if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આપણે ત્યાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળપર્યંત પરંપરાગત રીતે પેલી પંક્તિ કે ઉક્તિ ચાલી આવે છે. એનું સ્મરણ, રટણ કે પારાયણ પણ વારંવાર થયા કરે છે. એ પંક્તિ કે ઉક્તિ છે, 'જીવો જીવસ્ય જીવનમ્’ એનો સામાન્ય ઉપલક અર્થ એવો થાય છે કે એક જીવ બીજા જીવનું જીવન છે. એક જીવ બીજા જીવનો ખોરાક છે. એક જીવ બીજા જીવના આધારે જ ટકે છે. મોટા જીવો નાના જીવોનું ભક્ષણ કરી જાય છે. સાપ દેડકાંને, મગરમચ્છ માછલાંને, વાઘસિંહ સસલાંને તથા હરણને અને એવી રીતે બળવાન પ્રાણીઓ એમનાથી ઓછાં બળવાનને અથવા નિર્બળને મારી નાખે છે અથવા એમનો આહાર બનાવે છે. સમસ્ત સૃષ્ટિચક્ર એવી રીતે પારસ્પરિક હિંસાના આધાર પર જ ચાલી રહ્યું છે. એવી હિંસા જીવનના ધારણ-પોષણને માટે અનિવાર્ય અને નૈસર્ગિક છે. માનવ પણ એ નિયમમાંથી મુક્ત નથી. એ પણ માંસાહાર કરે છે. અને ના કરતો હોય તો પણ અનાજ, ઔષધિ, દૂધ, ફળ, પાણીનું સેવન કરે છે. તે પણ જીવતત્વથી મુક્ત નથી. પ્રત્યેક પદાર્થમાં દ્રષ્ટ અથવા અદ્રષ્ટ, સ્થૂળ કે સૂક્ષ્મ અને સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે જીવતત્વ હોય જ છે. આપણી આજુબાજુની ને આપણે જે લઈએ છીએ તે હવામાં પણ જીવતત્વ વિદ્યમાન હોવાથી, આપણું સમગ્ર જીવન પણ આદિથી માંડીને અંત સુધી જીવોના આધારે જ ચાલતું હોય છે. જીવનનો પાયો હિંસા જ છે.

એ વાતને યથાર્થ માનીએ તો પણ એટલી હકીકત તો નિર્વિવાદ છે કે હિંસા બે પ્રકારની છે. એક પ્રકારની હિંસા જીવનના ધારણપોષણને માટે નાછૂટકે થનારી, અજ્ઞાત રીતે થનારી, અનિવાર્ય હિંસા છે. એમાં પવન, પાણી, દૂધ, ફળ, ઔષધિ અને અન્નના ઉપયોગનો સમાવેશ થઈ જાય છે. જીવનને ટકાવી રાખવા માટે એની આવશ્યકતા હોય છે. એથી એ હિંસા, હિંસા હોય તો પણ, એનો અન્ય વિકલ્પ ના હોવાથી ધર્મસંમત હિંસા કહેવાય છે. પરંતુ એથી ઊલટું, જે હિંસા શોખ, ટેવ કે વ્યસનને ખાતર કરવામાં આવે છે, જેની જીવનના ધારણપોષણ માટે અનિવાર્ય આવશ્યકતા નથી હોતી, તેને ધર્મવિરોધી, અધર્મયુક્ત હિંસા તરીકે ઓળખવામાં આવે છે. એ હિંસા વર્જ્ય મનાવી જોઈએ. એનો કોઈએ કારણસર, કદી પણ, પુરસ્કાર ના કરી શકાય. એને આદર્શ, અનુકરણીય, અભિનંદનીય ના મનાય.

