ધ્રુવને પ્રૌઢાવસ્થાએ પહોંચેલો જોઇને ઉત્તાનપાદે એનો રાજ્યાભિષેક કર્યો અને પોતે વિરક્ત થઇને આત્માની ઉત્તમોત્તમ ગતિની પ્રાપ્તિ માટે વનમાં પ્રયાણ કર્યું.
ધ્રુવનું લગ્ન પ્રજાપતિ શિશુકુમારની સુપુત્રી ભ્રમિ સાથે થયેલું. એથી એને કલ્પ અને વત્સર નામના બે પુત્રો થયેલા. એનું બીજું લગ્ન વાયુપુત્રી ઇલા સાથે થયેલું. એનાથી ઉત્કલ નામે પુત્રનો અને એક કન્યાનો જન્મ થયેલો. ધ્રુવનો ભાઇ ઉત્તમ અપરિણીતાવસ્થામાં મૃગયા માટે વનમાં ગયો. ત્યાં પર્વત પર કોઇક મહાબળવાન યક્ષે એને મારી નાખ્યો. એથી સુરુચિ એની પાછળ શોક કરતાં મરણ પામી. ધ્રુવની ઉપર એ પ્રતિકૂળ પ્રસંગની પ્રતિક્રિયા ઘણી ભારે થઇ. એ ક્રોધ અને શોકને આધીન બનીને હિમાલયની અલકાપુરી નગરી તરફ ચાલી નીકળ્યો. નગરીની બહાર એનું યક્ષો સાથે મહાભયંકર યુદ્ધ થયું.
એ યુદ્ધમાં અનેક નિરપરાધીઓનો નાશ થતો નિહાળીને ધ્રુવના દાદા સ્વયંભુવ મનુ ઋષિઓ સાથે ત્યાં પ્રકટ થયા ને શાંત રહેવાની શિખામણ આપવા લાગ્યા. એમણે એને ક્રોધરહિત ને શાંત થવાનો સંદેશ આપ્યો ને કહ્યું કે તારા જેવા આદર્શ ભગવદ્દભક્તને માટે આવું સામુહિક હિંસાકર્મ જરાપણ શોભાસ્પદ અને ઉચિત નથી. યક્ષનો નાશ કરીને તેં કુબેરનો અપરાધ કર્યો છે.
ધ્રુવે હિંસાને બંધ કરી એટલે કુબેરે પણ એને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ સાંભળીને ધ્રુવ એ પ્રદેશમાંથી ચાલી નીકળ્યો.
પોતાની રાજધાનીમાં પહોંચીને એણે ભગવાનની ભક્તિમાં પોતાના મનને પરોવી દીધું.
નિયત સમય સુધી રાજ્યસુખને ભોગવ્યા પછી પોતાના પુત્રને રાજ્યની ધુરા સુપ્રત કરીને બદરીકાશ્રમના પુણ્ય પ્રદેશમાં પહોંચી ગયો. ત્યાં એણે પરમાત્માના ધ્યાનમાં પોતાના અંતઃકરણને જોડીને ઉચ્ચતમ અવસ્થાની અનુભૂતિ કરી.
એને લેવા માટે ભગવાનનું દિવ્ય વિમાન આવ્યું. મૃત્યુંજય ધ્રુવ એમાં વિરાજમાન થયો ત્યારે એને એની માતા સુનીતિનું સ્મરણ થયું. ભગવાનના પાર્ષદોએ એના મનોભાવોને જાણી લઇને જણાવ્યું કે માતા સુનીતિનું વિમાન તો આપણાથી પણ આગળ જઇ રહ્યું છે. એવી માતાની કદી દુર્ગતિ નથી થઇ શકતી.
ધ્રુવ સપ્તર્ષિઓની ઉપર રહેલા વિષ્ણુના પરમપદમાં પહોંચી ગયો. જે શાંત, સમદર્શી, શુદ્ધ અંતઃકરણવાળા, પ્રાણીમાત્રને આનંદ આપનારા, પરમાત્માને જ પોતાના પરમપ્રિય, પ્રાપ્તવ્ય તથા બંધુ માનનારા હોય એ માનવો વિષ્ણુપદને કોઇપણ પ્રકારના પરિશ્રમ વિના પામી લે છે. બીજા નથી પામી શક્તા.
ધ્રુવચરિત્રના શ્રવણ તથા મનનથી ભગવાનની શ્રદ્ધાભક્તિ ઉત્તરોત્તર વધતી જાય છે, સાધનામાં પ્રીતિ થાય છે, અને એવી પ્રીતિથી ભગવાનનો સાક્ષાત્કાર સહજ બને છે. સૌ કોઇ કદાચ ધ્રુવ ના બની શકે પરંતુ પરમાત્માની પરમકૃપાની પ્રાપ્તિનો બને તેટલો વધારે ને પ્રમાણિક પ્રયત્ન તો કરી જ શકે. એવો પ્રયત્ન કરી શકાય તો પણ ઘણું છે.
ધ્રુવચરિત્રનું પરિશીલન એવી પ્રેરણા પાય છે.