if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
એક સદ્ ગૃહસ્થે પોતાના ગામની પાસેના પ્રવાસીઓને પસાર થવાના મોટા પથ પર પરબ બેસાડી. એ ઉપરાંત પોતાના ઘરના કૂવાનું પાણી જેની પણ ઈચ્છા હોય તેને લઈ જવાની છૂટ આપી. ગામમાં કેટલાંય ગરીબોને માટે પોતાના ખરચે કૂવા કરાવ્યા. ગામની વિશાળ વૉટર વર્ક્સની યોજનામાં ઉદારતાપૂર્વક તન-મન-ધનથી ફાળો આપ્યો. તાપથી તપેલા પ્રવાસીઓને છાયા તથા વિશ્રામ મળે તેથી રસ્તા પર ઠેકઠેકાણે વૃક્ષારોપણ કરાવ્યું. વટેમાર્ગુઓએ એ શીતળ સુવિશાળ વૃક્ષોનો આશ્રય લીધો.

એક બીજા સદ્ ગૃહસ્થની આર્થિક સ્થિતિ વધારે સારી હતી. એમની અંદર અસાધારણ સદ્ ભાવના પણ હતી. એથી પ્રેરાઈને એમણે એક ધર્મશાળા બંધાવી, સ્કૂલ કરી, અને પ્રસુતિગૃહ તથા દવાખાનાનું નિર્માણ કર્યું. એમને એથી સંતોષ થયો. એમને ત્યાંથી કોઈ ભૂખ્યું પાછું ના ફરતું. પથિકોને પોતપોતાની આવશ્યકતા પ્રમાણે કાંઈ ને કાંઈ મળી રહેતું. એક નાનું અન્નક્ષેત્ર ચાલુ રહેતું. દીન, દુઃખી, અનાથ અથવા અસહાયની સેવા કરવી, બેકારને કામે લગાડવા એ તો એમનું કર્તવ્ય. એ કર્તવ્યના અનુષ્ઠાનથી એમને એટલો બધો સંતોષ અને આનંદ મળતો કે વાત નહીં. એ સંતોષ અને આનંદ અવર્ણનીય હતો.

જોનારા જોતા પણ ખરા કે એ બંનેને કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નહીં. અને કોઈક વાર પડતી દેખાતી તે જોતજોતામાં દૂર થઈ જતી. એનો ઈલાજ અનાયાસે આપોઆપ થઈ જતો. એમના પ્રાણમાં બીજાની પીડાને માટે સ્થાન રહેતું, બીજાની પીડાને પેખીને એમને વેદના થતી. એથી એમની વેદના ને પીડા ટકતી નહીં. એમની દ્વારા જે સતત સર્વોપયોગી સત્કર્મ થતું તે એમની અનેક પ્રકારની આપત્તિઓમાંથી રક્ષા કરતું. એ જ એમનું તપ થતું ને વ્રત બનતું.

એક પુરૂષે એક દીનહીન વ્યાધિગ્રસ્ત માનવની પ્રેમપૂર્વક સેવા કરી. એથી એ સંપૂર્ણ સાજો થયો. થોડા વખત પછી તે પુરૂષને બીમારી આવતાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. પરંતુ એનો અસાધારણ રોગ થોડા જ સમય પછી શાંત થઈ ગયો. એની સેવા, સહાયતા માટે કેટલાય જ્ઞાત અને અજ્ઞાત પ્રેમીજનો ઊમટી પડ્યા.

શાસ્ત્રો કહે છે કે જે 'જેવું કરે છે તેવું પામે છે. જેવું વાવે છે તેવું લણે છે.’ નીતિ, ધર્મ, માનવતા ને સેવાનાં મૂલ્યોને વળગી રહેનાર અને એમનાં મંગલમય મંત્રોને જીવનમાં વણી લેનારને એમની મદદ મળે છે. જે બીજાને સુખશાંતિ આપે છે કે આપવાનો પ્રયાસ કરે છે, તેને પોતાને સુખ ને શાંતિથી વંચિત રહેવું નથી પડતું. બીજાને આશ્રય, હૂંફ, છાયા આપનારને પોતાને તેની પ્રાપ્તિ થાય છે. જે બીજાને જમાડે છે તે ભૂખે નથી મરતો, ભોજન પામે છે. બીજાને પાણી પાનાર મુક્તિ મેળવે છે. બીજાને માટે મદદરૂપ બનનારને પોતાને તેવી મદદ એક અથવા બીજી રીતે મળી રહે છે.

'ધર્મો રક્ષતિ રક્ષિત:’ અર્થાત્ ધર્માચરણ કરનારને, ધર્મની રક્ષા કરનારને ધર્મ રક્ષે છે. ધર્મ એને માટે અભેદ્ય કવચ બને છે, અને ધારો કે તેવું ના થાય તો પણ શું ? બીજાને માટે જીવવાથી, ઉપયોગી કાર્યો કરવાથી અથવા ધર્માનુષ્ઠાનનો આધાર લેવાથી જે આત્મસંતોષ સાંપડે છે, આનંદ અનુભવાય છે, જીવનની સાર્થકતા સમજાય છે, તે કાંઈ નાનોસૂનો પુરસ્કાર નથી હોતો. એ માનવને અહંતામાંથી, મમતામાંથી, સ્વાર્થવૃત્તિમાંથી, માલિકીપણાની ભાવનામાંથી, ભેદભાવમાંથી, સંકીર્ણતામાંથી, અશાંતિમાંથી, રક્ષા કરે છે. એનાથી વિશેષ લાભ બીજો કયો હોઈ શકે ? ધર્મ એના આચરણ કરનારને માનવ તરીકે સુરક્ષિત રાખે છે, દાનવ બનતાં રોકે છે, પળે પળે રક્ષે છે.

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.