મારા જીવન આંગણે આવો હરિ,
મીઠી પ્રેમની બંસી બજાવો જરી.
મન મધુવનની ગલીએ ગલીએ
પુનિત પગલી પાડો તમે... મારા જીવન
પળપળ વીતી જાય છે સાચે,
વેગે વહેલા આવો તમે... મારા જીવન
હૃદયાસન પર સ્નેહે બિરાજો,
જીવનભરના તાપ હરો... મારા જીવન
રસેશ્વરી હું બની તમારી,
રસેશ્વર બની આવો ભલે... મારા જીવન
અખંડ ચૂડી અર્પીને હરિ,
સંતાયા ક્યાં વિશ્વમહીં... મારા જીવન
ફરી ફરી આવોને હે મોહન,
મહોત્સવ બને આ જીવન... મારા જીવન
MP3 Audio : મા સર્વેશ્વરી
MP3 Audio : આશિત દેસાઈ
રચના સમયના મનોભાવો
ભક્તિભાવ જીવનમાં બળવાન બને ત્યારે ભક્ત ભગવાનને પોતાના જીવન આંગણે ઊતારવા આતુર બને છે. પળ પળ એને યુગ જેવી લાગે છે. પળેપળે એની પ્રતીક્ષા પ્રબળ બનતી જાય છે. અંતરના અંતરતમમાંથી પ્રાર્થનાઓ શરૂ થાય છે.
મારા જીવનમાં પણ એવી અવસ્થા આવી. શિક્ષણકાર્યમાં સ્થૂળ રીતે રત રહેવા છતાં જીવનમાં એક સૂનકાર અનુભવ્યો. હરિના આગમનથી જ જીવન જીવવા જેવું બનશે એવું લાગ્યું.એક વારના દિવ્ય દર્શન પછી હે પ્રભુ તમે અદ્રશ્ય થયા છો તો હવે ફરી આવો ને મારા જીવનને ઉત્સવમય બનાવો.
મનની એવી ભૂમિકામાંથી આ પ્રાર્થનાનું સર્જન થયું.