શ્રીમદ્દ ભાગવતના ચતુર્થ સ્કંધના આઠમા અધ્યાયથી ધ્રુવચરિત્રનો આરંભ થાય છે. એ ચરિત્ર પ્રેરક, રોચક અને મંગલમય છે. ભાગવતમાં જેટલાં પણ ભક્તોનાં આખ્યાનો અથવા ઉપાખ્યાનો છે એમાં એને પ્રથમ શ્રેણીમાં મૂકી શકાય તેમ છે. આજે પણ એ એવું જ અવનવું, અનોખું અને પ્રાચીન હોવા છતાં અર્વાચીન લાગે છે.
આખીય ભારતીય સંસ્કૃતિની, સાધનાત્મક પરંપરાની અને એમાંયે એના પ્રતિનિધિ જેવા, એના આત્માની અભિવ્યક્તિ કરનારા ગ્રંથરત્ન ભાગવતની એક અત્યંત અગત્યની, અતિવિરલ, નોંધપાત્ર વિશેષતા છે. એ વિશેષતા એમાં આવતાં નાની ઉંમરના સંતો, ભક્તો, તપસ્વીઓ અથવા જ્ઞાની પુરુષોનાં રેખાચિત્રોની છે. એવાં સુરેખ સરસ રેખાચિત્રો એટલી મોટી સંખ્યામાં બીજે ક્યાંય નથી મળતા. બીજા પંથો તથા ગ્રંથોએ મોટી ઉંમરના સંતપુરુષોના પરિચયો કરાવ્યા છે એ સાચુ પરંતુ આટલી બધી નાની ઉંમરના અને વિપુલ પ્રમાણના સંતોના વર્ણનો નથી કર્યા. ભાગવતમાં એવા સંતો, ભક્તો અને યોગીઓ અનેક છે. પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય શુકદેવજીથી માંડીને સનત્કુમારો, ગોકર્ણ, ધ્રુવ, પ્રહલાદ, જડભરત, દત્તાત્રેય જેવા મહાપુરુષોનું એમાં દર્શન થાય છે. ભગવાન શંકરાચાર્ય, વિવેકાનંદ, રામતીર્થ, સંત જ્ઞાનેશ્વર, એકનાથ, દયાનંદ અને રમણ મહર્ષિનું દાન કરનારી સંસ્કૃતિએ જ એમનું સર્જન કરેલું.
ભાગવત કહે છે કે નાની ઉંમરમાં જ ઇશ્વરની આરાધના કરવી જોઇએ. જીવનના શ્રેયની, સાધનાની સાચી અવસ્થા એ જ છે. જીવનની ઉચ્ચોચ્ચ વિકાસાવસ્થાએ પહોંચ્યા પછી માનવ શિશુસરખો સરળ, નિખાલસ, નિષ્કપટ ને નિષ્પાપ બને છે. એની અંદર અહંતા, મમતા, આસક્તિ અને રાગદ્વેષનો અંશ પણ નથી હોતો. એ પરમાત્મા જેવો પવિત્ર ને પૂર્ણ હોય છે. જે નાની ઉંમરમાં જાગે છે કે સદસદ્દવિવેકી બનીને ઇશ્વરનું શરણ લે છે તે સદાને સારું સુખી થાય છે. તેના જીવનની યૌવનાવસ્થા અને ઉત્તરાવસ્થા તથા બીજી બધી જ અવસ્થાઓ સુધરી જાય છે. તેનું જીવન સફળતાને વરે છે, ઉત્સવ કરે છે, ને ધન્ય બને છે.
