Text Size

04. ચતુર્થ સ્કંધ

ભગવાન શંકરનું સ્વરૂપ

ભગવાન શંકર દેવોના દેવ મહાદેવ કહેવાય છે. એ શીલવાન સત્પુરુષોમાં સર્વોત્તમ અને કલ્યાણકારક છે. એ જ્ઞાનીઓ, યોગીઓ અને ઉપાસકોના પરમારાધ્ય છે. એમની આરાધના અતીતકાળથી માંડીને આજ સુધી ભારતમાં ઠેર ઠેર ચાલે છે. એમનું આખુંય સ્વરૂપ એક આપ્તકામ, આત્મનિષ્ઠ, પરિપૂર્ણ યોગીનું આદર્શ સ્વરૂપ છે. એમના અવલોકન માત્રથી જ આદર્શ, નિત્યમુક્ત, નિત્યશુદ્ધ, મહાયોગીનું રમણીય રેખાચિત્ર રજૂ થાય છે.

ભગવાન શંકરના સુંદર સુધામય સ્વરૂપમાં યોગની સર્વોત્તમ સાધના શી રીતે સાકાર થાય છે તે જોઇએ. એમના મસ્તક પર - લલાટમાં અર્ધચંદ્ર છે એ શું બતાવે છે ? યોગી જ્યારે યોગસાધનામાં આગળ વધે છે ત્યારે એનું આજ્ઞાચક્ર ઊઘડી જાય છે અને એને અનેકાનેક અલૌકિક અનુભવોની પ્રાપ્તિ થાય છે. ઋતંભરા પ્રજ્ઞાની પ્રાપ્તિનો અનુભવ પણ એમાંથી એક છે. મહર્ષિ પતંજલિ પોતાના યોગદર્શનમાં કહે છે કે ऋतंभरा तत्र प्रज्ञा । એ પ્રજ્ઞા પરમપવિત્ર કે દિવ્ય હોય છે ને યોગીનું ત્રીજું નેત્ર કહેવાય છે. ભગવાન શંકરના લલાટનો ચારુ ચંદ્ર એ ઋતંભરા પ્રજ્ઞાનો પૂર્ણ પરિચાયક છે. જે પોતાના અસાધારણ અનુગ્રહની વર્ષા વરસાવીને અન્ય અનેકને ઋતંભરા પ્રજ્ઞાનું પ્રદાન કરે છે. એનું શરણ લેનારને એ પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શંકરના મસ્તક પર ગંગા છે તે સૂચવે છે કે યોગી પ્રેમ અને પવિત્રતાની પવિત્રતમ ગંગાથી વિભૂષિત હોય છે. એની અંદર બુરા વિચાર, બુરા ભાવ કે બુરા સંસ્કાર નથી પેદા થતા. એનું અંતઃકરણ જીવમાત્ર પ્રત્યેના પ્રેમથી પરિપ્લાવિત હોય છે. આત્મજ્ઞાનથી અલંકૃત અને આલોકિત હોય છે. એ કોઇનું અમંગલ નથી ઇચ્છતો અને અમંગલ નથી કરતો.

એમના અંગ પરની ભસ્મ વૈરાગ્યભાવની સૂચક છે. જેના અંતરમાં અને અંગના અણુએ અણુમાં વૈરાગ્યભાવ ભરેલો છે એને પૃથ્વીના પાર્થિવ પ્રલોભનોની શી પરવા અને ભયસ્થાનોનો શો ભય ? પોતાના અંતરંગ વૈરાગ્યભાવને લીધે એ સદાય સુરક્ષિત રહે છે. એ સર્વત્ર રહે છે ખરો પરંતુ ક્યાંય આસક્ત નથી થતો કે ભાન નથી ભૂલતો. જીવનના મહત્વના મૂળભૂત ધ્યેયને એ હંમેશા નજર સમક્ષ રાખે છે. એ ધ્યેયની સતત સ્મૃતિ તથા પરિપૂર્તિની સમ્યક્ સાધના એને સારું સહજ બની જાય છે.

ભગવાન શંકરને સ્મરહર કહેવામાં આવે છે. આત્મજ્ઞ અથવા આત્મનિષ્ઠ પુરુષ સ્મર અથવા કામવાસનાથી મુક્ત હોય છે. ભગવાન શંકરનું એ વિશિષ્ટ વર્ણન સાધકને ને માનવમાત્રને સંયમની સાધનાનો આધાર લઇને ક્રમે ક્રમે કામવાસનાથી મુક્તિ મેળવીને પવિત્રતમ પ્રેમમાં પ્રતિષ્ઠિત થવાનો પાઠ પૂરો પાડે છે.

એમને એકાંત પ્રિય છે અને એ આત્મારામ તથા સંસારના રંગરાગથી અથવા આકર્ષણથી અલિપ્ત છે માટે તો કૈલાસ જેવા નિતાંત એકાંતમાં અને સ્મશાનમાં વસે છે એવું કહેવાય છે. જેણે પોતાની જાત પર ઓછાવત્તા પ્રમાણમાં અધિકાર કર્યો હોય એ જ એકાંતમાં રહી શકે. જેનું મન સર્વ સ્થળે ને સર્વ કાળે એકાંતમાં રહી શકતું હોય તે જ એકાંતનો સાચો સ્વાદ મેળવી શકે છે.

