if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બે સાત્વિક સ્વભાવના સત્કર્મપરાયણ સર્વહિતરત પરમાત્મપરાયણ મહાપુરુષોનો મેળાપ થાય ત્યારે કેવું મંગલમય દૈવી દૃશ્ય ઉપસ્થિત થાય ? જાણે કે ગંગા અને જમનાનો મેળાપ જ જોઇ લો. એ બંને શુચિ સરિતાઓનો સંગમ થાય છે ત્યારે એ આખુંય દૃશ્ય કેટલું બધું અદ્દભુત, અલૌકિક, રસમય અને હૃદયંગમ હોય છે. એમનો સમાગમ રણ એવો જ - બલ્કે એથીયે વધારે અદ્દભૂત. અલૌકિક, રસમય અને હૃદયંગમ હોય છે. બદરીનાથના પ્રસિદ્ધ પુણ્યપ્રદેશમાં નર અને નારાયણ પર્વતોની શોભા અને આહલાદકતા કેટલી બધી અનોખી હોય છે ? હિમાચ્છાદિત શિખરોવાળા એ બંને પર્વતો એકમેકને મળીને એકમેકને જોતા જોતા ચિરસમાધિમાં લીન બની ગયા છે. એમનો દેખાવ કેટલો બધો અનોખો છે ? પરમાત્માના પવિત્ર પ્રેમ તથા પ્રજ્ઞાથી પુનિત પ્રાણ તેમજ મધુતાથી મંડિત મસ્તકવાળા મહાપુરુષો પણ એવા જ મહિમાવાળા હોય છે. એમનું સંમિલન ખૂબ જ શ્રેયસ્કર અને સુખદ થઇ પડે છે. એમને પોતાને માટે તો એ આનંદકારક હોય જ છે. પરંતુ બીજાને માટે પણ પ્રેરક અને કલ્યાણકારક થઇ પડે છે. ભાગવતના તૃતીય સ્કંધના આરંભમાં જ એવા બે પ્રાતઃસ્મરણીય પરમાત્માપ્રેમી મહાપુરુષોના મંગલ મેળાપની કથા કહેવામાં આવી છે. એ બંને મહાપુરુષો છે ઉદ્ધવ અને વિદુર.

એ બંનેનો મેળાપ કેવી રીતે, ક્યાં ને કેવા સંજોગોમાં થયો તેવી જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. ભાગવતે એનો પ્રત્યુત્તર પૂરો પાડ્યો છે. એ પ્રત્યુતર પૂરો પાડતી વખતે એણે એવા જ એક બીજા સુભગ કે સુખદ સંમિલન પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે. એ સંમિલન છે વિદુર અને મહાત્મા મૈત્રેયનું. એ પણ એટલું જ અદ્દભુત, અલૌકિક અને આનંદદાયક છે. એની પૃષ્ઠભૂમિનો પરિચય પણ એણે પૂરો પાડ્યો છે. એ પરિચય પૂરો પાડતી વખતે એ આપણને મહાભારતકાળની કેટલીક ઘટનાઓનું સ્મરણ કરાવે છે. એ ઘટનાઓનું વિહંગાવલોકન અસ્થાને નહિ ગણાય.

મહાભારતના મહાયુદ્ધ પહેલાં ભગવાન કૃષ્ણે એ યુદ્ધને નિવારવા માટે કૌરવોની સભામાં જઇને દુર્યોધનને પાંડવોનો ન્યાયોચિત રાજ્યભાગ આપવા માટે યુક્તિપ્રયુક્તિપૂર્વક શાંતિથી સમજાવી જોયો. પરંતુ એ ના માન્યો. ધૃતરાષ્ટ્રે પણ એમની સલાહને અનુસરીને ચાલવાની તૈયારી ના બતાવી. એ વખતે પોતાના મોટા ભાઇ ધૃતરાષ્ટ્રના પૂછવાથી વિદુરે એમને મંત્રીશ્રેષ્ઠ તરીકે સાચી સારગર્ભિત સલાહ આપતાં જણાવ્યું કે અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને એમનો ન્યાયોચિત ભાગ આપી દો. દુર્યોધન પાંડવો પ્રત્યેના અકારણ દ્વેષભાવથી પ્રેરાઇને એમની સાથે જે દુર્વ્યવહાર કરી રહ્યો છે તે ઠીક નથી. એ હાથે કરીને પોતાનો નાશ નોતરી રહ્યો છે. તમે એના કહ્યા પ્રમાણે ચાલીને શ્રીકૃષ્ણથી વિમુખ તથા શ્રીહીન બની રહ્યા છો. તમારા કુળનું કલ્યાણ ચાહતા હો તો એનો તરત જ ત્યાગ કરી દો.

