પિયૂષની પ્યાલી રે, પ્રભુજીએ પાઇ.....
કૈંક દિવસની પ્રાર્થના સાંભળી,
વિનંતિ સ્વીકારી લીધી,
કરુણા દૈવી કીધી... પિયૂષની
લીલા સર્જી મને પાસે બોલાવી,
જીવનમરણ બાજી ખેલી,
કૃપાની ધાર રેલી... પિયૂષની
બંધન તોડાવીને સેવા સ્વીકારી,
ગુરુગોવિંદ પદે રાખી,
બનાવી બડભાગી... પિયૂષની
ગુરુભક્તિ પગદંડી ન્યારી,
કપરી કસોટી ત્યાં થાતી
આનંદ મળે ભારી.... પિયૂષની
પ્રગટ પ્રભુની લીલા અનોખી,
સાધક ભાવે નિહાળી,
સમર્પી જીન્દગાની..... પિયૂષની
MP3 Audio
રચના સમયના મનોભાવો
પૂ.શ્રી જેવા સમર્થ સંતની માંદગી આવી પહોંચી. સેવાને નિમિત્તે નોકરીનું બંધન તૂટ્યું. કપરી કસોટી મારી તો કરી જ પણ જીવનમરણની બાજી ખેલીને મારા ઉપર જાણે અવનવી કૃપા વરસાવી.
છેલ્લાં કેટલાયે વરસોની પ્રાર્થના હતી કે સુયોગ્ય, સમર્થ, ઈશ્વરદર્શી મહાપુરુષના શ્રી ચરણે બેસીને સાધના કરીને જીવનને ધન્ય બનાવીએ. એ પ્રાર્થનાના ઉત્તરરુપે પ્યાલી પીવા મળી ત્યારે જીવનને સમર્પિત કરીને હું ધન્ય બની ગઈ. એનો આનંદ અહીં પ્રગટ થાય છે.