેશે.

એટલે માનવતાની માવજત એ આજનો યુગધર્મ છે. કરમાવા માંડેલી માનવતાની કુસુમક્યારીઓને ફરી પાછી પ્રાણવાન ને પુલકિત કરવી અને એની દ્વારા લોકજીવનમાં અભિનવ સૌરભ ભરવી એ આજનો પ્રાણપ્રશ્ન છે. દોષ ક્યાં છે ને કેટલા પ્રમાણમાં છે એ મહત્વનું નથી, દોષારોપણ કરવાનું કામ પણ આવશ્યક નથી, આવશ્યકતા છે દોષને દફનાવી દેવાની. એને માટે પ્રમાદમાં પડવાની કે બીજાની પ્રતીક્ષા કરવાની જરૂર નથી. સત્વમય જીવનના આચારનો આરંભ પોતાની જાતથી જ કરવો જોઈએ. બીજાના ઘરની ચિંતા કરવા કરતાં પોતાના ઘરને વાળીચોળીને સાફ કરવું જોઈએ. એ જ સાધના કે પ્રવૃત્તિ આશીર્વાદરૂપ થઈ પડશે અથવા તો લાભકારક સાબિત થશે.

એ પ્રવૃત્તિ માટે સૌને પ્રેરણા મળે એમ ઈચ્છીશું.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.