સતીના શરીરત્યાગનું દૃશ્યને જોઇને શંકરના સેવકો કે ગણો ખૂબ જ ક્રોધે ભરાયા. એમણે દક્ષનો નાશ કરવાનો ને યજ્ઞમાં ભંગ પાડવાનો નિર્ણય કર્યો. સતીના શરીરત્યાગથી યજ્ઞના ભંગ થવાની ભૂમિકાનું નિર્માણ થઇ ચૂકેલું.
શંકરના સેવકો તથા ગણો દક્ષને દંડ દેવા તૈયાર થયા પરંતુ ભૃગુએ એમને અટકાવવા માટે દક્ષિણાગ્નિમાં આહુતિ આપીને ઋભુ નામના અસંખ્ય દેવોને પેદા કર્યા. તેમણે શંકરના સેવકો તથા ગણો પર વિવિધ શસ્ત્રાસ્ત્રોથી પ્રહાર કરવા માંડ્યો. એથી એ બધા નાસી ગયા.
ભગવાન શંકરે દેવર્ષિ નારદ દ્વારા સતીના શરીરત્યાગના સમાચાર સાંભળ્યા અને એ પછીની બીજી ઘટનાની માહિતી મેળવી ત્યારે એમને ખૂબ જ વ્યથા થઇ. એમણે ક્રોધાતુર બનીને દક્ષને દંડ દેવા ને યજ્ઞનો વિધ્વંસ કરવા સંકલ્પની મદદથી વીરભદ્ર નામના પ્રખર પરાક્રમી પુરુષને પેદા કર્યો.
એ પરમપ્રતાપી પુરુષ કેવો હતો ? એનું શરીર ખૂબ જ મોટું હતું. એ શરીરથી આકાશને અડવાની હરિફાઇ કરતો હોય એવું લાગતું.
ભગવાન શંકરે એને દક્ષનો અને એના યજ્ઞનો વિધ્વંશ કરવાની આજ્ઞા કરી.
એમની આજ્ઞા સાંભળીને એણે ઘોર ગર્જના કરી અને ત્રિશૂળ લઇને અન્ય પાર્ષદો સાથે દક્ષના યજ્ઞસ્થાનની દિશામાં ચાલી નીકળ્યો.
યજ્ઞસ્થાનમાં આવીને એણે બીજા પાર્ષદો સાથે યજ્ઞસ્થાનને ઘેરી લીધું અને એનો નાશ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી.
વીરભદ્રે ભૃગુની દાઢી તથા મૂછ ખેંચી કાઢી, ભગદેવનાં નેત્રો ખેંચી કાઢ્યાં, તથા પૂષાદેવના દાંત તોડી નાખ્યા. શંકરના વિરોધીઓને એણે એવી રીતે દંડ દીધો. એ પછી એણે એનું સમગ્ર ધ્યાન દક્ષના તરફ કેન્દ્રિત કર્યું. દક્ષને બાથમાં લઇને પોતાના સુતીક્ષ્ણ ધારવાળા શસ્ત્રથી એણે એનું મસ્તક કાપવા માંડ્યું પરંતુ એના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા, એટલે યજ્ઞમાં પશુઓના નાશની પ્રક્રિયાને વિચારીને બરાબર તેજ પ્રમાણે એણે એના મસ્તકને ધડથી જુદું કર્યું. એ મસ્તક અગ્નિમાં હોમી દઇ, યજ્ઞસ્થાનનો નાશ કરીને એ કૈલાસ તરફ પાછો વળ્યો.
દક્ષની આ કથા એક બીજી મહત્વની વસ્તુ પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરે છે. દક્ષના યજ્ઞમાં સર્વ પ્રકારની સંપત્તિ હોવા છતાં ભગવાન શંકરનું સ્થાન કે માન ન હતું. શંકરનો એ દક્ષે વિરોધ કરેલો અને એમની સાથે ઘોર વિદ્વેષ સેવેલો. પરિણામે એનો અને એના યજ્ઞનો નાશ થયો. એ યજ્ઞ એને માટે તારક નહિ પરંતુ મારક થઇ પડ્યો. જીવનના મંગલમય મહાયજ્ઞનું પણ એવું જ સમજવાનું છે. એમાં સંપત્તિ, સમૃદ્ધિ, સુંદરતા, સત્તા, પદ, પ્રતિષ્ઠા, યૌવન, સામર્થ્ય, બધું હોય પરંતુ શંકરનું અથવા કલ્યાણકારક ઇશ્વરનું આસન ના હોય તો શું કરવાનું ? એમાં ઇશ્વરનો સ્વીકાર, સ્નેહ અને ઇશ્વરનું સમુચિત સન્માન ના હોય તો જીવનના એ મંગલમય મહાયજ્ઞનું મૂલ્ય કેટલું ? એ યજ્ઞ સાર્થક ના થાય. તારક થવાને બદલે મારક બની જાય. સાધક નહિ પણ બાધક થાય. એ યજ્ઞ શૌભા વગરનો ગણાય. એ જીવનને જ્યાતિર્મય અથવા અલંકૃત ના કરે અને સુખશાંતિથી ના ભરે. એવો યજ્ઞ નિરર્થક બની જાય. એનો નાશ થાય.