if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શ્રીમદ્ ભાગવતને ભાગીરથીનું શ્રવણમંગલ સુંદર અભિધાન આપીએ તો એના દ્વાદશ સ્કંધને એના દ્વાદશ અમૃતમય આહલાદક ઓવારા તરીકે ઓળખાવી શકાય. એ ઓવારા અવગાહનની અનુકૂળતા ખાતર ઊભા કરેલા છે. એમની દ્વારા એના અલૌકિક આત્માની અભિવ્યક્તિ થાય છે. એ અભિવ્યક્તિ આનંદદાયક, પુણ્યપ્રદાયક અને પ્રેરક છે.

પ્રથમ સ્કંધના પ્રારંભમાં જ મંગલાચરણના સુંદર શ્લોકની શરૂઆત થાય છેઃ

जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् ।
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः ॥
तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा ।
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॥०१॥

જેને લીધે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને જગતનો લય કે પ્રલય થાય છે, જે જડ નથી પણ ચેતન છે અને બીજાથી પ્રકાશિત નથી પરંતુ સ્વયંપ્રકાશ છેઃ જે હિરણ્યગર્ભ કે બ્રહ્મા નથી પરંતુ જેણે બ્રહ્માને કેવળ સંકલ્પથી વેદનું પ્રદાન કર્યું છેઃ જેના સ્વરૂપની ચર્ચાવિચારણા કરતાં મોટા મોટા વિદ્વાનો ને મુનિઓ પણ મોહ પામે છે અને ભાતભાતના વિરોધાભાસી તર્કવિતર્કો કરે છેઃ જેવી રીતે સૂર્યનાં સોનેરી કિરણોમાં જલનું, જલમાં સ્થળનું ને સ્થળમાં જલનું વાસ્તવિક નહિ પરંતુ ભ્રમાત્મક દર્શન થાય છે તેવી રીતે જેની અંદર ત્રિગુણાત્મિકા જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિરૂપા સૃષ્ટિ મિથ્યા હોવાં છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્ય સમી પ્રતીત થાય છેઃ તે પોતાના સ્વભાવગત જ્ઞાનના પવિત્રતમ પ્રકાશથી સંપૂર્ણપણે સર્વ કાળે ને સર્વ સ્થળે અવિદ્યારૂપી અંધકારથી મુક્ત રહેનાર પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ.'

એ સુંદર શ્લોકના આરંભમાં જ મહર્ષિ વ્યાસ પ્રણીત બ્રહ્મસુત્રના 'જન્માદ્યસ્ય યત્રઃ' સૂત્રનો સદુપયોગ કરવામાં આવ્યો છે. એક જ લેખકની બે રચનાઓનું એ શાબ્દિક સામ્ય ખાસ ધ્યાન ખેંચે એવું છે. ભાગવતના પ્રથમ સ્કંધના પ્રારંભનો એ શ્લોક સૂચવે છે કે જગતના રૂપમાં પરમપ્રકાશમાન સ્વયંભૂ પરમાત્માની જ નિત્યલીલા થઇ રહી છે. એની અંદર અને બહાર, ઉપર અને નીચે, પરમાત્મા સિવાય બીજું કાંઇ છે જ નહિ. એ જ સર્વત્ર ને સર્વના રૂપમાં વ્યાપક છે. પરંતુ એમના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય અને સાક્ષાત્કાર માયાના પ્રખર પ્રભાવને લીધે મોટા મોટા મુનિવરો ને વિદ્વાનો પણ નથી કરી શકતા. એ પણ સંભ્રમમાં પડી જાય છે. જુદી જુદી તપશ્ચર્યાઓ અને સાધનાઓ એમની સાથે સંબંધ બાંધવા, એમનું અનુસંધાન સાધવા, અને એમના સર્વજ્ઞ, સર્વવ્યાપક, વાસ્તવિક સચ્ચિદાનંદ  સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટે છે. એ સાક્ષાત્કાર જ જીવનમાં શાશ્વત સુખશાંતિની સ્થાપના કરી શકે છે અને અંતરના અણુઅણુને સંવાદે ભરે છે. જીવનમુક્તિનો અલૌકિક આસ્વાદ પણ એજ ધરે છે.

