03. તૃતીય સ્કંધ

કર્દમ ઋષિનું દેવહૂતિ સાથે લગ્ન

ભગવાને જે દિવસ કહેલો તે દિવસે મનુ પોતાની પત્ની તથા પુત્રી સુવર્ણના રથમાં બેસીને ત્યાં આવી પહોંચ્યા.

કર્દમ ઋષિના આશ્રમનું સ્થાન ખૂબ જ પવિત્ર અને આહલાદક હતું. આજે પણ એક તીર્થ તરીકે એનો મહિમા ઘણો વખણાય છે. એ તીર્થનું નામ સિદ્ધપુર. એના નામ પ્રમાણે એ ખરેખર સિદ્ધક્ષેત્ર છે. ત્યાં રહીને એકાગ્રતાપૂર્વક સાધના કરવાથી સ્વલ્પ સમયમાં શાંતિ અને સિદ્ધિ મળે છે ને જીવન ધન્ય બને છે. સરસ્વતી નદીનો પુણ્યપ્રવાહ આજે પણ ત્યાં એવી જ ચિત્તાકર્ષક રીતે વહ્યા કરે છે. એ પ્રવાહ પોતાના અવલોકનથી આંખ અને અંતરને આનંદ આપે છે. મન ત્યાં ધાર્યા કરતાં વધારે શીઘ્ર ને સહેલાઇથી એકાગ્રતાનો અનુભવ કરે છે.

કર્દમ ઋષિ પર કૃપાની વૃષ્ટિ કરવા પધારેલા ભગવાનના નેહાળ નેત્રોમાંથી જ્યાં અશ્રુબિંદુ ટપકી પડેલાં તે સ્થાનને બિંદુ સરોવર કહેવામાં આવે છે. એ સરસ્વતી નદી સાથે સંકળાયલું હોવાથી પવિત્ર ને કલ્યાણકારક છે.

મનુ મહારાજે પોતાની સુપુત્રી દેવહુતિ સાથે કર્દમ ઋષિના દર્શન કર્યા. દીર્ઘકાલીન તપથી કૃશ થયેલા, ઊંચા, મસ્તક પર જટાવાળા કર્દમે એમનો સુયોગ્ય સત્કાર કરીને પોતે પ્રથમથી જાણતા હોવા છતાં પણ, એમના શુભાગમનનું સુમધુર સ્વરે પ્રયોજન પૂછ્યું.

સમ્રાટ મનુએ પોતાની પુત્રી દેવહુતિની ઓળખાણ આપીને જણાવ્યું કે એની ઇચ્છા વય, શીલ તથા ગુણોથી યુક્ત પતિને વરવાની છે. દેવર્ષિ નારદ પાસેથી માહિતી મેળવીને અને પ્રખ્યાતિ સાંભળીને એણે તમને પતિ તરીકે પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. મેં સાંભળ્યું છે કે અત્યાર સુધી કઠોર બ્રહ્મચર્યનું પાલન કરીને હવે તમે લગ્નને માટે ઇચ્છા રાખો છો. તો આ કન્યાનો સ્વીકાર કરો.

એ શબ્દોમાં ‘કન્યા’ શબ્દનું મહત્વ ધાર્યા કરતાં ઘણું મોટું છે. મનુ મહારાજ સૂચવવા માગે છે કે દેવહૂતિ મન, વચન, શરીરથી પવિત્ર છે અને એનું કૌમાર્યવ્રત હજુ નાશ નથી પામ્યું. ભારતમાં એ હકીકત ઘણી મહત્વની મનાતી અને આજે પણ મનાય છે. પરદેશોમાં કુમારી માતાઓનો પ્રશ્ન જોર પકડી રહ્યો છે ને સમસ્યારૂપ બન્યો છે. તેને લીધે કેટલીય કન્યાઓ લગ્ન કરતાં પહેલાં જ શરીરની પવિત્રતાને નષ્ટ કરી નાખે છે ને માતા બને છે. ત્યાંનું મુક્ત જાતીય જીવન તેને માટે જવાબદાર હશે. ભારતમાં એ બદી હજુ એટલી બધી વ્યાપક નથી બની એ સારું છે. પ્રાચીન સમયથી જ અહીંનાં સ્ત્રીપુરુષોને સંયમ તથા શુદ્ધિની શિક્ષા આપવામાં આવે છે. એમને સારુ એવો સંયમ સ્વાભાવિક બને એવી અપેક્ષા રખાય છે. એટલે જ ભારતમાં અતીતકાળથી માંડીને આજ સુધીમાં કેટલાંક પરમ પ્રતાપી સ્ત્રીપુરુષો પાકી શક્યાં છે. કર્દમ અને દેવહુતિ એના સુંદર આદર્શ ઉદાહરણરૂપ કે પ્રતીકરૂપ છે.

