if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 હિરણ્યકશિપુના તપને લક્ષમાં લઇને બ્રહ્મા ભૃગુ તથા દક્ષ જેવા પ્રજાપતિઓની સાથે હિરણ્યકશિપુની પાસે પહોંચ્યા.

હિરણ્યકશિપુનું શરીર ઉધઇ, ઘાસ, માટી અને વાંસના વિશાળ વનથી ઢંકાઇ ગયેલું હોવાથી સહેલાઇથી જોઇ ના શકાયું. એ શરીર તદ્દન શુષ્ક ને દુર્બળ બની ગયેલું. બ્રહ્મા એને જોઇને સહેજ આશ્ચર્યચકિત બન્યા ને બોલ્યા:

‘હિરણ્યકશિપુ ! તારું કલ્યાણ થાવ. તારું તપ હવે સફળ થયું છે. હું તને વરદાન આપવા કે સફળ મનોરથ કરવા આવી પહેંચ્યો છું. તારી જે ઇચ્છા હોય તે માગી લે. તારા અદ્દભુત આત્મબળને જોઇ લીધું. ડાંસોએ તારા શરીરને ચટકા ભર્યા છે તો પણ તું તારા તપમાંથી ચલાયમાન નથી થયો. કેવું અદ્દભુત પરાક્રમ ! તારો પ્રાણ ફક્ત હાડપીંજરના આધારે ટકી રહ્યો છે. આવું તપ ભૂતકાળમાં કોઇયે કર્યું નથી ને ભવિષ્યકાળમાં કોઇયે કરી શકશે પણ નહિ. દેવતાંઓના સો વરસો સુધી તેં પાણીનો પણ પરિત્યાગ કરીને તપ કર્યું છે. એથી પ્રસન્ન થઇને હું તારી પાસે આવી પહોંચ્યો છું. મારા દર્શનથી કૃતાર્થ થા. મારું દર્શન દુર્લભ હોવાં છતાં નિષ્ફળ જતું નથી. હું તારી પાસે આવ્યો જ છું તો જે માગવું હોય તે માગી લે. ’

બ્રહ્માએ એટલું બોલીને એના સૂકાયલા શરીર પર પોતાના કમંડલનું દિવ્ય પરમપવિત્ર પાણી છાંટયું. એના સુધામય સંસ્પર્શથી એને જાણે કે નવજીવનની પ્રાપ્તિ થઇ. એનું શરીર નવયૌવનથી સંપન્ન, સુંદર ને સુદૃઢ બની ગયું. ઇન્દ્રિયોમાં નવી શક્તિ અને ચિત્તમાં અવનવી ચેતના છવાઇ ગઇ. એ તરત જ ઊભો થયો. બ્રહ્માના દૈવી દર્શનથી એને અદ્દભુત આનંદ થયો. એણે એમને મસ્તકને પૃથ્વી પર લગાડીને પ્રણામ કર્યા. એના જીવનની, સમસ્ત સાધનાની એ ધન્ય ઘડી છે એવું એને લાગવા માંડ્યું. અને શા માટે ના લાગે ? પ્રત્યેક સાધકને એવો દર્શનાનુભવ મળતાં એવું લાગે જ.

હિરણ્યાકશિપુએ બ્રહ્માની ગદ્દગદ સ્વરે સ્તુતિ કરી. એનું શરીર એ વખતે રોમાંચિત બન્યું અને એનાં લોચનો છલકાઇ ઊઠ્યાં. દૈત્ય હોવાં છતાં એને દિલ તો હતું જ. એ દિલમાં સ્પંદનો કે સંવેદનો પણ હતાં. એનું મન મહોત્સવ કરવા માંડ્યું.

બ્રહ્માની ગદ્દગદ સ્વરે પરમ પ્રેમપૂર્વક પ્રશસ્તિ કર્યા પછી એણે પોતાના મનોવાંછિત વરદાનની માગણી કરતાં કહ્યું: પ્રભુ ! તમે સમસ્ત વરદાતાઓમાં શ્રેષ્ઠ છો. મારી ઉપર કૃપા કરીને મને એવું વરદાન આપો કે મનુષ્ય અથવા પશુ, પ્રાણી અથવા અપ્રાણી, દેવતા, દૈત્ય કે નાગાદિ તમારા પેદા કરેલા કોઇપણ પ્રાણીથી, મારું મૃત્યુ ઘરમાં કે ઘરની બહાર ના થાય, પૃથ્વી પર અથવા આકાશમાં ના થાય, અસ્ત્રથી ના થાય; શસ્ત્રથી ના થાય, તમારા પેદા કરેલા કોઇ જીવથી ને બીજાથી પણ ના થાય. હું સમસ્ત સંસારનો એકછત્ર સમ્રાટ બની જાઉં. સંગ્રામમાં કોઇ મારો સામનો ના કરી શકે. તમારા જેવો જ મહિમા મને પ્રાપ્ત થાય. એ ઉપરાંત તપસ્વીઓ તથા યોગીઓને પ્રાપ્ત થનારા અવિનાશી અનંત ઐશ્વર્યનું મને દાન કરો.

