પ્રભુ મારી અરજ સુણી લેને આજે રે,
દર્શન દેવા આવજે રે...
સાધનાની સીડીએ તેં જ ચઢાવી મને,
સીડી પર અધવચ્ચ આવીને હું ઊભી રે....
કામ ને ક્રોધને અળગા કરી દેને,
આલોકિત કરી દેને સાધનાની વાટે રે....
સિદ્ધિના રમકડે રમવું નથી મારે,
અણુએ અણુથી માગું છું મોહન એક રે...
ગગન અટારીથી ઊતરી આવજે રે,
સ્નેહભાવે ભેટજે આવીને ઘનશ્યામ રે...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સાધનાની પગદંડીએ પગલાં ભરતાં સાધકે સાવધાન -સતત જાગ્રત રહેવું પડે છે. થોડી ઘણી સાધના થાય ત્યાં સિદ્ધિનાં રમકડાં પ્રભુ સાધકને આપી દે છે. એ રમકડાંની રમતમાં સાધક પ્રભુને ભૂલી જાય છે.
અહીં મારે પણ સાધનાની સીડીએ ચઢવું છે. પણ સિદ્ધિનાં રમકડાં સાથે રમવું નથી. મારે તો પ્રભુ જ જોઈએ છે. તો પ્રભુ દર્શન આપી મને આલિંગન આપી ધન્ય બનાવે એવી વાતો અહીં જણાવી છે.