વિદુરે કૌરવોના કલ્યાણને માટે સાચી સલાહ આપી હોવાં છતાં દુર્યોધન તથા ધૃતરાષ્ટ્રને તે જરા પણ ના ગમી. દુર્યોધન ક્રોધાતુર બનીને તિરસ્કારયુક્ત સ્વરે બોલી ઊઠ્યો કે આ કુટિલ દાસીપુત્રને અહીં કોણે બોલાવ્યો છે ? એ જેનું ખાય છે તેના જ શત્રુ તરીકે કામ કરે છે. આવા નિમકહરામ માણસોનો તો નાશ જ કરવો જોઇએ તો પણ એને દેહાતદંડ દેવાને બદલે નગરની બહાર કાઢી મૂકો.

એવા મર્મભેદક અપમાનજનક અવહેલનાયુક્ત શબ્દોને સાંભળીને વિદુરે નગરનો ત્યાગ કરવાનો શીઘ્ર સંકલ્પ કર્યો. ભગવાનની માયાની પ્રબળતાનો વિચાર કરતાં એ હસ્તિનાપુરથી ચાલી નીકળ્યા.

હસ્તિનાપુરથી નીકળ્યા પછી એમણે જુદાં જુદાં તીર્થસ્થાનોની યાત્રા કરી. યાત્રાનો મહિમા પ્રાચીન કાળથી જ ઘણો મોટો મનાય છે અને એ ખૂબ જ સહેતુક છે. યાત્રા દ્વારા સૌથી પહેલાં તો દેશ અને દુનિયાનું દર્શન થાય છે-કહો કે ઇશ્વરનું વિશ્વરૂપદર્શન. દેશમાં જુદા જુદા સ્થળોમાં વસતા માનવોનો પ્રત્યક્ષ પરિચય થાય છે, એમની સમસ્યાઓને અને એમનાં સુખદુઃખોને સહાનુભૂતિપૂર્વક સારી પેઠે સમજી શકાય છે, અને એવી રીતે ઉદારતા, વિશાળતા તથા આત્મીયતા વધે છે.

એવી યાત્રાઓને લીધે દેશની અખંડ અંતરંગ એકતાની અનુભૂતિ પણ સહજ બને છે. દેશમાં બહુવિધ ભાષાઓ, વેશો ને રીતિરીવાજો હોવાં છતાં પણ એનો આત્મા એક છે એની પ્રતીતિ થાય છે. એ ઉપરાંત તીર્થસ્થાનોમાં વસતા સંતોનો સમાગમનો સુઅવસર પણ સહેલાઇથી સાંપડે છે, એમના સદુપદેશનો લાભ મળે છે અને એ દ્વારા જીવનના ઉત્તરોત્તર સુધાર તથા વિકાસની પ્રેરણા પ્રાપ્ત થાય છે.

યાત્રા જીવનના નિરીક્ષણની તક પૂરી પાડે છે. ઘરથી કેટલાક કાળ સુધી દૂર રહેવાનો અવસર ઉપસ્થિત થતાં ઘર, કુટુંબ તથા બીજા લૌકિક પદાર્થોની મમતા ઘટાડવાની અનુકૂળતા થાય છે. યાત્રા દરમિયાન નવા નવા નિયમો ને વ્રતોનો આધાર લઇને જીવનને વધારે ને વધારે પવિત્ર ને ઇશ્વરપરાયણ કરી શકાય છે. એ માટેની શક્યતા તો એમાં હોય જ; પછી એનો જેવો ને જેટલો લાભ લેવાય તેટલો ઓછો છે.

