કૃષ્ણા તારી પાસે માગું એટલું રે
પળપળ રહેવું છે તારી પાસ....કૃષ્ણા...
ભિક્ષુક બની આવી તારે આંગણે રે,
દર્શનની ભિક્ષા લેવા કાજ....કૃષ્ણા...
શ્રદ્ધાભકિત ભરજે જીવમાં રે,
તારાં દર્શન કરવા કાજ....કૃષ્ણા...
દુનિયાની યારીને છોડાવજે રે,
તોડજે સંસારિયાની જાળ...કૃષ્ણા...
કામ ને ક્રોધનાં કપડાં કઢાવજે રે,
પ્રેમની ચૂંદડી પહેરાવજે નાથ...કૃષ્ણા....
મનની મેલી આવી તારે આંગણે રે,
પ્રેમથી પાવન બનાવજે રાજ....કૃષ્ણા....
પૂર્ણ પ્રેમી બનાવીને લઈ જજે રે,
તારા દિવ્ય ધામની માંહ્ય......કૃષ્ણા....
અવનવાં દર્શન નિત્ય કરાવજે રે,
તારી સમીપે રાખજે નાથ...કૃષ્ણા....
મીઠી વાંસલડી સંભળાવજે રે,
વાંસળીના સૂરે રમાડજે રાસ....કૃષ્ણા...
MP3 Audio
રચના સમયના મનોભાવો
પૃથ્વી ઉપર પધારીને ભિક્ષા જ જો કોઈ મારી પાસે માંગવાની હોય તો પરમેશ્વર પાસે જ શા માટે ન માંગવી. પરમેશ્વર પાસે પણ એવું માંગીએ કે તેને પણ આપતા આનંદ થાય.
સર્વોત્તમ વસ્તુ જ માંગી લેવાનું મને પણ મન થયું. જેથી ભગવાન કૃષ્ણ પાસે પ્રેમની ચુંદડી, પવિત્રતા, શ્રદ્ધાભક્તિનું ભાથું, દિવ્યધામમાં જઈને નિત્યનવા દર્શનનું જ સુખ માંગી લીધું. એ બધી સર્વોત્તમ માંગણીનો પડઘો આ પદમાં પડ્યો છે.