એ શ્લોકની એક બીજી લાક્ષણિકતા જોવા જેવી છે. એમા ‘સત્યં પરં ધીમહિ’ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. ભાગવત વેદરૂપી વિશાળ કલ્પવૃક્ષનું પરિપક્વ સુંદર સ્વાદુ ફળ છે એટલે વેદવચન તથા વેદવિચારની છાયા પ્રતિછાયાથી સંપન્ન હોય એ સહેલાઇથી સમજી શકાય તેવું છે. વેદમાં સત્યં જ્ઞાનં અનંત બ્રહ્મ કહીને પરમાત્માને સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ અને અનંત કહેવામાં આવ્યા છે. એમને સચ્ચિદાનંદ પણ કહ્યા છે. ભાગવત એના અનુસંધાનમાં સત્યં પરં ધીમહિ એવો શબ્દપ્રયોગ કરતાં એ પરમ સનાતન સત્યસ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ એવું કહીને પરમાત્માને પરમ કે સનાતન સત્ય તરીકે ઓળખાવે છે. પરમાત્માનો પરિચય પ્રદાન કરનારાં જે અસંખ્ય નામો આપણે ત્યાં પ્રચલિત છે તેમાં એમનું સત્ય નામ સૌથી સારગર્ભિત, વિલક્ષણ અને સુંદર લાગે છે. સત્ય એટલે જે હતું, અને રહેશે તે પરમતત્વ. નિર્વિકારી ને નિર્લેપ. ત્રિકાલાબાધિત. જેનો કોઇ કાળે ને કારણે નાશ નથી થતો તે સર્વવ્યાપક સત્તા. પરમાત્માનો પરિચય એથી વધારે સારી ને સંપૂર્ણ રીતે બીજા કયા અભિધાન દ્વારા આપી શકાય ? એટલે જ પરમાત્માના પર્યાયરૂપે સત્ય નામ ખૂબ જ સાર્થક લાગે છે. એમનું ધ્યાન સત્યપ્રકાશની સમ્યક્ પ્રાપ્તિ માટે અથવા સત્યના સાક્ષાત્કાર સારુ કરવામાં આવે છે.

પરમાત્માની સર્વશક્તિમત્તા તથા સર્વવ્યાપકતાને સિદ્ધ કરવાનું કાર્ય વૈજ્ઞાનિક સંશોધનના સમયમાં હવે સરળ બન્યું છે. વિજ્ઞાન કહે છે કે પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં એટમ છે. એટમ વિના કોઇયે પદાર્થનું અસ્તિત્વ નથી હોઇ શકતું. એ એટમમાં ઇલેકટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્રણે તત્વો રહેલાં છે. આપણાં અધ્યાત્મશાસ્ત્રોએ એવી જ રીતે અનુભવના આધાર પર વરસો પહેલાં કહેલું કે સૌની અંદર, જડચેતનાત્મક સકળ સંસારમાં, આત્માનો અથવા પરમાત્માનો વાસ છે. એના સિવાય જગત કે જીવન બની જ  નથી શકતું. એ આત્મા કે પરમાત્મા પણ પેલા એટમની પેઠે સત્, ચિત્, આનંદ ત્રણ તત્વોથી સમન્વિત છે. એ અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન છે. વિજ્ઞાન એવી રીતે અધ્યાત્મના સુનિશ્ચિત સુવિદિત સિદ્ધાંતોને સમજવામાં સહાયતા કરે છે.

ભાગવત પરમાત્માની અભિન્ન અંતરંગ એકતાનું પ્રતિપાદન કરીને એમને સર્વ પ્રકારના દોષોથી રહિત બતાવીને એમના ધ્યાનની પવિત્ર પ્રેરણા પૂરી પાડે છે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.