માણસો યાત્રા કરે છે ખરા પરંતુ જીવનસુધારની દૃષ્ટિએ જાગૃત રહીને યાત્રા કરનાર ઓછા હોય છે. એને લીધે યાત્રાઓ જીવનમાં જરૂરી ક્રાંતિ નથી કરી શકતી ને શાંતિ પણ નથી ધરતી. યાત્રા પર યાત્રા થતી જાય છે તો પણ માણસ વરસો પછી પણ એવો ને એવો જ રહે છે. એના વિચારો, ભાવો, સંકલ્પ વિકલ્પો નથી બદલાતા. એવી યાત્રાઓ જેટલી થવી જોઇએ તેટલી ઉપયોગી ના થઇ શકે. એમાં કેટલીક વાર લેવાતા નિયમો પણ ભારે વિચિત્ર અને અનુપયોગી હોય છે.

એકવાર એક ભાઇ ચાર ધામની યાત્રા કરીને મને મળવા આવ્યાં. મેં તેમને પૂછયું કે યાત્રામાં કોઇ નિયમ લીધો ? તેમણે કહ્યું કે હા. નિયમ તો લેવો જ પડે ને ? મેં નિયમ લીધો છે.

શો નિયમ લીધો છે ?

કારેલા નહિ ખાવાનો.

એમ ? તો તો તમને કારેલાં ખૂબ જ ગમતાં હશે.

સાચું કહું ?

હા. સાચું જ કહો. હવે તો યાત્રાએ જઇ આવ્યા છો એટલું સાચું જ કહેવું જોઇએ.

સાચું કહું તો મને કારેલાં ભાવતાં જ નથી. યાત્રામાં કોઇક વસ્તુનો ત્યાગ કરવો જોઇએ એટલે મેં એનો ત્યાગ કર્યો છે.

એ ત્યાગવીરનું સ્પષ્ટીકરણ સાંભળીને મને નવાઇ લાગી. આપણે ત્યા મોટે ભાગે આવા જ ત્યાગવીરો મળતા હોય છે. મેં તેમને ત્યાગનો મહિમા સમજાવતાં કહ્યું કે ત્યાગ તો પોતાના પ્રિય પદાર્થનો થવો જોઇએ. અપ્રિય પદાર્થનો નહિ. અપ્રિય પદાર્થના ત્યાગને સાચો અથવા સંપૂર્ણ ત્યાગ ના કહી શકાય. જે પદાર્થ આપણને પ્રિય હોય તે પદાર્થના ત્યાગને જ સાચો ત્યાગ કહી શકાય. તેવો ત્યાગ જ શોભાસ્પદ ગણાય.

તીર્થોમાં જનારા મોટા ભાગના લોકોના સંબંધમાં એવું જ બને છે. કોઇક કારેલાં છોડે છે તો કોઇક શકરીયાં ને કોઇક બટાકા, અને મોટે ભાગે એ વસ્તુઓ એમને ગમતી જ નથી હોતી. તીર્થોમાં જઇને કોઇક શાક છોડે કે ખાય તેનો વાંધો નથી. પરંતુ એટલામાં જ ઇતિકર્તવ્યતા માનીને બેસી રહેવાને બદલે જીવનની વિશુદ્ધિના માર્ગે સાચી રીતે આગળ વધવું જોઇએ. એ દૃષ્ટિથી વિચારતાં વ્યસનોનો, અહંતા, મમતા અને આસક્તિનો ત્યાગ કરવો જોઇએ. દુર્ગુણોને ત્યાગવાના, વહેલા ઊઠવાના, પ્રાર્થના, જપ, ધ્યાન, સ્વાધ્યાય, સેવા કે દાનના નિયમો લેવા જોઇએ. રોજ ગીતાપાઠ કરવાનો અથવા એવા જ બીજા સ્વાધ્યાયનો સંકલ્પ કરવો જોઇએ. એ ઉપરાંત તીર્થસ્થાનના આહલાદક, આધ્યાત્મિક પવિત્ર પરમાણુઓથી પરિપ્લાવિત વાતાવરણમાં રહીને આત્મિક ઉત્કર્ષને માટે ઉપયોગી અભ્યાસક્રમનો ઉત્સાહપૂર્વક આધાર લેવો જોઇએ. ત્યાં પથરાયલી કુદરતી સુંદરતા, પવિત્રતા, અલૌકિકતા તથા શાંતિનો સ્વાદ લઇને અથવા એમના સાથે એકરૂપ થઇને જીવનને ઉજ્જવળ કે કૃતાર્થ કરવાના પ્રામાણિક પ્રયત્નોમાં લાગી જવું જોઇએ. તીર્થોની યાત્રા ત્યારે જ સફળ બને ને સાર્થક ઠરે.