ભગવાન શંકરે પોતાના શરીરે સર્પ વીંટયા છે એ શું સૂચવે છે ? ભક્તો એમની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરતાં કહે છે - सर्पैर्भूषितकंठकर्णविवरे । બરાબર છે. એમનો કંઠ પણ સાપથી સુશોભિત, એમનું શરીર, એમનું મસ્તક અને એમના હાથ બધું જ સાપથી સુશોભિત છે. એ સાપનો વિચાર પણ કરવા જેવો છે.

યોગીની ભુજંગાકારિણી મૂલાધારશાયિની કુંડલિની શક્તિ યોગસાધનાની મદદથી મૂલાધારચક્રમાંથી જાગે છે ત્યારે સાપની જેમ ફુત્કાર કરીને ચક્રોમાંથી ક્રમશઃ પસાર થતી ઉત્તરોત્તર ઉપર ચઢે છે. ભગવાન શંકરની મૂલાધાર ચક્રમાંથી ઉપર ઊઠતી એ અસાધારણ શક્તિ હૃદય, કંઠ, કર્ણ ભ્રૂમધ્ય તથા મસ્તકના બ્રહ્મરંધ્ર ચક્રમાંથી પસાર થઇને સમસ્ત વ્યક્તિત્વને આવરી લે છે. સાપ એ અલૌકિક કુંડલિની શક્તિના સૂચક છે.

યોગીના શરીરને વીંટી વળનારી કુંડલિની શક્તિ એને કાંતિમય કરે છે અને એના સમસ્ત વ્યક્તિત્વમાં બહારથી અને અંદરથી આમૂલ, પાર વિનાનું પરિવર્તન લાવે છે. સાપને એવી સૂક્ષ્મ રીતે યૌગિક સંદર્ભમાં સમજવાની આવશ્યકતા છે. એવી રીતે સમજવાથી ઉપયોગી પ્રેરણા મળે છે.

नेत्रोद्रथवैश्वानरे । યોગીના નેત્રો પ્રજ્ઞા, શ્રદ્ધા, પવિત્રતા અને પરમાત્મપરતાના પાવન પ્રકાશથી પ્રદીપ્ત હોય છે. ભગવાન શંકરના નેત્રો એવાં જ પ્રદીપ્ત--જાણે કે અગ્નિથી અલંકૃત હોય એવાં લાગે છે.

પાર્વતી અથવા સતી એમની સદાય સેવા કરે છે એ શું બતાવે છે ? પ્રકૃતિ કદી પરમપુરુષથી પૃથક્ અને સર્વથા પૃથક્ રહી શકે છે ? ના કદાપિ નહિ. એમના ઉભયના સુભગ સંગમ અને સહયોગ વિના સૃષ્ટિનું સર્જન નથી થઇ શકતું અને એનો રસ અથવા આનંદ પણ નથી સંભવી શકતો. માટે જ ભગવાન શંકર સતીની સાથે છે. છતાં પણ પુરુષ પ્રકૃતિથી અલિપ્ત છે તેમ, એ પણ શરીરના સુખોપભોગથી અલિપ્ત છે. આત્મારામ છે. આટલા બધા આત્મારામ હોવાં છતાં પણ એમણે લગ્નજીવનને ઉપેક્ષાની નજરે નથી નિહાળ્યું. એની પાછળ એમની લોકસંગ્રહની દૈવી દૃષ્ટિ જ કામ કરી રહી છે. માટે તો એમણે સતીનો સ્વીકાર કર્યો છે. લગ્નજીવન આત્મદર્શી યોગીને માટે બાધક નથી બની શકતું. સાધક બને છે, એવો એમાં સંદેશ સમાયેલો છે.

ભગવાન શંકરને નીલકંઠ કહેવામાં આવે છે. એમણે કરેલું વિષપાન એમની અસાધારણ યોગશક્તિનું અને એમની લોકકલ્યાણની સર્વોત્તમ સર્વ માંગલ્યમયી સદ્દભાવનાનું સૂચક છે.

એ પદ્માસનમાં વિરાજ્યા છે એનો અર્થ એટલો જ કે સંસારનું વિરોધાભાસી વિકૃત વાતાવરણ એમને કશી જ અસર નથી કરી શકતું. અ આત્મનિષ્ઠ હોવાથી બધાથી અલિપ્ત રહે છે - દેશ અને કાળથી પણ. જળમાં કમળની જેમ એમનો અંતરાત્મા કશાથી ખરડાતો નથી. એમનું અંતઃકરણ પદ્મની પેઠે સુવિકસિત, શુદ્ધ, સાત્વિકતાથી સુવાસિત અને પૃથ્વીની પાર્થિવતાથી ઉપર રહે છે.

એમનું સ્વરૂપ જ એવી રીતે મંગલમય છે. એનો આધાર લઇને અને એનું અનુસંધાન સાધીને જીવનને પ્રેરણાત્મક કરીને મંગલમય બનાવવાનું છે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok