આવ્યો મોહન કૃષ્ણ મુરારી,
જપની માળા લીધી સ્વીકારી...
અંતર આંગણિયામાં ઊભી,
રાહ જોતી હું શ્યામલ તારી,
મીઠી મધુરી મુરલી વગાડી,
પાપ ત્રિતાપથી લીધી ઊગારી..... આવ્યો મોહન
આલિંગન અંતરનું આપી,
કર્મગ્રંથિઓ દીધી કાપી,
કામણ કીધાં રાસ રમાડી,
ધન્ય બનાવી જીવન વાડી.... આવ્યો મોહન
વિદેશની અવનવી ભૂમિ પર,
વ્રજમંડળને દિવ્ય ઉતારી,
મસ્ત બનાવી ધન્ય બનાવી,
પરમ ધામની પ્રાપ્તિ કરાવી...... આવ્યો મોહન
MP3 Audio
રચના સમયના મનોભાવો
જીવનમાં પ્રભુની કૃપા ઊતરે ત્યારે સાધકનાં કર્મબંધનો તૂટી જતાં જણાય છે. નામસ્મરણથી પ્રભુએ કૃપા કરી જીવનને ધન્ય ને મસ્ત બનાવી દીધું. તેવા સંતોષી અને તૃપ્ત જીવનની ઝાંખી અહીં જોવા મળે છે.