જીવનવાટે મળ્યા છે મુરારી,
જીવન એને ધરીએ રે..... જીવન એને
જીવનવાટે આવી એક ઝુંપડી,
એમાં બેઠા છે સંત સુજાણ ... જીવન એને
નિયમો નીતિના પાળીને પહોંચીએ,
પ્રભુનું લેતા જઈએ નામ ... જીવન એને
શ્વેત વસ્ત્રો શોભે એના અંગે રે,
સુખસાગર શાંત સ્વરૂપ ... જીવન એને
સૂર્યતેજ નીતરતું અંગે રે,
ચાંદની ચંદ્રની વદને રેલાય...જીવનવાટે
મધુર મુખ પ્રસન્ન પ્રભુ જેવું,
જોતાં જીવન ઝૂકી જાય .... જીવન એને
જ્ઞાનગંગા વહે એની વાણીમાં,
પગલાં પાડે ત્યાં તીર્થ મંડાય ... જીવન એને
એ તો દર્શન કરે નિત બ્રહ્મનાં,
પોતે બની ગયા બ્રહ્મ સ્વરૂપ ... જીવન એને
સર્વ દેવો વસે એના દેહમાં,
ચરણે સઘળાં તીર્થ સમાયા .... જીવન એને
નામ ધાર્યું યોગેશ્વરજી એણે,
એને આંગણે મુક્તિ વેચાય...જીવનવાટે
સાચા સંત મળ્યા સદભાગીને,
એને સેવ્યાથી ભવરોગ જાય ... જીવન એને
સોંપી દઈએ સુકાન એને સ્નેહથી,
એતો ઉતારે ભવજળ પાર ... જીવન એને
તર્ક વિતર્કો છોડીને સઘળા રે,
એની છાયામાં મ્હાલીએ આજ .... જીવન એને
સાચા સંતોની સંગત ન્યારી રે,
ગુરૂકૃપાએ અનુભવી સાચ .... જીવન એને
સાચી વાત સૂણો મારી સાહેલી,
સંત ચરણે મળે સુખસાર ... જીવન એને
MP3 Audio
રચના સમયના મનોભાવો
પવિત્ર જીવનની વાટે પ્રભુનું પ્રત્યક્ષ સ્વરૂપ પણ ઘણીવાર અપ્રગટ બનીને પ્રેરક બનતું હોય છે. પણ તેને ઓળખવું અતિ કઠીન છે. માનવ સ્વરૂપ ધરીને જ એ સ્વરૂપ આપણી પાસે સંતના રૂપે આવતું હોય છે. તો એવા માનવરૂપધારી પ્રભુને પામવા માટે સંતનું શરણું લેવું જરૂરી છે. સંતચરણે પ્રભુને પામી શકાય છે. એવો અનુભવનો રણકાર આ પદમાં જોવા મળે છે.