ધ્રુવનું જીવન એવું ધન્ય જીવન છે. અને હોય જ ને ? એમાં આશ્ચર્યને માટે અવકાશ જ નથી. જગતમાં બે જાતના મનુષ્યો જોવા મળે છે : ધ્રુવ અને અધ્રુવ. અધ્રુવ મનુષ્યો જાતજાતની શંકા-કુશંકાઓ, વિરોધાભાસી વિચારસરણીઓ અને ભ્રાંતિઓથી ભરેલા હોય છે. એમને સ્વપ્ને પણ શાંતિ નથી હોતી. એ સ્થિરતાનો અનુભવ નથી કરી શક્તા. એમના કોઇ નિશ્ચિત આદર્શો કે સિદ્ધાંતો નથી હોતા. એમના વિચારો, સંકલ્પો વિકલ્પો ને ભાવો પ્રત્યેક પળે ને સ્થળે બદલાયા જ કરે છે. એ કોઇ ધ્યેયને કે ધ્યેયની નિષ્ઠાને હૃદયમાં ધારી નથી શકતા. અથવા આવશ્યકતાનુસાર એના સાથે એકરૂપ બનીને એને માટે સર્વસમર્પણ નથી કરી શકતા. એ અતિશય ચંચળ, અજ્ઞ, અશ્રદ્ધાયુક્ત તથા શંકાશીલ હોય છે. એમના જીવનમાં કશું ચોક્કસ નથી હોતું. એમની પ્રકૃતિ મોટે ભાગે અસ્થિર હોય છે. પરંતુ ધ્રુવની શ્રેણીના મનુષ્યો એક જ જાતના રૂપરંગ તથા રસવાળા, અચળ, અખંડ અથવા અનંત આત્મજ્ઞાનથી સંપન્ન. શંકારહિત, નિશ્ચિત ભાવો, વિચારો, સિદ્ધાંતો અને આદર્શોવાળા તથા સ્વસ્થ મનના હોય છે. એ સંસારના અધ્રુવ વિષયો તથા પદાર્થોને ભજવાનો ને એમની પ્રાપ્તિ કરવાનો એકધારો સતત ને પ્રખર પુરુષાર્થ કરવાને બદલે નિત્ય, સનાતન, ધ્રુવ-સૌના મૂલાધાર જેવા પરમાત્માને જ ભજવાનો ને મેળવવાનો પ્રયાસ કરે છે. ધ્રુવમાં એના નામ પ્રમાણે જ ગુણો છે.
મહારાજા ઉત્તાનપાદનું નામ પણ કેટલું બધું સુચક, સાર્થ કે સારવાહી છે ? ઉત્તાનપાદને વિષયી, અપૂર્ણ, અવિવેકી જીવના પ્રતીક તરીકે ઓળખી અને ઓળખાવી શકાય. એ જીવ ઉત્તાનપાદ છે, જેનો પગ પૃથ્વી પર બરાબર નથી મંડાયેલો. એ સ્થિર તો નથી જ પરંતુ આગળ પાછળનો વિચાર કરીને પગલાં નથી ભરતો. પરિણામે સુખદુઃખ, લાભાલાભ અને હર્ષશોકની સંમિશ્રિત અસરોમાં અટવાયા કરે છે. એના ભાવો ને વિચારો ચોક્કસ નથી. એ છે તો સમ્રાટ, અરે ચક્રવર્તી સમ્રાટ, પરંતુ આત્મવિકાસની દૃષ્ટિએ એની દશા દયનીય છે.
એની બે પત્નીઓ સુરુચિ અને સુનીતિ. સુરુચિને ઉત્તમ નામનો સુપુત્ર થયો તે બરાબર છે. માનવની સુરુચિ નામની વૃત્તિ સઘળાં ક્ષેત્રોમાં, સર્વે કાળે તથા સ્થળે અધમને કે મધ્યમને નહિ પરંતુ ઉત્તમને જ પસંદ કરે છે. એને કશું હલકું કે સાધારણ નથી ગમતું. એમાં એવી વ્યંજના રહેલી છે. બીજી બાજુએ સુનીતિ સદા ધ્રુવની માતા થાય છે. જે ઉત્તમ પ્રકારની નિશ્ચિત નીતિને અનુસરીને ચાલે છે તેના જીવનમાં સત્યનો પ્રેમ પ્રગટે છે અને સ્થિરતા આવવા માંડે છે.
જે ઉત્તમ હોય છે તે બધું આદર્શ, અભિનંદનીય અને અનુકરણીય હોય છે એવું નથી માનવાનું.