હિરણ્યકશિપુએ માગેલાં વરદાન સાધારણ અથવા અસાધારણ નહોતાં પરંતુ એકદમ અસાધારણ હતાં, તો પણ બ્રહ્માએ એને એ વરદાન આપી દીધાં. એથી હિરણ્યકશિપુની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એણે એમની પૂજા કરી.

હિરણ્યકશિપુનું શરીર સુવર્ણસમાન કાંતિવાળું ને સુંદર થઇ ગયું. એ છતાં એના આસુરી પ્રકૃતિવાળા, રાગદ્વેષથી ભરેલા મનમાં કશું પરિવર્તન ના થયું. પોતાના ભાઇ હિરણ્યાક્ષના મૃત્યુની સ્મૃતિ કરીને એ ભગવાન પ્રત્યે દ્વેષ કરવા લાગ્યો. ઉપાસના, તપશ્ચર્યા કે સાધના સર્વપ્રકારે કલ્યાણકારક છે. એનો આધાર આવશ્યક છે. પરંતુ એ દ્વિવિધ હોય છે. પહેલાં પ્રકારની ઉપાસના, તપશ્ચર્યા કે સાધના શરીરને સૂકવી નાખે છે ને વિભિન્ન વ્રતોનો કે નિયમોનો આધાર લે છે પરંતુ એમાં મનની વિશુદ્ધિ નથી થતી. મનના ભાવો, વિચારો, પૂર્વગ્રહો અને રાગદ્વેષો એવા ને એવા જ અકબંધ રહે છે. બીજા પ્રકારની ઉપાસના, તપશ્ચર્યા કે સાધના મનની શુદ્ધિ સાધવામાં અને ઉદાત્તતાની અભિવૃદ્ધિ કરવામાં ઉપયોગી થાય છે. એનો આશ્રય લેવાથી સાધકનું શરીર જ બદલાય છે એમ નહિ, મન પણ પલટાય છે. આત્મવિકાસની દૃષ્ટિએ એ અધિક કલ્યાણકારક થઇ પડે છે. એવી સાધના શાંતિ આપે છે ને જીવનને સર્વપ્રકારે પવિત્ર, પ્રેમમય, પ્રકાશથી પરિપ્લાવિત અને ઉજ્જવળ બનાવે છે. હિરણ્યકશિપુની તપશ્ચર્યા એવી જીવનને ઉજ્જવળ કરનારી તપશ્ચર્યા ના હોવાથી એના મનમાં જરૂરી ક્રાંતિ ના થઇ. એનું મન એવું જ મલિન રહ્યું.

એણે બ્રહ્માના વરદાન દ્વારા મેળવેલા અસાધારણ સામર્થ્યનો ઉપયોગ કરીને દિશા-પ્રદિશાઓને જીતી લીધી, અને લોકપાલોનાં સ્થાનોને પણ લઇ લીધાં. હવે એ નંદનવન જેવાં અલૌકિક ઉપવનોથી યુક્ત સ્વર્ગમાં જ વસવા લાગ્યો. ઇન્દ્રનું અલૌકિક સૌન્દર્યભવન એનું આવાસસ્થાન બની ગયું. એ સમસ્ત સંસારનો એકછત્ર સમ્રાટ બની ગયો. એનાથી ભયભીત બનેલા દેવદાનવો એને વંદન કરતા ને રાજી રાખતા. એ અહંકારથી ઉન્મત્ત ને મદિરાપાનથી મત્ત રહેતો.

યજ્ઞોની આહુતિને છીનવી લેવામાં એને આનંદ આવતો. એ જે ઇચ્છતો એને અંતરીક્ષમાંથી મેળવી શક્તો. એ વખતે પૃથ્વીમાંથી ખેડ્યા કે વાવ્યા વિના જ અન્ન પેદા થતું. સમુદ્રો એને રત્નોના ભંડારો આપતા. વિભિન્ન પ્રકારના ભોગોપભોગથી પણ એના અંતરાત્માને તૃપ્તિ નહોતી થતી. એ મનનો અને ઇન્દ્રિયોનો દાસ હોવાથી અહર્નિશ અસ્વસ્થ અને અશાંત રહેતો.

લોકપાલો તથા લોકો એના કઠોર શાસનથી ડરી ગયા ને દુઃખી થયા. એમણે બેચેન બનીને ભગવાનનું શરણ લીધું ત્યારે આકાશવાણી થઇ કે દેવતાઓ ! ડરો નહિ. એ દૈત્યની દુષ્ટતાની મને ખબર છે. હું એનો નાશ કરીશ. એને માટે તમારે થોડીક પ્રતીક્ષા કરવી પડશે. એ દૈત્ય પોતાના શાંત, નિર્દોષ, વેરભાવ વિનાના મહાત્મા પુત્ર પ્રહલાદનો દ્વેષ કરશે અને એનું અનિષ્ટ કરવા તૈયાર થશે ત્યારે વરદાનને લીધે ગમે તેટલો શક્તિશાળી થયો હશે તો પણ હું એનો નિમીષમાત્રમાં જ રમતાં રમતાં નાશ કરી નાખીશ.

એ આકાશવાણી સાંભળીને સૌ સ્વાભાવિક રીતે જ પ્રસન્ન થયા. સૌને સાંત્વન મળ્યું.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.