જે લોકો એવું માને છે કે ભારતવર્ષમાં સ્ત્રીઓ પહેલાં સર્વપણે પરાધીન હતી અને પોતાના પતિની પસંદગીમાં સૂર નહોતી પુરાવી શક્તી એ ભૂલ કરે છે. ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાનું એમનું અધ્યયન અને અવલોકન અધુરું છે. ભારતમાં સ્વયંવરોની સ્ત્રીજાતિની સ્વતંત્રતાસૂચક પ્રથા પહેલેથી જ પ્રવર્તમાન હતી એ તો ખરું જ, પરંતુ દેવહુતિ જેવી કેટલીય કન્યાઓ સ્વયંવર સિવાય પણ ઇચ્છાવરને વરતી. લગ્નના પ્રકારોમાં આજના સ્નેહલગ્નના જેવા ગાંધર્વ વિવાહનો પ્રકાર પણ પ્રચલિત હતો અને એનો આધાર અવારનવાર લેવાતો. લગ્ન પછી પણ સ્ત્રીઓ આદર્શ ગૃહસ્થાશ્રમના નિર્માણમાં મદદરૂપ બનતાં ઘરની સંપૂર્ણ સ્વામિની બનતી. ‘गृहिणी गृहमुच्यते ।’ ગૃહિણીથી જ ઘર બને છે, ગૃહિણીને લીધે જ ઘર ઘર કહેવાય છે, ગૃહિણી વિનાનું ઘર ઘર કેવું ? એ સારવાહી ઉક્તિ એ સંદર્ભમાં જ પ્રચલિત થયેલી.

કર્દમ ઋષિએ મનુ મહારાજના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. એમને દેવહુતિમાં પોતાના જીવનની આદર્શ ગૃહિણીનું દર્શન થયું. એમણે મનુ મહારાજને કોઇ પણ પ્રકારના સંકોચ સિવાય સ્પષ્ટતાપૂર્વક કહી દીધું કે હું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીશ ખરો પરંતુ મારા જીવનનું ધ્યેય ગૃહસ્થાશ્રમનાં સુખોનો આજીવન ઉપભોગ જ નથી. મને સંતાન થયા પછી ગૃહસ્થાશ્રમમાંથી મનને પાછું ખેંચી લઇને હું આત્મજ્ઞાનની મદદથી પરમહંસોના પવિત્રતમ ધર્મોનું પૂર્ણપણે પાલન કરીને જીવનનું કલ્યાણ કરીશ. મને સર્વાધાર તથા સર્વના નિયંતા પરમાત્માના શ્રદ્ધાભક્તિયુક્ત અનુસંધાનમાં જ વધારે આનંદ આવે છે.

દેવહુતિ કર્દમના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થઇ. એનો અને શતરૂપાનો સર્વસંમત અભિપ્રાય જાણીને મનુ મહારાજે કર્દમ ઋષિ સાથે એનું વિધિપૂર્વક લગ્ન કર્યું. પછી કર્દમની અનુમતિ મેળવીને એ રથમાં બેસીને શતરૂપા તથા પોતાના અનુચરો સાથે ચાલી નીકળ્યા.

સરસ્વતીના તટપ્રદેશ પર એ વખતે તપઃપૂત તપોધન ઋષિમુનિઓના એકાંત આહલાદક આશ્રમો હતા. એમાંથી વેદમંત્રોના અદ્દભુત આલાપો નીકળતા. આજે એ આશ્રમ ક્યાં છે ? અતીતમાં વિલીન થઇ ગયા છે. આજે તો ત્યાં મોટું નગર બની ગયું છે. સરસ્વતીનો સુંદર પુણ્યપ્રવાહ અને બિંદુ સરોવર એમની સ્મૃતિ કરાવતાં શેષ રહ્યા છે તે જ. આજના સિધ્ધપુરમાં પ્રવેશીએ છીએ ત્યારે એ બધા કથાપ્રસંગો તાજા થાય છે. અને એવા તો કેટલાય કલ્પનાના પટ પર ક્રીડા કરવા માંડે છે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.