if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાગવતના છઠ્ઠા સ્કંધના પ્રથમ બે અધ્યાયોમાં અજામિલના ચિત્રવિચિત્ર જીવનનો સંક્ષિપ્ત છતાં સરસ અને સારગર્ભિત ઇતિહાસ આપવામાં આવ્યો છે. એ ઇતિહાસ ખૂબ જ રોચક તથા પ્રેરક છે. એ ઇતિહાસને મેં ચિત્રવિચિત્ર જીવનનો ઇતિહાસ એટલા માટે કહ્યો કે એ જીવને જુદે જુદે વખતે જુદા જુદા પલટા ખાધા છે.

ભાગવતના છઠ્ઠા સ્કંધના પ્રથમ અધ્યાયના એકવીસમા શ્લોકમાં સ્વનામધન્ય મહાત્મા શુકદેવજી પરીક્ષિતને કહે છે :

कान्यकुब्जे द्विजः कश्चिद् दासीपतिरजामिलः।
नाम्ना नष्टसदाचारो दास्या संसर्गदूषितः ॥

એ શબ્દોમાં અજામિલનું કેવું સુંદર રેખાચિત્ર દોરવામાં આવ્યું છે ? એથી અધિક સુંદર, અજામિલના વ્યક્તિત્વને સુચારૂરૂપે રજુ કરનારું સુયોગ્ય રેખાચિત્ર બીજું કોઇ ભાગ્યે જ દોરી શકાયું હોત. અનુષ્ટુપ છંદના એ એક શ્લોકમાં અજામિલ વિશે ટુંકમાં જાણવા જેવું ઘણું ઘણું કહેવામાં આવ્યું છે. કાન્યકુબ્જ નગરમાં અજામિલ નામનો એક દાસીપતિ બ્રાહ્મણ રહેતો. એ દાસીના કુસંગથી દૂષિત થઇને સદાચારના પથ પરથી ચ્યુત થઇ ગયેલો.

ખરેખર ? હા. સંગદોષમાં એવી અસાધારણ શક્તિ છે. એને લીધે સારા સારા સંસ્કારી પુરુષો પણ જીવનના મહામૂલા સંસ્કારધનને ખોઇ બેસે છે, ચંચળ બને છે, ને બુરા માર્ગે વળે છે. સત્સંગ જેમ માનવનું કલ્યાણ કરે છે તેમ કુસંગ એનું અકલ્યાણ અથવા અધઃપતન નોતરે છે. અજામિલ આમ તો બ્રાહ્મણ પુત્ર હતો પરંતુ એને વેશ્યાનો સંગ થવાથી એની બુદ્ધિ બગડી ગઇ. એની નિષ્ઠાના બધા જ પાયા હાલી ઊઠ્યા. એ કર્મધર્મને તિલાંજલિ આપીને ના કરવાનાં કુત્સિત કામ કરવા લાગ્યો. એ કોઇવાર વટેમાર્ગુઓને બળજબરી કરીને પકડતો, બાંધતો ને લૂંટી લેતો, છળકપટ કરીને લોકોની સાથે જુગારમાં જીતી જતો, તો કોઇવાર બીજાનું ધન યુક્તિ-પ્રયુક્તિથી પડાવી લેતો કે ચોરી જતો. એવી રીતે નીતિના બધા જ નિયમોને નેવે મૂકીને એ પોતાના કુટુંબનું પાલનપોષણ કરતો ને સમાજને માટે આંતકરૂપ બનતો. એના જીવનનો અઠ્યાસી વરસ જેટલો બહુમૂલ્ય વખત એવી રીતે જ વીતી ગયો.

એના જીવનના એવા અધઃપતનનું કારણ પણ જાણવા જેવું છે. ભાગવતમાં કરવામાં આવેલા વર્ણન પ્રમાણે એ શીલ, સદાચાર તથા સદ્દગુણોનો ભંડાર અને શાસ્ત્રજ્ઞ હતો. એનામાં બ્રહ્મચર્ય, વિનય, જિતેન્દ્રિયતા, સત્યનિષ્ઠા, પવિત્રતા અને મંત્રશક્તિનો સુભગ સમન્વય થયેલો. એ સૌની સેવા કરતો ને સૌનું કલ્યાણ કરવા તૈયાર રહેતો. એકવાર પોતાના પિતાના આદેશને અનુસરીને એ વનમાંથી ફળફૂલ, સમિધા તથા કુશ લઇને ઘર તરફ આવી રહેલો ત્યારે રસ્તામાં એની નજરે એક દૃશ્ય પડ્યું. શરાબના નશામાં મત્ત બનીને તથા ભાન ભૂલીને એક કામી શૂદ્ર કોઇક વેશ્યાની સાથે વિહાર કરી રહેલો. એ વેશ્યા પણ શરાબના નશામાં મતવાલી બનેલી. શૂદ્ર એને ભાતભાતના અભિનયો કરીને પ્રસન્ન કરવાની કોશિશ કરતો. એ દૃશ્યનો પ્રભાવ અજામિલના કોમળ માનસ પર ખૂબ જ પ્રતિકૂળ પડ્યો. એનું મન કામાતુર બની ગયું. નીતિ, સદાચાર અને શાસ્ત્રજ્ઞાનની બધી જ વાતો એક તરફ રહી ગઇ. એણે પોતાના મનને સંયમમાં રાખવાનો ઘણોય પ્રયાસ કરી જોયો પરંતુ એ પ્રયાસ નકામો ગયો.

અજામિલની સમજ અને સંયમશક્તિ બળવાન હોત તો એની ઉપર એ દૃશ્યનો એવો પ્રતિકૂળ પ્રભાવ ના પડત. વિષયો પોતાના ભોગોપભોગથી તો માણસને માટે અધઃપતનનું કારણ બને જ છે પરંતુ શ્રવણ, મનન, ચિંતન તથા દર્શનથી પણ વિઘાતક ઠરે છે. માટે એમનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બને તેટલા દૂર રહેવું જોઇએ. આજના સિનેમાયુગમાં ભાતભાતનાં ભદ્દાં દૃશ્યો ને ગીતો યુવક યુવતીઓનાં કુમળા માનસ પર કેવી ચિરસ્થાયી, વિપરીત અસર પહોંચાડે છે અને અનેકનાં જીવનમાં કેવી રીતે નૈતિક અધઃપતન નોતરે છે એ સહેજે સમજી શકાય તેવું છે. કેટલાક સ્ત્રીપુરુષો પોતાનાં બાળકોને પણ સિનેમામાં સાથે લઇ જાય છે. એવી રીતે એમની કેટલી બધી કુસેવા કરવામાં આવે છે એનો ખ્યાલ એમને નથી લાગતો. અજામિલ જેવા શાસ્ત્રજ્ઞ ને સદાચારી પુરુષ પર પણ બહારનાં કુત્સિત દૃશ્યોનો પ્રભાવ પડ્યો તો જે સદાચારનિષ્ઠ ને શાસ્ત્રજ્ઞ નથી એમના પર તો એમનો પ્રતિકૂળ પ્રભાવ પડે જ એમાં કહેવા જેવું શું છે ?

બસ ત્યારે. અજામિલનું અંતર એવી રીતે એકાએક વિદ્રોહ કરી ઊઠ્યું. એને સમજાવવાનું કામ ક્લેશકારક કે કઠિન થઇ પડ્યું. એ મનોમન ખૂબ જ રસપૂર્વક એ વેશ્યાનું ચિંતનમનન કરવા લાગ્યો. પોતાની પ્રેમમયી કુલીન પત્નીનો પણ એ વેશ્યાને પ્રસન્ન કરવા માટે એણે પરિત્યાગ કરી દીધો. વેશ્યાના કુટુંબનું પાલનપોષણ કરવામાં ને વેશ્યાને વિવિધ રીતે રીઝવવામાં એ પોતાના સમયને નિર્ગમન કરવા લાગ્યો. જીવનની શુદ્ધિના સુમેરૂ શિખર પરથી એકાએક નીચે પડીને એ એવી રીતે પતનની ગર્તામાં પડી ગયો.

એના બધા મળીને દસ પુત્રો હતા. એમાંથી સૌથી નાનાનું નામ નારાયણ હતું. અજામિલને એનો મોહ સૌથી વધારે હતો. એ એને જોઇને ખૂબ જ રાજી થતો અને એની સાથે જુદી જુદી રમતો રમતો.

એકવાર એનું મૃત્યુ નજીક આવી પહોંચ્યું ત્યારે એણે જોયું કે એને લઇ જવા માટે ત્રણ ભયંકર યમદૂતો આવ્યા. એમને દેખીને, ભયભીત બનીને એણે થોડેક દૂર રમતા પોતાના પુત્ર નારાયણનું નામ લીધું. એ સાંભળીને ભગવાનના પાર્ષદો એ ભગવાનનું પરમ મંગલ નામ લે છે એવું સમજીને એની પાસે આવી પહોંચ્યા. યમદૂતો અજામિલના સૂક્ષ્મ શરીરને બહાર કાઢવાની તૈયારી કરતા હતા. એમને એમણે એમ કરતાં અટકાવ્યા. એટલે એમની વચ્ચે સ્વાભાવિક રીતે જ વાદવિવાદ થયો.

