આજ અહીં આવ્યો રે, મોહન ગિરિધારી....
કૈંક વરસોથી રાહ હું જોતી,
પળપળની મારી પ્રાર્થના પહોંચી,
હાં રે...એ તો આવ્યો ગોકુલને છોડી ... અહીં ...
જીવનવાટને સીધી બનાવી,
રોમેરોમમાં ભરી આનંદ હેલી,
હાં રે...જીવનવાડીને ધન્ય બનાવી....અહીં....
રોજ રોજ જપની માળા સ્વીકારી,
બંઘાઈ જાશે એ તો પ્રીતની દોરી,
હાં રે...હવે કયાંયે ના જાશે દોડી...અહીં....
નિત નવાં રૂપે દર્શન દેશે,
રસભર્યા એ તો રાસ રમાડશે.
હાં...રે દિવ્ય સાંન્નિધ્ય દેશે સાચે....અહીં...
હાં....રે દિવ્ય રૂપે રહેશે મારી પાસે....અહીં....
MP3 Audio
રચના સમયના મનોભાવો
પ્રભુપંથના પ્રવાસના પ્રામાણિક પ્રયત્નો બાદ જ્યારે પ્રાર્થનાઓ સંભળાવા માંડે, અરે પ્રભુના દર્શનની ઝાંખી થાય ત્યારે સાધકના અંતઃકરણમાં આનંદ છવાઈ જાય.
વર્ષોની રાહ જોયા બાદ પ્રભુ-દર્શનની ઝાંખી થઈ. હવે પ્રભુનું દિવ્યરૂપ મારી સાથે જ રહે તો? નિત્ય નવાં દર્શન થયા કરે તો? મારી જપની માળાથી પ્રભુ બંધાઈ જાય તો? આવી આવી કલ્પનાઓથી પ્રભુદર્શનની થયેલી ઝાંખીને સતત સમીપે રાખવા આ પ્રાર્થના રચાઈ.
આ પ્રાર્થનામાં અનૂભૂતિનો આનંદ વણાયેલો છે.