રાજા વેનના પુત્ર પૃથુના ચરિત્રનું વર્ણન ભાગવતના ચતુર્થ સ્કંધના પંદરમા અધ્યાયથી માંડીને ત્રેવીસમા અધ્યાય સુધી કરવામાં આવ્યું છે. એ વર્ણન ખૂબ જ રોચક છે.
પૃથુ રાજાના સંબંધમાં એવી હકીકત પ્રચલિત છે કે એમણે ગાય બનેલી પૃથ્વીનું દોહન કરેલું. એનો અર્થ શો સમજવો ? પૃથ્વી શું ખરેખર ગાય બનેલી ને પૃથુએ એનું દોહન કરેલું ? ભાગવતની કેટલીક કથાઓની પેઠે એ કથાનો પણ શબ્દાર્થ નથી લેવાનો પરંતુ ભાવાર્થ લેવાનો છે. મહારાજા પૃથુનો રાજ્યાભિષેક થયો ત્યારે પ્રજા પીડિત, અભાવગ્રસ્ત અને દુઃખી હતી. એની અશાંતિનો પાર ન હતો. પૃથુના પિતા વેન અધર્મપરાયણ હોવાથી એમના શાસનકાળ દરમિયાન પ્રજા પોતાની શાંતિ ખોઇ બેઠેલી. ભૌતિક સમૃદ્ધિનો પણ નાશ થયેલો. પૃથુએ પ્રજાનું સમ્યક્ પ્રકારે પાલન કરવા માંડ્યું. એથી પ્રજા શાંત બની. એની પીડા ટળી ગઇ. પૃથ્વી સમૃદ્ધ બની.
મહારાજા પૃથુ એવી રીતે આદર્શ પ્રજાપાલક રાજા હતા. એમણે પૃથ્વીને સરખી કરી અને જુદે જુદે ઠેકાણે નગરો તથા ગ્રામોની રચના કરી. લોકો એમાં નિર્ભય થઇને સુખપૂર્વક રહેવા લાગ્યા. ભાગવત કહે છે કે પૃથુરાજાની પહેલા પૃથ્વી પર નગરો તથા ગ્રામોની સુવ્યવસ્થિત રચના નહોતી કરવામાં આવી. પૃથુરાજા જ એ યોજનાના પુરસ્કર્તા હતા. આધુનિક પરિભાષામાં એમને આપણને એક સર્વોચ્ચ શ્રેણીના નગર-આયોજક કહી શકીએ.
પૃથુરાજાને સનત્કુમારોના દિવ્ય દર્શનનો દેવદુર્લભ લાભ પણ ઇશ્વરકૃપાથી પ્રાપ્ત થયેલો. સનત્કુમારોએ એમને ઉપદેશ આપીને જીવનના પરમ કલ્યાણનો માર્ગ બતાવેલો. એ માર્ગે ચાલીને જીવનનું શ્રેય સાધવામાં એમને વિશેષ અભિરુચિ હતી. ઉત્તરાવસ્થામાં એ પ્રજાપાલનની જવાબદારી પોતાના સુપુત્રોને સોંપીને તપશ્ચર્યા માટે વનમાં ચાલી નીકળ્યા. વનમાં એકધારી કઠોર તપશ્ચર્યા કરીને એમણે પરમાત્માના પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરીને અવિદ્યાની અંતરસ્થ ગ્રંથિને કાપી નાખી. એમને સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. એમનું જીવન કૃતાર્થ બન્યું.