રામચરિત્રના વર્ણન પછી ભાગવતમાં ઇક્ષ્વાકુ વંશના બીજા રાજાઓનું, રાજા નિમિના વંશનું, ચંદ્રવંશનું અને એમાં ખાસ કરીને રાજા પુરૂરવાનું અને ઉર્વશીનું વર્ણન શરૂ થાય છે. વિષયાસક્ત પુરુષો કેવા પરાધીન અથવા પામર અને વિષયાસક્ત બને છે ને પીડા પામે છે તેનું ભાન એ વર્ણન પરથી સહેલાઇથી થઇ રહે છે. એ પછી રાજા યયાતિના જીવનપ્રસંગનું વર્ણન આવે છે. એ વર્ણન પણ અનેક રીતે રોચક અને બોધક છે. રાજા યયાતિએ વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ પછી પણ દીર્ઘકાળથી ભોગવેલા વિષયભોગોમાંથી મનને પાછું વાળવાને બદલે ભોગવાસનાથી પ્રેરાઇને પોતાના પુત્ર પૂરૂનું યૌવન લીધું અને એને પોતાની વૃદ્ધાવસ્થા અર્પણ કરી. દેવયાનીની સાથે એ પછી પાછા અનેકવિધ ભોગોને ભોગવ્યા પછી પણ એને તૃપ્તિ ના થઇ ત્યારે વિષયો પરથી વૈરાગ્ય થયો.
यत् पृथिव्यां व्रीहियवं हिरण्यं पशवः स्त्रियः।
न दुह्यंति मनःप्रीतिं पुंसः कामहतस्य ते ॥
न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते ॥
‘આ પૃથ્વીમાં જેટલું પણ ધાન્ય, સુવર્ણ તથા પશુધન ને સ્ત્રીધન છે એ બધું એકઠું થઇને પણ કામનાઓથી મરાયેલા માનવના મનને સંપૂર્ણ સંતોષ નથી આપી શક્તું.’
‘કામવાસનાની શાંતિ વિષયોના સેવનથી કદી પણ નથી થઇ શક્તી. કામવાસના ઘીની આહુતિ આપવાથી અગ્નિની જ્વાળા વધારે બળવાન બને છે તેમ ભોગથી વધારે બળવાન બને છે.’
‘માનવ જ્યારે કોઇની પ્રત્યે અશુભ ભાવના નથી રાખતો અને રાગદ્વેષથી મુક્તિ મેળવીને સમદર્શી બની જાય છે ત્યારે એને માટે સઘળી દિશાઓ, સમસ્ત સંસાર સુખમય બને છે કે કલ્યાણકારક થાય છે.’
યયાતિએ એવું સમજીને પૂરૂનું યૌવન એને પાછું આપ્યું. એને આપેલી પોતાની વૃદ્ધાવસ્થા પાછી લઇ લીધી. એના મનમાંથી વિષયવાસનાનો સંપૂર્ણપણે નાશ થયો. એને પૂરૂને સર્વ પ્રકારે સુયોગ્ય સમજીને સમૃદ્ધ સામ્રાજ્યનો સ્વામી બનાવ્યો ને પોતે વનાગમન કર્યું. વનમાં વસીને એણે નાની મોટી બધી જ મમતાઓ અને આસક્તિઓને તિલાંજલિ આપી. આત્મસાક્ષાત્કારના પરિણામે એનું ત્રિગુણાત્મક લિંગશરીર નાશ પામ્યું. મોટા મોટા પરમાત્મપ્રેમી ભક્તો તથા સંતોને સાંપડનારી પરમભાગવતી ગતિની એણે માયાની મલિનતાથી રહિત ભગવાન વાસુદેવમાં મળીને પ્રાપ્તિ કરી.
*
દેવયાની પણ આત્મોન્નતિની દિશામાં કાંઇ પાછળ પડે તેવી ન હતી. એણે પણ ભગવાનનું શરણ લઇને ભોગમાત્રમાંથી મનને પાછું વાળીને જીવનને સાર્થક કર્યું. શુકદેવજી એની સાર્થકતાને વર્ણવતાં કહી બતાવે છે :
‘દેવયાનીએ પણ ભોગમાત્રને સ્વપ્ન સમાન મિથ્યા માનીને ભગવાન કૃષ્ણમાં મનને પ્રવિષ્ટ તથા લીન કરીને લિંગ શરીરનો ત્યાગ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી.’
ભોગાસક્ત જીવોએ યયાતિના જીવનમાંથી પદાર્થપાઠ શીખવાનો છે ને સમજવાનું છે કે ભોગોની શાંતિ નથી મળી શક્તી. એ ઉપરાંત એ પણ યાદ રાખવાનું છે કે ભોગોની અસારતાને સમજવાથી જ કાંઇ જીવન સફળ નહિ થઇ શકે. સમજનારા તો ઘણા છે છતાં પણ એમને શાંતિ તથા સંતુષ્ટિ નથી થતી. ભોગોની અસારતાને સમજવાની સાથે સાથે એમાંથી મનને પાછું વાળી લેવાનું છે ને ભોગોનો ત્યાગ કરતાં શીખવાનું છે. યયાતિને થયે વરસો વીતી ગયાં છે તો પણ માનવજાતિએ મોટા ભાગે એના સ્વાનુભવપૂર્ણ સંદેશને ઝીલ્યો હોય તેવું નથી લાગતું.