if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાગવતના તૃતીય સ્કંધના એકવીસમા અધ્યાયમાં કર્દમ ઋષિના તપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કર્દમ ઋષિએ સરસ્વતી નદીના તટપ્રદેશ પર સુદીર્ઘ સમય સુધી તપ કર્યું. એ તપમાં ધારણા, ધ્યાન, સમાધિ તથા ભક્તિયોગનો સુભગ સમન્વય થયેલો. એમના તપથી ભગવાને પ્રસન્ન થઇને એમને દર્શન આપ્યું ને ઇચ્છાનુસાર વરદાન માગવા જણાવ્યું.

તપ પણ બે પ્રકારના હોય છેઃ સકામ અને નિષ્કામ. નિષ્કામ તપ ઇશ્વરને માટેના પરમપવિત્ર પ્રખર પ્રેમથી પ્રેરાઇને કેવળ ઇશ્વરના દર્શન માટે જ થતું હોય છે અને સકામ તપ ઇશ્વર સિવાયની બીજી કામનાથી ભરેલું હોય છે. એમાં કોઇકવાર ઇશ્વરદર્શનની આકાંક્ષા હોય છે પણ ઘણેભાગે એ દ્વારા બીજા લૌકિક કે પારલૌકિક પદાર્થોની પ્રાપ્તિ માટેની કામના જ હોય છે. એવા સકામ તપમાં વૈરાગ્યભાવ મંદ હોય છે એવું કહી શકાય. જે જગતના પદાર્થોની પરિવર્તનશીલતાને અથવા અસારતાને સારી રીતે જાણે છે તે તો એમની અંદર આસક્ત નથી થતો અને એમની આકાંક્ષા પણ નથી રાખતો. એનું મન તો એમાંથી ઉપરામ બની જાય છે. પરંતુ જે કોઇ કારણથી નાની મોટી આકાંક્ષા રાખે છે એની આકાંક્ષા પણ ઇશ્વર એમને યોગ્ય લાગે તો પૂરી કરે છે.

કર્દમ ઋષિ ભગવાનના દિવ્ય દર્શનથી ખૂબ જ આનંદ પામ્યા ને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એ સ્તુતિ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યભાવથી ભરપુર હતી. એમાં એમણે એક ઠેકાણે એવું પણ કહ્યું કે હે પ્રભુ, જેવી રીતે કરોળિયો પોતાની જ અંદરથી કોઇ પણ બાહ્ય સાધનની સહાયતા વિના જાળું બનાવે છે. વિસ્તારે છે, અને અંતે એને ગળી જાય છે તેવી રીતે તમે એક જ હોવા છતાં તમારી યોગમાયાની શક્તિથી આ સંસારને સરજો છો, પાળો છો અને સંહારો છો.

एकः स्वयं सज्जगतः सिरसृक्षया द्वितीयया ङङत्मन्नधियोगमायया ।
सृजस्यदः पासि पुनर्ग्रसिष्यसे यर्थोर्णनाभिर्भगवन् स्वशक्तिभिः ॥ (અધ્યાય ર૧, શ્લોક ૧૯)

એ શ્લોકને ઉપનિષદના પેલા પ્રખ્યાત ‘यथोर्णनाभिः सृजते गुण्णते च’ શ્લોક સાથે મેળવવા જેવો છે. ભાગવતના ભાવો તથા વિચારો કેવા વેદાનુકૂળ છે તેની પ્રતીતિ એના પરથી સહેલાઇથી થઇ શકશે.

કર્દમ ઋષિએ ભગવાનની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરીને એમની પાસે શું માગ્યું ? પોતાના શીલ, સંસ્કાર કે સ્વભાવવાળી, ગૃહસ્થાશ્રમને આદર્શ બનાવીને એમાં ધર્મ, અર્થ અને કામના ત્રવિધ પુરુષાર્થોની પૂર્તિ કરનારી પત્ની.

આજે એવી પત્ની કોણ માગે છે ? પતિ અને પત્ની એકમેક સાથે મળીને લગ્નજીવનમાં જોડાતા પહેલાં એવા આદર્શનો ખ્યાલ ક્યાં ને કેટલોક રાખે છે ? શીલ, સંસ્કાર અને સ્વભાવની શ્રેષ્ઠતાનું કે સમાનતાનું ધ્યાન ક્યાં રાખે છે ? લગ્નજીવનમાં શરીરના આકર્ષણને, ધનને અને એવી ઇતર વસ્તુઓનું જ મહત્વ વિશેષ મનાતું હોય ને સંસ્કારો ગૌણ ગણાતા હોય તો એ લગ્નજીવન સુખી, સંવાદી ને સફળ ના બની શકે. એમાં શરીર મળે ખરાં પરંતુ મન, અંતર અને આત્મા ના મળે. એમનું લગ્ન ના બને. આપણે ત્યાં એવા ક્લેશકારક, વિસંવાદી, નીરસ, નિષ્ફળ ગૃહસ્થાશ્રમો ઘણા દેખાય છે એનું અગત્યનું કારણ એ જ છે. ગૃહસ્થાશ્રમને તિરસ્કારવા જેવો નથી. એ બીજા આશ્રમો કરતાં જરા પણ ઉતરતો નથી. એને આદર્શ, સર્વોત્તમ, સુખમય કરનારાં સમાન મનનાં ને હૃદયના પતિ-પત્ની મળે તો એ શ્રેયસ્કર ઠરે.

