તેં જ મને રંગી રે, પ્રભુ પ્રેમના રંગે...
સંસારી વાટે જાતી એકલડી,
પુનિત પંથ બતાવી, જીવન પલટાવી......કે તેં જ મને ..
નવજીવનની વાટે ઊભો રહી,
જાણે તું વાટ જુએ મારી, શ્યામલ ગિરિધારી... કે તેં જ મને...
ક્ષણભર તેં મને પાસે બોલાવી,
પ્રભુ પ્રેમે મસ્ત બનાવી, પ્રસન્ન પૂર્ણ કીધી... કે તેં જ મને....
મીઠી મધુરી વાતલડી કીધી,
વૃત્તિઓને વાળી લીધી, પ્રભુ ચરણે મને રાખી.... કે તેં જ મને...
પ્રભુતણા પ્રેમની મસ્તી જગાડી,
સંસારની યારી છોડાવી, ને એકરૂપ કીધી.... કે તેં જ મને...
MP3 Audio
રચના સમયના મનોભાવો
આઘાતો-પ્રત્યાઘાતોની વચ્ચે પણ સ્થિરતા આપીને પ્રભુના પંથ પર કોઈ અદ્રશ્ય શક્તિએ મને ઘેરી લીધી. જાણે પ્રભુ જ મારી વાટ જોતા ઊભા હોય એવું લાગ્યું. પ્રભુએ મને નિરાશાઓમાંથી ઉગારી લઈને પ્રસન્નતા બક્ષી. સંસારની એ વિકટ પગદંડી ઉપરથી પ્રભુની પવિત્ર કેડી ઉપર મને પ્રેમથી મૂકી દીધી.પ્રભુએ મને એમનામાં જાણે કે સમાવી લીધી. એવા ભાવો અંતરમાં જાગ્યા ત્યારે તે આ રીતે અક્ષરદેહ પામી શક્યા.