સંસારનું નિરીક્ષણ કરતાં તેમાં મુખ્યત્વે ચાર પ્રકારના માણસો જોવા મળે છે. જડ અથવા તો વિષયી, જિજ્ઞાસુ, સાધક અને સિદ્ધ કે મુક્ત. માનવસમાજના વિશાળ મહેરામણને આધ્યાત્મિક દ્રષ્ટિથી જોતાં આ ચાર વિભાગમાં વિભક્ત કરી શકાય.
જડ
સૌથી પ્રથમ પ્રકાર જડ અથવા તો વિષયી માણસોનો છે. તેમનું મુખ્ય લક્ષણ શું છે તે જાણો છો ? આત્મિક ઉન્નતિ, આધ્યાત્મિકતા કે ઈશ્વર તરફ એ એકદમ ઉદાસીન હોય છે. એ સંબંધી વાતોમાં એમને રસ નથી હોતો. એ તરફ એમની અરુચિ હોય છે. એમના લોહીમાં એ સંસ્કારો જ નથી હોતા કે જેથી એમને એ વિષયો તરફ લેશપણ અભિરુચિ થઈ શકે. એમનો સમગ્ર રસ સંસારમાં કે સંસારના વિષયોમાં જ સમાઈ ગયો હોય છે. એના વિના એમને બીજું કશું ગમતું જ નથી અને બીજા કશામાં એમનું ધ્યાન પણ નથી લાગતું. રાત-દિવસ એ વિષયોનું જ ધ્યાન ધર્યા કરે છે. વિષયોનું જ ચિંતન-મનન કરે છે. અને વિષયસુખની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં જ જીવનની ઈતિ કર્તવ્યતા સમજે છે. ખાવુંપીવું, એશઆરામ કરવો અને એક દિવસ આ સંસારમાંથી વિદાય થઈ જવું એ એમના જીવનનું ધ્યેય હોય છે.
આધ્યાત્મિકતાની સાથે એમણે છૂટાછેડા લીધા હોય છે અથવા તો આધ્યાત્મિક જીવનનો જ રસ એમનામાં નથી હોતો એમ નહિ, પરંતુ એની સાથે સાથે નીતિ અને સદાચારની સાથે પણ એમણે લગભગ સંબંધ વિચ્છેદ કર્યો હોય છે એમ કહીએ તો ચાલે. નીતિ અને સદાચારના મૂલ્યોને એ ખાસ મહત્વનાં નથી માનતા પરંતુ સગવડ પૂરતાં જ સ્વીકારે છે. એટલે જ્યારે ફાવે ત્યારે પસંદ કરે છે, અપનાવે છે ને ફાવે ત્યારે છોડી દે છે અથવા તો તોડે છે. જીવનનો કોઈ વિશેષ ઉદ્દેશ એમની પાસે નથી હોતો, અને હોય છે તોપણ કેવળ દુન્વયી જ હોય છે. એ ઉદ્દેશની પૂર્તિ માટે એ આજીવન બનતો પ્રયાસ કર્યા કરે છે.
જિજ્ઞાસુ
જિજ્ઞાસુ માણસો જરા જુદી જાતના હોય છે. જીવન શું છે, શાને માટે છે, એની પાછળ કોઈ ઉદ્દેશ છે કે કેમ, અને હોય તો તેની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે છે, તેને માટે કેવા કેવા સાધનોનો આધાર લેવો જોઈએ તે વિષે તેમને જિજ્ઞાસા થાય છે. એવી જિજ્ઞાસાથી પ્રેરાઈને તે વિચારણા કરે છે, અને શક્ય તેટલાં સાધનોને શોધી કાઢે છે. જીવનને ઉત્તરોત્તર ઉત્તમ બનાવવા તરફ તેમનું ધ્યાન હોય છે. એને માટે તેમના હૃદયમાં ભૂખ તથા લગન હોય છે, ને તે લગનને સંતોષવા માટે તે તૈયાર રહે છે. તેમાં મદદ મેળવવાની ઈચ્છાથી અનુભવસંપન્ન સત્પુરુષોનો સંપર્ક પણ સાધે છે તેમજ તેમનું માર્ગદર્શન મેળવે છે.
કેટલાક માણસો જીવનભર જિજ્ઞાસુ જ રહે છે. તેમનામાં અવનવી જિજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન થતી જાય છે અને જિજ્ઞાસામાંથી એ ઊંચા જ નથી આવતા. જિજ્ઞાસાવૃત્તિની મારફત તે માહિતી મેળવે છે. તેમજ માહિતીના ભંડાર કે સંગ્રહસ્થાન જેવા પણ બની રહે છે. એ માહિતી જીવનોપયોગી ને જીવનવિકાસને અનુસરતી હોય છે, એટલા પૂરતી અગત્યની છે એ સાચું છે, પરંતુ એકલી જિજ્ઞાસાજન્ય માહિતી, વિચારશક્તિ કે બુદ્ધિ કોઈને સુખશાંતિ નથી આપી શકતી. તેથી જીવનનું શ્રેય પણ નથી સાધી શકાતું. તેની પણ એક સીમા છે. એ સીમાની બહાર જઈને જીવનના શ્રેયને સિદ્ધ કરવા તથા જીવનમાં સનાતન ને સંપૂર્ણ સુખશાંતિ પ્રાપ્ત કરવા માણસે જીજ્ઞાસુ તરીકે જીવન નિર્ગમન કરવાને બદલે સાધક બનવાની પણ આવશ્યકતા રહે છે. કેવળ બુદ્ધિવાદી કે ભાવનાપરાયણ બનીને બેસી રહેવાને બદલે, કર્તવ્યપરાયણ થવાની પણ જરૂર રહે છે. તે વિના આદર્શોનો આચારમાં અનુવાદ નથી થઈ શકતો, અને સિદ્ધાંતોને વ્યવહારમાં પણ નથી મૂકી શકાતા.
