ગુરૂદેવ યોગેશ્વર પ્રભુ,
નમું છું સદાયે સ્નેહથી.... ગુરૂદેવ
મારાં પાપ તાપ નિવારજો,
પ્રભુ વરદ હસ્તે વધાવજો,
આ જીવ શરણે આજ આવ્યો,
અનુગ્રહે ઉદ્ધારજો...ગુરૂદેવ...
જીવનતણા સઘળા સંબંધો,
આપમાંહી સમાવજો,
અન્યત્ર ક્યાંય ન જાય જોજો,
વાળજો તવ ચરણોમાં.....ગુરૂદેવ....
પ્રિય માત-તાત, સખા-સ્વજનને,
સ્વામી બનજો આજથી,
સર્વે સ્વરૂપે આવજો,
સર્વે સંબંધ સ્વીકારજો....ગુરૂદેવ....
સર્વે દિશાએ પ્રભુ મને,
આદર થકી અપનાવજો,
શ્રદ્ધા ને ભક્તિભાવ ભરતાં,
પાત્ર પૂર્ણ બનાવજો....ગુરૂદેવ...
MP3 Audio : મા સર્વેશ્વરી
MP3 Audio : આશિત દેસાઈ
રચના સમયના મનોભાવો
ભક્ત ભગવાનને શરણે જાય છે ત્યારે પોતે કેવો છે તેનું સ્પષ્ટ વર્ણન કરી દે છે. વળી ભગવાનને વિનવે પણ છે. તમે મારા જીવનના સર્વ સગપણને સ્વીકારજો અને એથી પણ આગળ વધીને ભક્ત કહે છે, મને માનપાન સાથે સંપૂર્ણ રીતે અપનાવી લેજો. એ રીતે શિષ્ય-ભક્ત-સાધક ભગવાનને પોતાના માનીને હૃદય ઠાલવતો હોય છે.
શ્રી યોગેશ્વરજી મારા જીવનમાં ગુરૂદેવ છે. પણ હવે તે ગુરૂદેવ જાણે પ્રગટ પ્રભુ જ છે. સાકાર સ્વરૂપે મારે માટે પધારેલી એ પ્રભુની જ મૂર્તિ છે. એવું અનુભવવા મળ્યું છે.
પરિણામે ગુરૂદેવ પ્રભુના શ્રી ચરણોમાં જેવો જીવ છે તેવો પણ તેને શ્રદ્ધાથી ભરજો, અપનાવજો, સ્વીકારજો ને અંતે વધાવી લઈ તમારામાં જ સમાવી લેજો એવી પ્રાર્થના આ પદ દ્ધારા થઈ.
સુંદર રાગનું એક ભજન લખો એવી એક સાધક બહેનની માંગણીમાંથી અંતરના આ ભાવો આ રીતે અક્ષરદેહે ઊતરી આવ્યા.