આવજે મારા મનમંદિરમાં, શ્યામલ કૃષ્ણા તું.....
કામક્રોધ પર પગલાં ધરીને,
પ્રેમવારિથી પાવન કરીને,
હૃદયાસન પર બિરાજવાને,
આવજે કૃષ્ણા તું...આવજે મારા....
તારાં દર્શન કરવા કાજે,
કંટક કંકર છોને આવે,
પ્રેમપંથ પર શ્રદ્ધાં કેરાં,
ફૂલડાં વેરજે તું...આવજે મારા....
પ્રયત્ન ને પુરુષાર્થ સહારે,
શ્રદ્ધાને ભક્તિના રાહે,
સ્નેહે સ્વીકારજે આવું જ્યારે,
ચંચલ ચાલે હું...આવજે...
સદગુણોના પુષ્પ ધરું હું,
વિવેકનો દીવડો પ્રગટાવું,
પ્રેમચંદને તિલક કરું તો,
પૂજા સ્વીકારજે તું...આવજે...
MP3 Audio
રચના સમયના મનોભાવો
જીવનમાં શ્યામ સુંદરની રાહ જોતાં જોતાં પ્રાર્થના થઈ છે. જીવનમાં જે કામક્રોધ રહ્યાં છે તેના ઉપર પ્રેમના પાણીનો છંટકાવ કરીને પણ પ્રભુ તું આવ. પ્રયત્નને પુરુષાર્થની સાથે કંટક ને કંકંરોથી દૂર કરીને તારું દર્શન કરાવજે.
પ્રભુ આવે તો સદગુણોથી મારા જીવનને પુષ્પ જેવું સુવાસિત કરીને, તેનું સ્વાગત કરવાની, તેની પૂજા કરવાની, તૈયારી આ પદમાં મૂતિમંત થઈ છે.