માનવશરીરના ધારણપોષણ માટે દૂધ, ફળ, અન્નની વૈકલ્પિક-નૈસર્ગિક વ્યવસ્થા હોવાથી માંસાહાર અથવા અન્ય પ્રાણીઓનો પોતાને માટેનો સંહાર અયોગ્ય, અનૈસર્ગિક કહેવાય અને એનું કોઈએ સંજોગોમાં સમર્થન ના કરી શકાય. જીવો જીવોના આધારે ટકતા હોય તો પણ એટલા જ કારણથી એક જીવને બીજા જીવને હણવાનો હક નથી મળી જતો. એવી પરિસ્થિતિ વિધિની વિચિત્રતા કે કરુણતા છે. અભિનંદનીય, અનુકરણીય કે ઉત્સાહવર્ધક નથી. સુશિક્ષિત, સુસંસ્કૃત, સુધારાના સર્વોચ્ચ શિખર પર પહોંચ્યા હોવાનો દાવો કરનારા માનવને માટે આશીર્વાદરૂપ નથી પરંતુ અભિશાપરૂપ છે, ભૂષણ નથી પરંતુ દૂષણ છે, ગૌરવવર્ધક નથી પરંતુ ગૌરવનાશક કે શરમજનક છે.

એક બીજી વાત. અત્યાર સુધી 'જીવો જીવસ્ય જીવનમ્’ એ વાક્યનો પરંપરાગત પ્રચલિત રૂઢ અર્થ થતો રહ્યો છે. તેમાં એક નિર્બળ જીવ બીજા બળવાન જીવનો આહાર બને છે અથવા ભક્ષ્ય છે એવો ભાવાર્થ અભિપ્રેત છે. પરંતુ એ પરંપરાગત પ્રાચીન વાક્યને એક બીજા સારા સંદર્ભમાં પણ સમજી શકાય છે. એ સંદર્ભ નૂતન હોવા છતાં પણ પ્રાણવાન, પ્રેરક અને સમજવા જેવો છે. એનો સીધોસાદો સરળ સારસંદેશ એટલો જ છે કે જગતમાં એક જીવ બીજા જીવનું જીવન બને છે, બીજાને પ્રેરણા, હૂંફ, પ્રકાશ, સુખશાંતિ તથા શક્તિ ધરે છે, પ્રેમ પ્રદાન કરે છે અને અન્યને માટે આલંબનરૂપ થઈ પડે છે. વલ્લરી વૃક્ષનો આધાર લઈને આગળ વધે છે. છાયા વૃક્ષનો, ધરતી ચંદ્રનો ને ચંદ્ર સૂર્યનો સાથસહયોગ પ્રાપ્ત કરે છે. બીજમાંથી વૃક્ષ ને વૃક્ષમાંથી બીજ. પશુ, પંખી ને વનસ્પતિ પણ સ્નેહના સ્વર્ગીય મૂક સુધાસભર સંવેદનને અનુભવે છે. માતાપિતા, પુત્રપુત્રી, પતિપત્નિ, મિત્રો પારસ્પરિક પ્રેમથી પોષણ પામે છે, એકબીજાને માટે આહુતિ ધરે છે. એક આત્માનું સાન્નિધ્ય, સ્નેહસંવેદન, માર્ગદર્શન, સમર્પણ, બીજાની જીવનવાડીને લીલીછમ, સૌરભવંતી, સમૃદ્ધ, સુશોભિત કરે છે. એક આત્મા બીજાને માટે જીવન બને છે, બીજાને ચેતન ધરે છે. માનવે એ વાતને સારી રીતે સમજી લઈને પોતાના જીવન દ્વારા વ્યક્તિગત તથા સમષ્ટિગત રીતે, બીજાના જીવનને જ્યોતિર્મય કરવા, સુખશાંતિ સમુન્નતિથી સંપન્ન બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. અન્યને માટે આલંબન, આધાર બનવું જોઈએ. એક જીવે બીજા જીવનું જીવન બનવા, બીજા જીવના જીવનને સુસમૃદ્ધ કરવા બનતું બધું જ કરી છૂટવું જોઈએ. પેલા પરંપરાથી પ્રચલિત વાક્યને એવી રીતે વિચારવાથી નૂતન પ્રેરણા કે અદ્યતન પ્રકાશની પ્રાપ્તિ થશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.