પરમની સાથેના પ્રેમાલાપની શાબ્દિક અભિવ્યક્તિ એ જ ભજન.
શબ્દના માળખામાં કાવ્યભાવનું આરોપણ કરી ગીત રચી શકાય પરંતુ અંતરની આર્દ્રતાનું સીંચન થયા વિના ભજનનો જન્મ ન થઈ શકે; એ પ્રેમીઓ, ઉપાસકો કે ભક્તહૃદયને તન્મનસ્ક અને ભક્તિરસમાં તરબોળ ન કરી શકે. મીરાં, સૂરદાસ કે નરસિંહનાં ભજનોમાં જોવા મળતી ચોટ તેમાં રહેલી સાહિત્યની પ્રચુરતાને આભારી નહોતી પરંતુ તેમાં છુપાયેલી પરમને પામવાની ને એકાકાર થવાની અભિપ્સાને લીધે હતી.
ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ પામેલ નરસિંહ મહેતા, કૃષ્ણપ્રેમની મસ્તીમાં મસ્ત મીરાંબાઇ, પ્રજ્ઞાચક્ષુ સૂરદાસ, ગોસ્વામી તુલસીદાસ કે સંત કબીર - સર્વે ભક્તકવિઓએ ઇશ્વરપ્રેમની અભિવ્યક્તિ કરી પોતાના નિજાનંદ ખાતર ભજનોની સરવાણી વહાવી. સમય જતાં લોકજીભે ચડી એ પદો પ્રસિદ્ધિ પામ્યા. રાષ્ટ્રપિતા ગાંધીજીનું અતિપ્રિય 'વૈષ્ણવજન' હોય કે વિશ્વભરના પ્રત્યેક હિન્દુ ધર્મસ્થાનોમાં ગવાતી આરતી 'જય જગદીશ હરે' હોય, ભક્તિગંગાની એ સરવાણીને જાતિ, સંપ્રદાય કે ભાષાના સીમાડા કદી નડ્યા નહીં. હિન્દીમાં લખાયેલ કેટલાય પદો એ જ કારણથી ગુજરાતી આમજનોના હૃદય સુધી પહોંચ્યા. આ ભક્તિગીતોનું સામર્થ્ય દેશ અને કાલાતીત નીવડ્યું. વર્ણ, આર્થિક પરિસ્થિતિ કે સંપ્રદાયના વાડા એમને સંકુચિતતાના દાયરામાં કેદ કરવા અસમર્થ નીવડ્યા અને દેશ-વિદેશમાં સ્થાયી ગુજરાતી જનતાની જબાન પર મહેંકતા રહ્યા.
સ્વયં અસંખ્ય ભજનોના રચયિતા હોવા છતાં શ્રી યોગેશ્વરજી તેમજ મા સર્વેશ્વરી પોતાના બહુવિધ વ્યક્તવ્યોમાં અખાના છપ્પા, નરસિંહ, મીરાંબાઇ, સુરદાસના ભજનો, કબીરજીની સાખી, કે તુલસીના દોહા અચુક ટાંકતા. આ ભક્તિપદોની સરળ અને સહજ ભાવસૃષ્ટિ તેમને આકર્ષતી. અહીં એમના મુખે અવારનવાર ઉલ્લેખ પામેલા તથા એમને પ્રિય એવા ભજનો તથા પ્રાર્થનાઓને રજૂ કરવામાં આવી છે. ગુજરાતી ભાષી જનતાને માટે ઇન્ટરનેટના યુગમાં આવા પદો સુલભ બને એ એકમાત્ર મનીષાને લઇને આ પદોને રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પદોના કોઇ પ્રમાણભૂત સંદર્ભો ન હોઇ, તેના વિવિધ આવર્તનો વહેતાં થયાં છે એથી શક્ય છે કે અહીં રજૂઆત પામેલ પદોમાં ભૂલ લાગે. એ સંદર્ભોને બને તેટલા શુદ્ધ અને ક્ષતિરહિત બનાવવા આપને સૂચનો મોકલવાનું ઇજન છે.
વધુ તો આ પદો પોતે જ કહેશે. સમય જતાં આ યાદીમાં વધુ પદોનો ઉમેરો કરવાની અમારી નેમ છે. આશા છે કે વાચકોનું અંતર્જગત સ્થળ અને કાળની સીમાને વટાવી આ પદોની સંગાથે મ્હોરી ઉઠશે. અમારો પ્રયાસ એથી સાર્થક લેખાશે.