પ્રશ્ન : રૂદ્રાક્ષની માળા બનાવીને કંઠમાં પહેરવી હોય તો સોનાની અંદર બનાવવી કે તાંબામાં ?
ઉત્તર : દોરામાં બનાવવી સૌથી ઉત્તમ છે, છતાં પણ શ્રીંમતાઈને લીધે દોરો ના ગમતો હોય તો સોનામાં કે તાંબામાં બનાવી શકાય છે. પણ એ એટલું મહત્વનું નથી. મહત્વની વાત તો એ છે કે તમારા મન ને હૃદયના તારેતારમાં પ્રભુના નામની માળા પરોવાઈ જવી જોઈએ ને પ્રભુની શરણાગતિ ને તેના નામનો આનંદ તમારા જીવનમાં ફરી વળવો જોઈએ. સૌથી વધુ ધ્યાન આ વસ્તુ સાધ્ય કરવા તરફ આપવું જોઈએ. જીવનની સફળતા તેથી જ થાય છે.
પ્રશ્ન : પણ માળા પહેરવી હોય તો વાંધો છે ? તે કેવી રીતે પહેરવી ?
ઉત્તર : માળા પહેરવામાં વાંધો કાંઈ જ નથી. માણસો નકામા ઘરેણાં પહેરે છે, તેના કરતાં તો માળા સૌથી મોટું ઘરેણું છે. તે શરીરનો શણગાર છે. કેમ કે પ્રભુના સ્મરણનું તે પ્રતિક છે. પણ તે એવી રીતે પહેરવી જોઈએ કે પ્રભુ વિના તેને કોઈ દેખે નહીં. મારા કહેવાનો આશય તમો સમજ્યા હશો. અત્યારે ઘણા લોકો પોતાને ભક્ત બતાવવા માળા રાખે છે કે લોકો જુએ તેમ કપડાં પર પહેરે છે, ને કામ કાળાં કરે છે. આ ઠીક નથી. માળા કપડાંની છેક અંદર રાખવી જોઈએ. ન છૂટકે તેનું પ્રદર્શન થાય તે વાત જુદી છે, પરંતુ લોકોની વાહવાહ મેળવવા તેનો ઉપયોગ થવો જોઈએ નહીં.
તમે પ્રભુને યાદ કરો છો, પ્રભુના ભક્ત છો, તે જ્યાં ત્યાં જાહેર કરવાની જરૂર નથી. ભક્તિ ખૂબ પવિત્ર વસ્તુ છે, ને તેથી તે ગુપ્તપણે થવી જોઈએ. નહિ તો તેમાં રાજસી ને છેવટે તામસીપણું આવવાનો સંભવ ખૂબ રહે છે.
----
પ્રશ્ન : પાકનો નાશ કરનારાં તીડ, ઉંદર, વાંદરા વિગેરેને મારવાં કે નહીં ? માત્ર કરડવા આવે તો તેને મારવો, કરડવા દેવો ?
ઉત્તર : બંને પ્રશ્નો એકી સાથે જ લઉં છું. ત્રણ વસ્તુનો વિચાર કરવાનો છે. એમાં બે શક્યતાઓ ને છેલ્લે ત્રીજો નિર્ણય છે. તીડ ને વાંદરાથી પાકને જે નુકશાન થાય છે તે સહન કરવા તૈયાર છો ? અથવા તો સાપ કરડે તેથી જે પરિણામ નીપજે તે ભોગવવા તૈયાર છો ? અથવા તો તે બધાનું હૃદયપરિવર્તન કરી તેમની હિંસકવૃત્તિને પરાજીત કરવાની શક્તિ છે ? આમાંથી કોઈ પણ વસ્તુની હા હોય તો તેમને મારવાની જરૂર નથી. પણ જો ના હોય તો તમારે તેમની હિંસા કરવી જ રહી, તે એક ફરજ બને છે. અલબત્ત, તેવી હિંસા રક્ષા માટે જ છે એ ભૂલવાનું નથી, અને હિંસા વિના તમે તેમનાથી છૂટકારો મેળવી શકતા હો તો મેળવવા પ્રયાસ કરવાનો છે. બાકી તમારી હિંસા-અહિંસાની ફિલસૂફી રક્ષા માટે યુદ્ધની ફરજ સ્વીકારે છે, તે ફિલસૂફી રક્ષા માટે હિંસાનો સિદ્ધાંત પણ સ્વીકારી જ ચૂકી છે. ને દુનિયા જ્યાં લગી સ્થિતપ્રજ્ઞ દશા કે મહાત્મા પદે પહોંચી નથી ત્યાં લગી તે સિદ્ધાંત કાયમ જ રહેવાનો છે.