અજામિલ તો કુકર્મપરાયણ હતો. એણે અંતકાળે પોતાના પુત્ર નારાયણનું નામ લીધું એટલે એ યમની યાતનામાંથી શી રીતે છૂટી શકે ? યમદૂતોની એ મુખ્ય શંકા હતી. ભગવાનના પાર્ષદોએ શંકાના સમાધાનરૂપે કહ્યું કે અજામિલે અંતકાળ વખતે ગમે તેમ તો પણ ભગવાનનું નામ લીધું હોવાથી એને યમલોકમાં ના લઇ જવાય. એણે જાણ્યે કે અજાણ્યે ભગવાનનું નામ લીધું હોવાથી એ પોતાનું કલ્યાણકર્મ કરશે જ. ભગવાનનું નામસ્મરણ કદાપિ નિષ્ફળ નથી જતું. એ એનો આશ્રય લેનારને પાપમુક્ત કરે છે ને તારે છે. નામસ્મરણમાં એટલી બધી શક્તિ છે. એ શક્તિ બીજાં નાના મોટાં તપો, વ્રતો, અધ્યયનો, તીર્થાટનો તથા દાનોની શક્તિ કરતાં ચઢી જાય છે. જે મને કે કમને, રસપૂર્વક કે રસ વગર, સમજીને કે સમજ્યા સિવાય નામસ્મરણ કે નામસંકીર્તન કરે છે તેનું જીવન પવિત્ર ને ઉજ્જવળ બને છે. નામસ્મરણની મદદથી લેવામાં આવતું ઇશ્વરનું શરણ સર્વપ્રકારે સુખદ અને શ્રેયસ્કર ઠરે છે.

ભગવાનના પાર્ષદોનું એવું સ્પષ્ટીકરણ સાંભળીને યમદૂતોને સંતોષ થયો. એમણે અજામિલના સૂક્ષ્મ શરીરને પોતાની સાથે લઇને જવાનો આગ્રહ છોડી દીધો. એમણે યમદેવની પાસે પહોંચીને સઘળી હકીકત કહી સંભળાવી.

અજામિલે ભગવાનના પાર્ષદો અને યમદૂતોનો વાર્તાલાપ સાંભળ્યો. એથી એને આનંદ થયો. એણે પાર્ષદોને પ્રણામ કર્યા. એ જ વખતે પાર્ષદો અંતર્ધાન થઇ ગયા.

એ અલૌકિક અનુભવ સ્વપ્નાવસ્થામાં થયો કે જાગૃતિમાં તેની સમજ અજામિલને ના પડી. એ વખતે એની બાહ્ય ચેતના લુપ્તપ્રાય થઇ હોવાથી એને પોતાના શરીરનું તથા બાહ્ય સંસારનું સ્મરણ નહોતું રહ્યું. પરંતુ એ અદ્દભુત અનુભવે એની કાયાપલટ કરી દીધી. એ આખોય અનુભવ એને માટે અનોખા આશીર્વાદરૂપ થઇ પડ્યો. એને પોતાનાં કુકર્મોને માટે ખૂબ જ દુઃખ થયું. એ કુકર્મોને માટે એને પાર વિનાનો પશ્ચાતાપ થવા લાગ્યો. એને થયું કે મેં કામવાસનાથી અંધ બનીને મારા આજ સુધીના જીવનને બરબાદ કરી દીધું. ઇશ્વરની સાથે સંબંધ બાંધીને ઇશ્વરની ભક્તિ કરવાને બદલે વિષયોનું જ સેવન કર્યું.

અજામિલ એવી રીતે પશ્ચાતાપ કરવા લાગ્યો. ભગવાનના પાર્ષદોનો થોડોક સમયનો સત્સંગ એને માટે ખૂબ જ કલ્યાણકારક થઇ પડ્યો. સત્સંગમાં એવી અસાધારણ શક્તિ છે. એ જેને પણ સાંપડે છે તેનું જીવન બદલાઇ જાય છે ને સાર્થક થાય છે.

પશ્ચાતાપ કરીને બેસી રહેવું એક વાત છે ને પવિત્ર તથા ઉત્તમ જીવન માટે સંકલ્પ કરીને એવા જીવનમાં પ્રવૃત્ત થવું એ બીજી જ વાત છે. અજામિલ પશ્ચાતાપ કરીને બેસી ના રહ્યો પરંતુ એણે વિશુદ્ધ પરમાત્મપરાયણ જીવન જીવવાનો નિર્ણય કર્યો. પરમાત્માપરાયણ જીવન જીવવા માગનારને માટે કદી મોડું નથી થતું. ભૂતકાળના કટુ અનુભવોમાંથી એ પદાર્થપાઠ શીખી શકે છે. વિષયોની અસારતાને અથવા વિઘાતકતાને વિચારીને વધારે સારી રીતે-વિવેક, વૈરાગ્ય તેમ જ ભગવદ્દભક્તિના પીઠબળથી આગળ વધવાની સોનેરી શક્યતા એને માટે રહેતી હોય છે. જાગ્યા ત્યાંથી સવાર સમજીને જાગેલા જ રહેવાનો અણમોલ અવસર એના જીવનમાં આવે છે. એણે એનો લાભ લેવાનો હોય છે.

