Kabir

સંત કબીરનો જન્મ બનારસમાં આશરે 1398માં થયો હતો. વારાણસી નજીકના લહરતારા તળાવ પાસે તેઓ મુસ્લિમ દંપતી - નીરુ અને નીમાને મળી આવ્યા હતા, જેમણે તેમનો ઉછેર કર્યો. નાની વયમાં કબીર સંત રામાનંદના શિષ્ય બન્યા હતા. લોકવાયકા પ્રમાણે એક દિવસ રામાનંદ વહેલી સવારે ગંગામાં સ્નાન કરીને આવી રહ્યા હતા ત્યારે એમના પગનો સ્પર્શ કબીરને થયો અને એમના મુખમાંથી રામનામ નીકળી પડ્યું. જોયું તો એક નાનો બાળક, એમના ચરણમાં હતો. રામાનંદે કબીરને પુત્રવત્ ગણી આશ્રમમાં લાવી એમનો શિષ્ય બનાવ્યો. અધ્યાત્મના પાઠ ભણ્યા પછી કબીરે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો.

વ્યવસાયે વણકર એવા કબીરે પોતાના આધ્યાત્મિક તત્વજ્ઞાનને પદોમાં વહેતું કર્યું. કબીરની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ કવિઓમાં થાય છે. ભારતમાં તુલસીદાસને બાદ કરતાં એટલું માન ભાગ્યે જ બીજા કોઈ કવિ કે લેખકને મળ્યું હશે. સંત કબીરને શીખ, હિંદુ અને ઈસ્લામ ધર્મના લોકો એકસમાન આદરથી પૂજે છે. તેઓ મૂર્તિપૂજા અને હિંદુઓમાં વ્યાપ્ત વર્ણવ્યવસ્થાના તથા વિધિવિધાનોના સખ્ત વિરોધી હતા. તેઓએ ભક્તિ અને સૂફી માર્ગ - બંનેના સારતત્વને અપનાવ્યું અને કુરાન કે વેદ બંનેથી પર એવો સહજ માર્ગ પ્રબોધ્યો.

એમની જ્ઞાનભરી વાતોથી એમના અનેક પ્રસંશકો થયા, પરંતુ અમુક લોકો એ સાંખી ન શક્યા. તે સમયના વારાણસીના મુસ્લિમ રાજાએ એમને નગરપાર જવાની આજ્ઞા કરી. તે પછી તેમણે પોતાના શિષ્યો સાથે ભારતભ્રમણ કર્યું. પાછલું જીવન તેમણે નગરબહાર વીતાવ્યું. આશરે 120 વર્ષની આયુએ 1518માં ગોરખપુર નજીક આવેલ મગહરમાં એમણે દેહત્યાગ કર્યો. એમના અંતિમ સંસ્કાર માટે એમના હિંદુ અને મુસલમાન અનુયાયીઓ વચ્ચે ઝઘડો થયો. ભક્તોએ એમના આશ્ચર્ય વચ્ચે કબીરના મૃત શરીરને બદલે પુષ્પોનો ઢગલો જોયો. એમણે એને સરખે ભાગે વહેંચી પોતપોતાની રીતે અંતિમ વિધિ કર્યો.

કબીરની રચનાઓ મુખ્યત્વે ત્રણ ગ્રંથોમાં ઉપલબ્ધ છે - બીજક ગ્રંથ, શબ્દાવલી અને સાખી ગ્રંથ. બીજક ગ્રંથમાં રમૈની, સબદ, કહરા, વિપ્રમતીસી, હિંડોલા, વસંત, ચાંચર, જ્ઞાન ચૌતીસી, બેલી, બિરહુલી અને સાખી - એમ અગિયાર વિભાગ છે. કબીરની રચનાઓ મુખ્યત્વે હિન્દી ઉપરાંત પંજાબી, રાજસ્થાની, અવધી વગેરે ભાષાઓમાં છે. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવે એમના 500 જેટલા પદ અને સાખીઓને ગુરુગ્રંથ સાહેબમાં સમાવેલા છે. લોકવાયકા પ્રમાણે ભારતભ્રમણ દરમ્યાન ગુજરાતમાં કબીરનો સંપર્ક તત્વા અને જીવા નામના બે ભાઈઓ સાથે કબીરવડ મુકામે થયેલો. કબીરના અનુયાયીઓ પરથી ગુજરાતમાં રામકબીર પંથ ચાલ્યો આવે છે, તે ઘણાને ખબર હશે જ. અહીં આપણે ફિલસૂફ, સૂફી સંત એવા કબીરના પદોનો આસ્વાદ માણીએ.

Today's Quote

You must be the change you wish to see in the world.
- Mahatma Gandhi
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.