દક્ષનો અને એના યજ્ઞનો નાશ થયેલો જાણીને બ્રહ્મા ભગવાન શંકર પાસે પહોંચ્યા. એમણે શંકરને દક્ષના અપરાધને ભૂલી જઇને એની ઉપર અનુગ્રહ કરવા માટે પ્રાર્થના કરી. શંકર તો આશુતોષ હતા. બ્રહ્માની પ્રાર્થનાને લક્ષમાં લઇને એ યજ્ઞસ્થાનમાં પહોંચ્યા ને સૌના પર અનુગ્રહ કરવા માંડ્યા.
દેવો તથા ઋષિઓએ એમના આદેશાનુસાર દક્ષના શરીર સાથે યજ્ઞપશુનું મસ્તક સાંધી દીધું.
એ પછી શકંરે એના તરફ દૃષ્ટિ કરી એટલે એને પુનર્જીવનની પ્રાપ્તિ થઇ. નિદ્રામાંથી ઊઠ્યો હોય તેમ ઊભા થઇને એણે શંકરનું દર્શન કર્યું. એના મનનો મેલ મટી ગયો. એની કાયાપલટ થઇ.
જે આપણી ઉપર દ્વેષ રાખે તેની ઉપર સામેથી દ્વેષ રાખવાથી ને તેને હાનિ પહોંચાડવાથી કશો હેતુ નથી સરતો. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે એવું સમજીને જે ભૂલ કરે છે તેને સુધરવા માટે તક આપવી જોઇએ. જીવન કોઇનું બગાડવા માટે નથી મળ્યું. સુધારવા મળ્યું છે. લડવા માટે નહિ, પ્રેમ કરવા, મિત્રતા વધારવા; અને વિરોધ કે વિદ્વેષની દલીલો તૈયાર કરીને જુદા પડવા તથા પાડવા માટે નહિ પરંતુ સંપ અને સહયોગથી સંપન્ન બનીને એક થવા માટે મળેલું છે. કોઇના પર ઘા કરવા ને કોઇના ઘાને વધારવા નહિ પરંતુ બની શકે તો એ ઘાને રૂઝવવા માટે પ્રાપ્ત થયું છે. જીવનનું પ્રમુખ પ્રેરક બળ ધિક્કાર નથી પણ સહાનુભૂતિ તથા સદ્દભાવ છે; અને અભિશાપ નથી પરંતુ આશીર્વાદ છે. જીવનનો પ્રવાહ એવી રીતે જ સ્વસ્થતા તથા સંવાદિતાપૂર્વક ચાલ્યા કરે છે ને જીવન નામને સાર્થક ઠરે છે.
ભગવાન શંકરના ઉદાત્ત જીવનવ્યવહારમાંથી એવી પ્રેરણા મળે છે.
એક બીજી મહત્વની વાત પણ ઉલ્લેખનીય છે. પ્રાચીન ભારતમાં મૃતસંજીવનીવિદ્યાની પ્રસિદ્ધિ હતી. શુક્રાચાર્ય એમાં નિષ્ણાત મનાતા. કચ એમની પાસેથી એ વિદ્યાને શીખેલો પણ ખરો. દક્ષ પ્રજાપતિને ભગવાન શંકર દ્વારા જે પુનર્જીવન મળ્યું તેની પાછળ મૃતસંજીવની વિદ્યાનો એવો પ્રયોગ હતો કે પછી ભગવાન શંકરના સત્ય સંકલ્પે જ ભાગ ભજવેલો ? બંનેની શક્યતા ટાળી શકાય તેમ નથી. શંકર પોતાના સંકલ્પ દ્વારા ગમે તે કરી શકે. મૃતસંજીવની વિદ્યાના પ્રયોગ દ્વારા પણ એવું થઇ શકે ખરું. આજનું વિજ્ઞાન જુદાં જુદાં અંગોપાંગોને જોડવાનું ને બદલવાનું કામ કરી રહ્યું છે પરંતુ મૃતને જીવન પ્રદાન કરવાનું કાર્ય હજુ નથી કરી શક્યું. ભવિષ્યમાં એ દિશામાં એ કાંઇક નોંધપાત્ર કરશે એવી આશા અવશ્ય રાખી શકાય. હજુ તો કાળ અનંત છે અને માનવમનની અભિલાષાઓ પણ અનંત.
પુનર્જીવન પામેલા દક્ષે ભગવાન શંકરની સાચા દિલથી ક્ષમા માગી. એને એના અપરાધને માટે પશ્ચાતાપ થયો. પશ્ચાતાપની શક્તિ ઘણી મોટી છે.
પશ્ચાતાપ વારંવાર કરવામાં આવે ને ભૂલનું પુનરાવર્તન પણ થતું રહે તો તે પશ્ચાતાપ ઉત્તમ કક્ષાનો ના કહી શકાય.
જે ભૂલ પર ભૂલ, અપરાધ પર અપરાધ કર્યા કરે પરંતુ પશ્ચાતાપનું નામ જ ના લે, પશ્ચાતાપનો જેને વિચાર જ ના આવે, એની કક્ષા તદ્દન સામાન્ય જ કહેવાય. જીવનના વિકાસની દિશામાં એ ઘણો પાછળ છે, કોશો પાછળ છે, એવું માની લેવું.
પશ્ચાતાપથી માનવ પવિત્ર બને છે. જે પશ્ચાતાપ કરનાર, પોતાની ભૂલને પકડી પાડનાર ને સુધારવા પ્રવૃત્ત થનાર પ્રત્યે કરૂણા નથી રાખી શક્તો તે મહાન નથી, આદર્શ માનવ નથી, ને બીજાના જીવનવિકાસમાં મદદરૂપ નથી થઇ શક્તો. જગત એવી કરૂણા, મૈત્રી, સહાનુભૂતિ અને એથી પ્રેરાયલી પ્રવૃત્તિથી અથવા થયેલી મદદથી જ ટકે છે.
દક્ષે, સભાસદોએ, રુદ્રદેવે, ભૃગુઋષિએ, બ્રહ્માએ, ઇન્દ્રે, બ્રાહ્મણપત્નીઓએ, ઋષિઓએ, સિદ્ધો તથા લોકપાલોએ, દક્ષપત્નીએ, શબ્દબ્રહ્મે, યોગેશ્વરોએ, અગ્નિદેવે, ગંધર્વોએ, દેવતાઓએ, વિદ્યાધરોએ અને બ્રાહ્મણોએ ભગવાન શંકરની સ્તુતિ કરી.
ભગવાન શંકર તથા દક્ષપ્રજાપતિની આ કથા પવિત્ર તેમ જ કલ્યાણકારક છે. એના સારતત્વને સુચારુરૂપે સમજીને જીવનમાં ઉતારનાર યશસ્વી બને છે, જીવનને ઉજ્જવળ કરે છે, ને નિષ્પાપ થાય છે. જે એનું શ્રવણ કરે છે ને બીજાને શ્રવણ કરાવે છે તે ભક્તિભાવયુક્ત પુરુષ દોષરહિત થઇ જાય છે.