અજામિલે ઉત્તમ, પવિત્ર, પરમાત્મપરાયણ જીવન જીવવાનો સંકલ્પ કર્યો, એવા જીવનની યોજના પણ બનાવી દીધી. એના અંતરમાં તીવ્ર વૈરાગ્યનો આવિર્ભાવ થયો. એથી પ્રેરાઇને સઘળા સંબંધોનો વિચ્છેદ કરીને ને મોહમુક્ત બનીને એ હરિદ્વાર તીર્થમાં ચાલ્યો ગયો.

गंगाद्वारमुपेयाय मुक्तसर्वानुबंधनः ।
(અધ્યાય ર, શ્લોક 3૯ નો ઉત્તરાર્ધ)

અને ગંગાના પ્રસન્ન પ્રવાહથી પરમપવિત્ર બનેલા હરિદ્વારના એ ઋષિમુનિસેવિત પુણ્યપ્રદેશમાં પ્રવેશીને એણે શું કર્યું તે જાણો છો ? એને બીજું શું કરવાનું હતું ? જીવનને વધારે ને વધારે પરમાત્માપરાયણ બનાવીને પરમાત્માના સુખદ સાક્ષાત્કારને માટેનો પુરુષાર્થ જ કરવાનો હતો. એ પુરુષાર્થની સિદ્ધિના પ્રયત્નમાં એણે પોતાના મનને પરોવી દીધું, ભાગવતના છઠ્ઠા સ્કંધના બીજા અધ્યાયના ૪0 મા અને ૪૧ મા શ્લોકોમાં એ પુરુષાર્થનો આછોપાતળો પરિચય કરાવતા કહેવામાં આવ્યું છે :

‘એ દેવસ્થાનમાં જઇને એણે યોગમાર્ગનું આલંબન લઇને આસન વાળ્યું અને ઇન્દ્રિયોને વિષયોમાંથી હઠાવીને મનને આત્મામાં જોડી દીધું. પછી આત્માને પણ ધ્યાનના અભ્યાસ દ્વારા ત્રિગુણાત્મિકા પ્રકૃતિના રહ્યા સહ્યા પ્રભાવમાંથી મુક્ત કરીને પરમાત્માના પવિત્રતમ સ્વરૂપમાં જોડી દીધો.’ એ વખતે એને પેલા પાર્ષદોનું ફરી પાછું દર્શન થયું. એણે એમને પ્રણામ કર્યા.

એ અદ્દભુત આત્માનુભવથી એનું જીવન ધન્ય બન્યું. અને કેમ ના બને ? જીવન એવા ઉચ્ચતમ આત્મિક અનુભવને માટે જ છે. એથી જ સાચા અર્થમાં સંપૂર્ણપણે ધન્ય બની શકે છે.

એ પછી એક દિવસ એણે પોતાના પાર્થિવ પંચમહાભૂતાત્મક તનુનો પરિત્યાગ કરી દીધો. એણે ભગવાનના પાર્ષદનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું. સ્વર્ણમય વિમાન પર આરૂઢ થઇને ભગવાનના પાર્ષદો સાથે એણે વૈકુંઠ પ્રતિ પ્રયાણ કર્યું. એની ભાગવતોક્ત જીવનકથા એવી રીતે પૂરી થઇ. એ કથાના ઉત્તરાર્ધ પરથી પ્રતીતિ થાય છે કે અજામિલનો ઉધ્ધાર કેવળ એના પુત્ર નારાયણનું નામ લેવાથી નથી થયો પરંતુ સમસ્ત જીવનને પલટાવી, પવિત્ર ને પરમાત્માપરાયણ બનાવી, હરિદ્વારમાં વસીને શ્રદ્ધાભક્તિપૂર્વક સાધના કરવાથી અને એ સાધનાની સિદ્ધિપ્રાપ્તિથી થયો છે. એ હકીકતને જેટલી પણ યાદ રાખવામાં આવે એટલી લાભકારક છે. એ પ્રત્યે સૌનું વધારે ને વધારે ધ્યાન ખેંચવાની આવશ્યકતા છે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.