પ્રશ્ન : કર્મ ભલેને ગમે તેટલું ઊંચું અટલે કે આત્મોન્નતિની સાધનાનું કે આત્મવિકાસનું હોય તો પણ તેથી કર્તાપણાનો અહંકાર પેદા ના થાય ?
ઉત્તર : એનો બધો જ આધાર કર્મના કર્તાની ઉપર રહેતો હોય છે.
પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : કર્મ કરનાર અહંભાવનો આધાર લઈને કર્મ કરતો હોય અને આ કાર્ય મારા વિના થઈ શકે તેવું છે જ નહિ, કોઈ બીજું એને કરી શકે તેમજ નથી એવી ભાવનાને સેવતો હોય તો તેથી અહંકાર પેદા થાય છે ને પેદા થયેલો અહંકાર બળવાન બને છે. એ ઉપરાંત, કર્મના પરિણામ રૂપે બીજી કેટલીક બદીઓ પણ પેદા થાય છે. પરંતુ તેની ભાવના જો જુદી હોય છે તો એવો અહંકાર નથી થતો ને જુદીજુદી બદીઓ પણ નથી પેદા થતી.
પ્રશ્ન : એ જુદી ભાવના કેવી હોય છે ?
ઉત્તર : એવી ભાવનાની પાછળ લેશપણ અહંકાર નથી હોતો. એ ભાવનામાં સ્થિતિ કરનારો સાધક સમજે છે કે જે પણ કર્મો થાય છે તે ઈશ્વરની કૃપા, પ્રેરણા તથા શક્તિથી જ થઈ રહ્યા છે. એને માટેનું માર્ગદર્શન ઈશ્વર જ આપી રહ્યા છે. પોતે તો એક વાહન અથવા માધ્યમ છે, ઈશ્વરના હાથમાં હથિયારરૂપ છે. જડ વાંસળી જેમ પોતાની મેળે કશું જ નથી કરી શકતી પરંતુ એના વગાડનારની ઈચ્છા પ્રમાણે એની રુચિ અને શક્તિનું પ્રતિબિંબ પડતા વાગે છે ને વિવિધ સ્વરોને પ્રગટ કરે છે, તેમ એ સમજે છે કે એની અંદર અને બહાર રહીને ઈશ્વરની જે અનંત શક્તિ કામ કરે છે તે જ જુદાં જુદાં કર્મોની સૃષ્ટિ કરવામાં સહાયતા કરે છે. પછી એમાં કર્તાપણાનો અહંકાર રાખવાનો અવકાશ જ ક્યાં રહે છે ?
પ્રશ્ન : જરા પણ નથી રહેતો ?
ઉત્તર : આરંભમાં જે થોડો ઘણો અહંકાર રહે છે તે વિવેક વધતાં અને અનુભવ બળવાન બનતાં કે સહજ થતાં દૂર થાય છે. સાધક તદ્દન નમ્ર થઈ જાય છે. ઈશ્વર બધું કરે-કરાવે છે એવું એ માને છે ને અનુભવે છે.
પ્રશ્ન : એવી માન્યતાથી સામાન્ય માણસને લાભ થાય ખરો ?
ઉત્તર : જરૂર થાય.
પ્રશ્ન : શો લાભ થાય ?
ઉત્તર : જે માણસ એવું માને છે ને સમજે છે કે ઈશ્વરની કૃપા તથા શક્તિ દ્વારા જ બધાં કર્મો થયા કરે છે ને પોતે તો કેવળ હથિયાર કે માધ્યમમાત્ર છે, તે સદાય જાગ્રત રહે છે ને ઉત્તમ પ્રકારનાં કર્મોને કરવાનો જ આગ્રહ રાખે છે. ઈશ્વર કદી કુકર્મ કરવાની પ્રેરણા ના આપી શકે એવું સમજીને એ કુકર્મમાંથી મુક્ત રહે છે. કુકર્મની પ્રેરણાને એ નથી માનતો અને એને તાબે પણ નથી થતો. ઈશ્વર સત્યમય તથા મંગલમય છે એવું માનીને પોતાના જીવનને સત્યપરાયણ કરવા ને મંગલમય બનાવવા એ તૈયાર રહે છે. એ લાભને કાંઈ જેવો તેવો લાભ ના ગણી શકાય.
પ્રશ્ન : કર્મ કરવાનું આવશ્યક છે ?
ઉત્તર : પોતાના ને બીજાના ઉત્કર્ષને માટે કર્મ કરવાનું અત્યંત આવશ્યક છે. ધર્મ અથવા અધ્યાત્મ અને જ્ઞાન, ભક્તિ તથા યોગને નામે આપણે પ્રજાને પ્રમાદી, આળસુ અને અકર્મણ્ય થવાનો ઉપદેશ કે સંદેશ ના આપી શકીએ.
પ્રશ્ન : આત્મવિકાસની ઊંચી અવસ્થાએ પહોંચ્યા પછી પણ કર્મ રહી શકે છે ?
ઉત્તર : એવી અવસ્થા પર પહોંચ્યા પછી કર્મ સ્વાભાવિક થાય છે કે સહજ બની જાય છે. એ કર્મ બીજાના કલ્યાણનું કર્મ હોય છે. એ જગતને માટે ઉપયોગી અને આશીર્વાદરૂપ ઠરે છે.
પ્રશ્ન : કર્મના પરિણામે બીજી કયી બદીઓ પેદા થવાનો સંભવ રહે છે ?
ઉત્તર : અહંતા, મમતા, આસક્તિ, સ્વાર્થવૃત્તિ, અંગત રાગદ્વેષ, પદ-પ્રતિષ્ઠાની લાલસા, ધન તેમજ સત્તાની લાલચ, વિષયોના ઉપભોગની તૃષ્ણા અને એથી પ્રેરાઈને થતો માનવતારહિત અનીતિપૂર્ણ વ્યવહાર.
પ્રશ્ન : દેશની સમૃધ્ધિ ને સુખાકારી માટે કર્મની આવશ્યકતા છે ?
ઉત્તર : કર્મની આવશ્યકતા જરૂર છે પરંતુ આંખ મીંચીને, બુધ્ધિને ગીરે મૂકીને કરવામાં આવતા અહંકારયુક્ત જડ કર્મ કરતાં જાગ્રત, માનવતાપૂર્ણ, વિવેકયુક્ત કર્મની, સત્કર્મની અથવા કર્મયોગની આવશ્યકતા અધિક છે. દેશનું ગૌરવ વધારવા તથા તેને સમૃધ્ધ ને સુખી કરવા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં એવા કર્મયોગીઓની કે સત્કર્મપરાયણ સાચા પુરુષોની ખૂબ જ મોટી આવશ્યકતા છે. એ દિશામાં ઉત્તરોત્તર આગળ વધવાને બદલે આઝાદી પછી આપણે પાછળ પડતા જઈએ છીએ. એ પરિસ્થિતિ દેશને માટે સારી તો નથી જ.