વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
નાનકડા ગામડામાં વસનાર ગંગાસતીએ ચોપડીયો અભ્યાસ ન કર્યો હોય પરંતુ અધ્યાત્મ માર્ગના ઊંડા રહસ્યો તેમના પદોમાં રહસ્યોદઘાટિત થતા જોઈ શકાય છે.
ડાબી ઈંગલા ને જમણી છે પિંગલા રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું એમ કાયમ લેવું વ્રતમાન રે .. માં યોગમાર્ગના રહસ્યો,અને પ્રાણાયામનું વિજ્ઞાન રજૂ થયું છે. તો એમના પ્રસિદ્ધ ભજન વીજળીને ચમકારેમાં એમની કોઠાસૂઝ કે ગણિતની આવડત અનોખી રીતે છતી થઈ છે.
જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ
એકવીસ હજાર છસ્સોને કાળ ખાશે.
માણસ દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતો હોય છે. આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ થાય. એટલે એમની પંક્તિમાં એકવીસ હજાર છસ્સોની ગણના કેટલી વૈજ્ઞાનિક આધારવાળી છે.
ગંગાસતીના ભજનોની રચના પાછળની કથા કંઈક આ પ્રમાણે છે. એકવાર એક ખેડૂતની ગાય સર્પદંશથી મરણ પામી. જીવદયાથી કે લોકોના વ્યંગને કારણે ગંગાસતીના પતિ કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામસ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી. કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગુજરાતી ભાષાના અધ્યાત્મ આકાશમાં વીજળીની જેમ ચમકી રહેલી એમની રચનાઓ, શક્ય હોય ત્યાં ઓડિયો સહિત, પ્રસ્તુત કરી છે.
We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.