વિદુરની યાત્રા એવી સમજપૂર્વકની ને સાર્થક હતી. એને માટે ભાગવતના તૃતીય સ્કંધના પ્રથમ અધ્યાયમાંના ઓગણીસમા શ્લોકમાં કહ્યું છે કે વિદુર અવધૂત વેશે સ્વતંત્રતાપૂર્વક પૃથ્વી પર વિચરતા જેથી આત્મીયજનો અને બીજાઓ એમને ઓળખી ના શકે. એ શરીરને સજાવતા નહિ, પવિત્ર તથા સાદુ ભોજન કરતા, વિશુદ્ધ જીવન જીવતા, તીર્થોના પવિત્ર પાણીમાં નહાતા, જમીન પર સંયમપૂર્વક સૂઇ રહેતા, ને પરમાત્માની પ્રીતિ વધારે તથા પરમાત્માને પ્રસન્ન કરવામાં મદદરૂપ બને તેવાં વ્રતોનો આધાર લેતા.

પોતાની યાત્રાને ઉત્તરોત્તર સફળ કરતા મહાત્મા વિદુર છેવટે યમુના તટ પર પહોંચ્યા ત્યારે ત્યાં એમને ભગવાનના પરમભક્ત ઉદ્ધવજીનો સમાગમ થયો. એમની પાસેથી એમણે મહાભારતના મહાસંગ્રામના તથા ભગવાન કૃષ્ણના સ્વધામગમનના સમાચાર સાંભળ્યા. એ સમાચાર અત્યંત રોમાંચક હતા. એ સમાચાર સાંભળીને એમને દુઃખ થયું પરંતુ એ દુઃખને એમણે વિવેકજન્ય જ્ઞાનની મદદથી મટાડી દીધું.

ઉદ્ધવજી બાળપણથી જ પૂર્વસંસ્કારોના પરિણામે કૃષ્ણભક્ત હતા. પાંચ વરસની ઉંમરે જ રમતાં રમતાં ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવીને એની આરાધનામાં એટલા બધા તન્મય થઇ જતા કે બીજા બાહ્ય વિષયોનું એમને ભાન પણ ના રહેતું. ત્યારથી માંડીને અત્યાર સુધી એમનો કૃષ્ણપ્રેમ કાયમ રહેલો. એક તો ભગવાનને માટે પ્રેમ પેદા થવો એ જ કઠિન છે તો પછી એ પ્રેમને કાયમ રાખવાનું ને ઉત્તરોત્તર વધારવાનું કાર્ય તો કેટલું બધું કઠિન હોય એ સહેલાઇથી સમજી શકાય તેમ છે. એ કાર્ય તો કોઇક સૌભાગ્યશાળી આત્મા જ કરી શકે. ઉદ્ધવજી એવા સૌભાગ્યથી સંપન્ન હતા. ભગવાન કૃષ્ણના કહેવાથી એ ભગવાન નર તથા નારાયણ ઋષિની તપશ્ચર્યાથી પવિત્ર બનેલા બદરીનાથ પ્રદેશમાં જવાનો સંકલ્પ કરી ચૂકેલા. એમની જ પ્રેરણાથી વિદુરજી મહાત્મા મૈત્રેયને મળવા તૈયાર થયા.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.