ભાગવતનું આટલું અધ્યયન અને એની પછીનું અધ્યયન કરનારને એવો પ્રશ્ન ઊઠવાનો સંભવ છે કે આ મહાપુરાણમાં મોટે ભાગે રાજા-મહારાજાઓ અને રાજકુળોની જ કથાઓ આવે છે. મોટા મોટા ભક્તો પણ મોટે ભાગે રાજકુળોમાં જ થયા હોય એવો આભાસ ઊઠે છે. એવા રાજકુળોના ભક્તો, ત્યાગીઓ અને જ્ઞાનીઓના જ ઇતિહાસો કે જીવનવૃતાંતો આ મહાગ્રંથમાં છે. મહારાજા પરીક્ષિતથી પ્રારંભીને દ્રવીડદેશના રાજા સત્યકેતુ સુધીના અને એ પછીના બીજા જીવનવૃત્તાંતો તો એ સત્યની સાક્ષી પૂરે છે. તો શું ભાગવત રાજકુળોનો ઇતિહાસ જ છે ? એમાં સામાન્ય માનવો, ભક્તો, તપસ્વીઓ કે જ્ઞાનીઓનાં જીવનચરિત્રોને સ્થાન નથી ?
આપણે કહીશું કે એવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક હોવાં છતાં ઝીણવટથી જોતાં જણાશે કે ભાગવતમાં રાજકુળો સિવાયના બીજા ઇતિહાસો પણ ઘણા છે. સામાન્ય જનતામાંથી થયેલા ભક્તો ને તપસ્વીઓના વિસ્તૃત વૃત્તાંતો પણ એમાં નથી એવું કોણ કહી શકે એમ છે ? શમીક મુનિ અને શુકદેવથી માંડીને આત્મદેવ, ગોકર્ણ, સૂત, શૌનક, દેવર્ષિ નારદ, કર્દમ, કપિલ, અજામિલ, વૃત્રાસુર, દધીચિ ઋષિ, ગજેન્દ્ર, ભગવાન દત્તાત્રેય અને જડભરતનાં ઉદાહરણો એનું સમર્થન કરે છે. રાજકુળો પણ એ જમાનામાં પોતાનું આગવું મહત્વ ધરાવતાં હોવાથી એમની અંદરના અસામાન્ય આત્માઓની ઉપેક્ષા નહોતી કરી શકાય તેમ. એમનો પરિચય કરાવવાનું સ્તુત્ય કાર્ય પણ ભાગવતે કર્યું છે અને એ ઉપરાંત અન્ય અનેક સામાન્ય માનવોમાંથી થયેલા ભક્તોને પણ વર્ણવ્યા છે. એનો એક લાભ એ થયો છે કે એ વખતનાં રાજકુળોમાં પણ કેવા અલૌકિક આત્માઓનો આવિર્ભાવ થતો અને રાજાઓ કે રાજપુત્રો કેવા પવિત્ર ને ઉદાત્ત ભાવનાવાળા, ઉજ્જવળ જીવનવ્યવહારવાળા હતા એનો સુસ્પષ્ટ ખ્યાલ આવે છે. સત્તાનાં સૂત્રો જેમના હાથમાં છે તે કેવા નીતિમાન, સદાચારી, સદ્દબુદ્ધિસંપન્ન, પ્રજાહિતપરાયણ અને આદર્શ હોવા જોઇએ એનું અનુમાન એના પરથી સહેલાઇથી થઇ શકે છે. આપણા રાષ્ટ્રનાયકોએ કે નેતાઓએ એ સમજી લેવાનું છે. એમના જીવનનો. ચિંતનનો ને વ્યવહારનો પ્રભાવ જનસાધારણ પર, સમગ્ર રાષ્ટ્ર કે સમાજ પર પડે છે. એટલે એમણે એ હકીકતને યાદ રાખીને, પોતાની નૈતિક જવાબદારી સમજીને, પોતાના વ્યક્તિગત જીવનને પવિત્ર ને ઉદાત્ત બનાવવાની આવશ્યકતા છે. જેથી એ આદર્શ ઉદાહરણરૂપ બની શકે. પ્રજાની ઉપર એનો પ્રભાવ સામાન્ય રીતે ઘણો સારો પડશે.