ગોપાલ પ્રગટો આજ, ગોપાલ પ્રગટો આજ.....
અધૂરી અથડાતી બાળ હું ચંચળને નિરાધાર વળી,
ગુરૂચરણમાં સ્થિરતા દઈને આશરો દેજે નાથ પ્રભુ....
ગિરિધર...શ્રી ગોપાલ...
સકળ વિશ્વના સગા સ્નેહીમાં સાચું સગપણ તારું પ્રભુ,
સંસારેથી જગાડી મુજને સાચો સ્વજન બન્યો ત્યારથી તું....
હે..સ્વજન...સ્થિરતા દે....
તારા ચરણમાં અડસઠ તીરથ ગંગા જમના વાસ કરે,
તારા દિવ્ય દેહમાં વ્હાલા કોટી દેવતા ક્રીડા કરે....
તીર્થરાજ...દર્શન દે...
જીવનનાં પાપો ધોવાને આવી છું તારે તીર્થે,
કોટી દેવતા દર્શન કરવા આવી એક નિમિત્તે હું...
શુદ્ધિ દઈ....દર્શન દે...
અંતરના ભગવદ્ ભાવેથી ચરણ સરોજ પખાળું પ્રભુ,
ચરણામૃતનું પાન કરીને ધન્ય બનું સંપૂર્ણ વિભુ.....
ભાગ્ય દે....જીવને...
MP3 Audio
રચના સમયના મનોભાવો
પ્રભુ માર્ગે જવું એ પ્રભુની કૃપા વિના સંભવતું નથી. પ્રભુમય જીવનનો નિર્ણય દ્રઢ બન્યો. ત્યારે મારી તો કોઈ યોગ્યતા નથી એનું સ્પષ્ટ ભાન થયું ચંચળતાને દૂર કરી સ્થિરતા આપી, સાચા સ્વજન બનીને મારી સર્વ પ્રકારે શુદ્ધિ કરો, અંતે પ્રગટો ને દર્શનનું સદભાગ્ય દો, એવી વિનંતિ આ રીતે થઈ શકી.