સાધક
સાધકદશા જીવનની સંપૂર્ણતા કે સાર્થકતાની મહત્વની મહામૂલ્યવાન દશા છે. તે દશા સિવાય સિદ્ધિની પ્રાપ્તિ નથી થઈ શકતી. એ દશામાં પ્રવેશ થાય છે ત્યારે શું થાય છે તે જાણો છો ? સાધકને સાધનાનો રસ લાગે છે. સાધના કરીને કાંઈક મેળવવાની તીવ્ર તરસ લાગે છે અને સિદ્ધિની પ્રાપ્તિની પ્રામાણિક આકાંક્ષાથી એ પોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત થાય છે. બીજી બધી પ્રવૃત્તિઓ એને ગૌણ લાગે છે. બીજી બધી પ્રવૃત્તિઓમાંથી મનને પાછું વાળીને એ પોતાના ઈચ્છીત ધ્યેય માટેના અભ્યાસમાં એકાગ્ર કરે છે. બીજા વિષયો, પદાર્થો તથા બીજી પ્રવૃત્તિઓનો રસ એના હૃદયમાં નથી રહેતો. આધ્યાત્મિક વિકાસની અથવા પરમાત્માના પ્રેમની એક જ વીણા એના હૃદયમાં દિવસરાત વાગ્યા કરે છે. પોતાના લક્ષ્યને વહેલામાં વહેલી તકે સિદ્ધ કરવા માટે કૃતનિશ્ચય થઈને એ પુરુષાર્થ કરે છે.
સિદ્ધ
પુરુષાર્થ પ્રત્યેના એવા અપાર અનુરાગ વિના સાધનાની સિદ્ધિ મળવી મુશ્કેલ છે. સાધકજીવનને માટે એવો પુરુષાર્થ અત્યંત અનિવાર્ય છે. એના સુખદ પરિણામ રૂપે જ્યારે સિદ્ધિ સાંપડે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે સાધક સિદ્ધ બને છે અને સર્વપ્રકારના બંધનોમાંથી મુક્તિ મેળવે છે. એનું જીવન કૃતાર્થ બની જાય છે. એનો સાધનાત્મક પરિશ્રમ સફળ થાય છે. અશાંતિ અને અલ્પતાનો અંત આવે છે. તથા પરમ શાંતિ, પરમાનંદ, પરમ સુખ તેમ જ પૂર્ણતાનું પરમ દ્વાર ઊઘડી જાય છે. જીવન દ્વંદ્વોમાંથી સંપૂર્ણપણે મુક્તિ મેળવીને કૃતકૃત્યતાની પરિસીમા પર પહોંચી જાય છે.
એવા કૃતકૃત્યતાની પરિસીમા પર પહોંચેલા મુક્ત, પૂર્ણ કે સિદ્ધ મહાપુરુષો સંસારમાં અત્યંત અલ્પ પ્રમાણમાં કે વિરલ જ મળે છે. જીવનની સંસિદ્ધિનું એ સુમેરુ શિખર સર કરવાનું નસીબ કોઈકનું જ હોય છે. કોઈક જ ત્યાં પહોંચીને પરમ શાંતિના ભાગીદાર બને છે. એને માટે સતત ને પ્રામાણિક પરિશ્રમ પણ કોઈક જ કરે છે. કોઈક જ એને માટેનો કાર્યક્રમ બનાવે છે અને એને પ્રલોભનો તથા ભયસ્થાનોનો સામનો કરીને સલામત રીતે વળગી પણ કોઈક જ રહે છે. કોઈક બડભાગી જ. બાકી જિજ્ઞાસુજનોની સંખ્યા સાધક કરતાં વધારે છે, અને જડ કે વિષયી જનો તો સૌથી મોટા પ્રમાણમાં છે. સંસારમાં એમની બહુમતી છે. એમની બહુમતી સુસંસ્કૃત સમાજને સારુ શોભાસ્પદ નથી, છતાં પણ બહુમતી છે એ એક હકીકત છે. સુસંસ્કૃત સમાજ એ જ કહી શકાય જેમાં જડ કે વિષયીજનોની સંખ્યા સૌથી ઓછી હોય અથવા તો ના હોય, અને જિજ્ઞાસુ સાધક કે મુક્ત પુરુષોની સંખ્યા અધિક હોય. આજે તો સમાજની પરિસ્થિતિ ઊલટી છે.
એ ચાર પ્રકારના માણસોમાં તમારું સ્થાન ક્યાં છે કે કયા પ્રકારમાં છે એ તમારે સમજીને નક્કી કરી લેવાનું છે. તમે મુક્ત કે સિદ્ધ હો તો તો ઘણી જ સારી વાત. તો તો કાંઈ કહેવાનું જ નથી. સાધક હો તો પણ સારું છે. જિજ્ઞાસુ હો તોપણ બહુ ખોટું ના કહેવાય; પરંતુ તેમાંના કોઈ જ ના હો અને જો વિષયી કે જડ હો તો તો જાગવાની ને ચેતવાની જરૂર છે. ચારે પ્રકારો એક રીતે જોતાં વિકાસની ચાર અવસ્થારૂપ છે, અને એ અવસ્થામાંથી ઉત્તરોત્તર પસાર થઈને તમારે જીવનનું કલ્યાણ કરી લેવાનું છે, એ વાતનું વિસ્મરણ ના થવા દેતા.
- શ્રી યોગેશ્વરજી