દિવ્યલોકથી આવી ઊભા,પ્રભુ યોગેશ્વર રૂપમાં...
જીવન કેરા સર્જક શાશ્વત, સંરક્ષક શિરતાજ છો,
કામક્રોધની વૃત્તિઓના સંહારક પ્રભુ આપ છો...દિવ્યલોકથી....
વન વગડા જેવા જીવનને નંદનવન જેવું કયુઁ,
ક્યાં સંતાયા છેવટ સ્વામી, શોઘું જગના નાથને...દિવ્યલોકથી...
રાતદિવસની સતત ઝંખના પૂર્ણ બનાવો માત હે,
દિવ્યરૂપનું દર્શન આપી ધન્યતા ધરો પ્રાણને...દિવ્યલોકથી...
રામકૃષ્ણ છો સાચે મારા જીવનના ઘન રંકના,
પ્રેમે પધારો પાવન કરવા કરું હજારો વંદના...દિવ્યલોકથી...
વારે વારે એક જ અરજી ધરું ચરણમાં દીન હું,
માનવ સ્વરૂપધારી આવો અલખ નિરંજન હે પ્રભુ...દિવ્યલોકથી...
MP3 Audio
રચના સમયના મનોભાવો
જ્યારે જ્યારે હરી ॐ આશ્રમમાં મૌન એકાંતમાં જવાનું બન્યું ત્યારે ત્યારે અવનવા ભાવોથી અંતર ભાવવિભોર બની જતું. નવી નવી પ્રાર્થનાઓ થતી, રાગમાં ગાવાની અને પ્રભુને કહી દેવાની પ્રવૃત્તિઓ શરૂ થતી.
જીવનના સૂનકારમાં સ્વર ભરીને નંદનવન બનાવનાર શ્રી યોગેશ્વરજી સાચે જ દિવ્યલોકમાંથી મારે માટે જ આ પાવન પૃથ્વી ઉપર પધાર્યા છે એમ માનીને તેમના દિવ્ય સ્વરૂપને જોવા તેમજ જીવનની પવિત્રતા વધારવા આવાં આવાં પદોને લખીને પ્રાર્થનાઓ થવા લાગી. તેમાંની આ એક પ્રાર્થના જે મૌનમંદિરમાં સ્ફૂરી હતી.