કર્દમ મુનિની માગણીને એવા વિશાળ સંદર્ભમાં સમજીએ તો એમાં કશું ખોટું નહિ લાગે. આપણને એમને માટે સહાનુભૂતિ થશે.

એક બીજી વાત. કર્દમ મુનિએ ધર્મ, અર્થ, કામના ત્રિવિધ પુરુષાર્થોની પૂર્તિ કરનારી પત્ની માગી પરંતુ મોક્ષના ચોથા પુરુષાર્થનો નિર્દેશ ના કર્યો તેનું કારણ ? પુરુષાર્થ ત્રિવિધ નથી પરંતુ ચતુર્વિધ છે એ હકીકતને એ ભૂલી ગયા ? કે પછી મોક્ષનો એમણે જાણી જોઇને જ ઉલ્લેખ ના કર્યો ? સાચી વાત તો એ છે કે ધર્મના સમજપૂર્વકના સમ્યક્ અનુષ્ઠાનથી જીવનનું કલ્યાણ થતાં અને સર્વ પ્રકારની અહંતા, મમતા અને આસક્તિના અંકુરોનો અંત આવતા અવિદ્યા દુર થાય છે ને સ્વરૂપદર્શન અથવા પરમાત્માનો સાક્ષાત્કાર સહજ બને છે. એથી મુક્તિ આપોઆપ આવી મળે છે. એમ વિશાળતાપૂર્વક વિચારતાં ધર્મના ઉલ્લેખની અંદર મોક્ષનો ઉલ્લેખ સમાઇ જાય છે. ધર્મને લોકો બાહ્ય ક્રિયાકાંડો, પંથો, મતો, સાંપ્રદાયો, ગ્રંથો, ધર્મસ્થાનો અને મંદિરો, મસ્જિદો કે ગિરજાઘરો પૂરતો જ સીમિત ના સમજે પરંતુ એમનો પોતપોતાની આવશ્યકતા પ્રમાણે આધાર લઇને એથી આગળ વધે અને પરમાત્માની પરમકૃપાથી અવિદ્યા અને એના સમસ્ત પાશમાંથી મુક્તિ મેળવે કે મુક્તિ મેળવવાનો પ્રામાણિક પ્રયત્ન કરે એટલા માટે મોક્ષનો અલગ ઉલ્લેખ આવશ્યક છે. એવો ઉલ્લેખ માનવોને ધર્મની સાચી દૃષ્ટિ પુરી પાડે છે. એને લીધે ધર્મના આદર્શને પહોંચવાની પ્રેરણા મળે છે.

ભગવાન તો કલ્પવૃક્ષ જેવા છે. એમનું સાચા હૃદયથી શરણ લેનારા ને સ્મરણ કરનારા ભક્તોના ધર્મસંગત સઘળા લાડકોડ એ પૂરા કરે છે. એમની સાથે સ્નેહસંબંધ બાંધનાર કોઇને નિરાશ નથી થવું પડતું. માનવ એમની કરુણાને અથવા અનુકંપાને ઓળખીને જો એમનું શરણ લે અને એમને ભજે તો ધન્ય થાય. એનું જીવન ઉત્સવમય બની જાય. કર્દમઋષિની ઉપર એમનો અસાધારણ અનુગ્રહ ના વરસે એવું કેવી રીતે બની શકે ? એની કલ્પના પણ કેવી રીતે કરી શકાય ? એમણે એમની માંગણીને મંજૂર રાખી ને કહ્યું કે તમારો મનોરથ પૂરો થશે. તમારા મનોરથની માહિતી મને પ્રથમથી જ મળી ગઇ છે. મારી ભક્તિ કદી પણ નિષ્ફળ નથી જતી. સ્વનામધન્ય સમ્રાટ મનુ બ્રહ્માવર્તમાં વિરાજીને સપ્તસમુદ્ર પર્યંતની પૃથ્વીનું પાલન કરે છે. તે ધર્મજ્ઞ છે. રાજર્ષિ છે. એમની મહારાણી શતરૂપા સાથે એ અહીં તમારી પાસે પરમ દિવસે આવી પહોંચશે. એમની શ્યામ લોચનવાળી, રૂપ-ગુણ-શીલ-યૌવનથી સંપન્ન સુકન્યાને એ તમને અર્પણ કરશે. એ તમારે સારું સર્વપ્રકારે સુયોગ્ય છે. એને પત્ની તરીકે પ્રાપ્ત કરીને તમે સુખી થશો. એ તમારી સમુચિત સેવા કરશે ને નવ કન્યાઓને જન્મ આપશે. એ ઉપરાંત મારા અંશરૂપે હું એને નિમિત્ત બનાવીને અવતાર લઇશ ને સનાતન બનવા સરજાયલા સાંખ્યશાસ્ત્રની રચના કરીશ. એ શાસ્ત્ર અસંખ્ય ને મોટા મોટા વિદ્વાનોને કે પંડિતોને પણ પ્રકાશ ને શાંતિ આપશે.

એવું કહીને ભગવાન સરસ્વતીના તટ પર આવેલા કર્દમ ઋષિના બિંદુ સરોવર પાસેના એકાંત આશ્રમમાંથી અદૃશ્ય થઇ ગયા.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.