જીવનવનના પુણ્ય પ્રવાસે, મળી ગયો સથવારો રે.....
વરસોથી સોંપી દીઘો છે જીવનરથ મેં મારો રે,
જીવનરથના સારથિ મારા લગામ પકડી તારો રે.....જીવન....
કંટક કંકર ખાડા ટેકરા,આવ્યા અધવચ ભારે રે,
નિશ્ચિંત બની મ્હાલી રથમાં,દોરી તારે હાથે રે...જીવન...
જીવનકેરા પુણ્યપ્રવાસે અધવચ આવી છાયા રે,
સંતતરુવરની છાયામાં ક્ષણભર દીઠી માયા રે...જીવન...
તરુવરની શીળી છાયામાં થાક તાપ તેં ટાળ્યા રે,
શાંતિ ને શીતળતા અર્પી દિવ્ય કૃપામૃત ઢાળ્યા રે...જીવન....
તાતની છાયા માતની મમતા કેરાં ફળો ચખાડ્યા રે,
અમીરસ પાયો સખી બનીને કૃતકૃત્ય કરી કાયા રે...જીવન....
જીવનફળની મઘુરસ પ્યાલી સ્નેહ ધરીને પાઈ રે,
મસ્ત બનાવી ધન્ય બનાવી મારી જીવનવાડી રે...જીવન....
મસ્તી માંહી મસ્ત બનીને જોયું જાગી આજે રે,
સારથિને વળી સંતતરુવર એક સ્વરૂપે રાજે રે....જીવન....
ક્ષણભર દિવ્ય દષ્ટિ પ્રગટાવી અંખડ શ્રદ્ધા આપી રે,
દિવ્ય સ્વરૂપે દર્શન દીધાં કરી જીંદગી ન્યારી રે....જીવન....
વંદુ વ્હાલા વ્હાલ ધરીને પ્રણામ પ્રભુજી પ્રેમે રે,
શ્રી ચરણોમાં મને સમાવી એક કરી દે કેમે રે....જીવન...
MP3 Audio
રચના સમયના મનોભાવો
જીવનનો પુણ્યપ્રવાસ પ્રભુએ શરૂ કરાવ્યો ત્યારે સમયસર પ્રભુએ સાચો સથવારો પણ ધરી દીધો. જન્મથી જ દરેક જીવ એ જગદીશને જ પોતાનું સારથિ પદ જાણ્યે અજાણ્યે ધરે છે ને?
એ રીતે મારા જીવનરથને પણ પ્રભુ સારથિ બનીને ચલાવતો હતો. જીવનની પવિત્ર કેડી ઉપર સંતસ્વરૂપે શ્રી યોગેશ્વરજીની છાયા મળી ગઈ. જીવન ધન્ય બની ગયું. દિવ્યરૂપે દર્શન દઈને જીવનને સફળ કરી દીધું. સારથિ ને સંતપુરૂષની છાયા બંને મૂળભૂત રીતે એક જ છે એ સમજાયું. ત્યારે શ્રીચરણોમાં સદા માટે સમર્પિત થવાની જાગી ઊઠેલી ભાવના આ પદમાં વણાઈ ગઈ.