ધ્રુવના જીવનનો પ્રવાહ પરમાત્માભિમુખ બનીને પરમાત્મા તરફ કેમ ઢળ્યો એ પણ જાણવા જેવું છે. એનું કારણ એટલું બધું મોટું નથી છતાં પણ મહત્વનું છે. ભાગવતમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ ઉલ્લેખ પ્રમાણે એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને રમાડતો હતો ત્યારે ધ્રુવને પણ એવી રીતે રમવાની ઇચ્છા થઇ આવી. એ ઇચ્છાથી પ્રેરાઇને એ પિતાના ખોળામાં બેસવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ સુરુચિમાં આસક્ત થયેલા રાજાએ એના તરફ ધ્યાન ના આપ્યું. એ વખતે સુરુચિએ ધ્રુવને ઉદ્દેશીને કહ્યું કે તું મારા પુત્રરૂપે પ્રકટ નથી થયો તેથી રાજ્યાસનને યોગ્ય નથી. તને રાજ્યાસનની ઇચ્છા હોય તો તપનો આશ્રય લઇને પરમાત્માની આરાધના કરી એમના અલૌકિક અનુગ્રહની અનુભૂતિ દ્વારા મારા પુત્રરૂપે જન્મ લે.
ધ્રુવને એ શબ્દો સાંભળીને દુઃખ થયું. એના સદ્દભાગ્યે એને સુનીતિ સરખી સમજુ માતા મળેલી. જે માતા પોતાના પુત્રને આત્માભિમુખ કરે અથવા પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવે-એ માર્ગે આગળ વધવાની પ્રેરણા પુરી પાડે એ જ માતાને આદર્શ માતા કહી શકાય. જે સ્વમાની થવાનું ના શીખવે, વિષયાભિમુખ બનાવે, નાહિંમત ને નામરદ કરે, એ માતાને આદર્શ ના કહી શકાય. સંસારના ઇતિહાસમાં એવી માતાઓ અનેક થઇ છે જેમણે પોતાના પુત્રોના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. મદાલસાથી માંડીને જીજીબાઇ સુધીની માતાઓ એ વાતની સાક્ષી પૂરે છે. સુનીતિ પણ એવી જ આદર્શ માતા હતી. એટલે એણે ધ્રુવને દુઃખી થઇને બેસી રહેવાને બદલે ઇશ્વરની આરાધના કરીને જીવનને સફળ કે સાર્થક કરવાનો સંદેશ આપ્યો. એના ઉદ્દગારો કેટલા બધા સુંદર, સારવાહી અને અનોખા છે ?
એણે કહ્યું : 'જેમના ચરણકમળની સેવા કરીને જગતના સર્જનાદિ માટે સત્વગુણનો સ્વીકાર કરનારા બ્રહ્મા પરમેષ્ઠીના ઉત્તમ પદને પામ્યા છે. એ પદ મન તથા પ્રાણનું નિયંત્રણ કરનારા યોગીઓને માટે પણ વંદનીય છે: વળી તારા પ્રપિતા ભગવાન મનુએ પણ સ્થિર મનથી પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞોથી જેમનું પૂજન કરીને બીજા કોઇપણ સાધનાથી પ્રાપ્ત થનારાં સંસારના, સ્વર્ગના ને મોક્ષના ત્રિવિધ સુખોને મેળવેલા: એ મુમુક્ષઓના એકમાત્ર આશ્રય અને આરાધ્ય ભક્તવત્સલ ભગવાનનો આધાર લઇને ભગવદ્દધર્મથી શુદ્ધ કરેલા અલૌકિક ભાવવાળા મનમાં એમની પ્રતિષ્ઠા કરીને એમનું સેવન કર. બીજા પુરુષો જેની ઇચ્છા રાખે છે તે લક્ષ્મી પણ કરમાં કમળ સાથે અત્યંત અનુરાગ અને આદરપૂર્વક જેમને શોધે છે તે કમળલોચન ભગવાન સિવાય તારા દુઃખને બીજું કોઇ જ નહિ મટાડી શકે.'