હિમાલયમાં કેટલીકવાર સાંજનો સમય ઘણો જ સુંદર લાગે છે. આકાશના ગુલાબી રંગો પર્વતીય પ્રદેશમાં ઘણા ઓછા દેખાય છે, છતાં કેટલીક વાર તેમને જોતાં તૃપ્તિ થતી નથી. એવી એક સાંજે અમે આશ્રમની બહાર બેઠાં હતાં. એટલામાં એક સંન્યાસી મહારાજ આવી પહોંચ્યા.
તેમણે મને પુછ્યું : ‘તમે અહીં કેટલા વખતથી રહો છો ?’
મેં કહ્યું : ‘ચારેક વર્ષથી.’
તે કહે : ‘ઘણી સારી વાત છે. સ્થાન પણ સારું છે. પણ તમે હજી બ્રહ્મ તો નથી થયા ને ?’
મેં પુછ્યું : ‘બ્રહ્મ થવું એટલે શું ?’
‘મારી જેમ ભગવાં કપડાં ધારણ કરો એટલે સીધા બ્રહ્મ થઈ જવાય.’ તેમણે જવાબ આપ્યો; ‘મને તો મારા ગુરૂએ ભગવું પહેરાવ્યું ને દીક્ષા આપી, ત્યારથી હું બ્રહ્મ થઈ ગયો. હવે આમતેમ આનંદથી ફર્યા કરું છું.’
મેં કહ્યું : ‘જો એમ જ હોય તો બ્રહ્મ થવાનું કામ ઘણું સહેલું છે. ગુરૂ તો બધે મળી રહે છે, ને દીક્ષા આપીને કાન ફુંકનારા ગુરૂ પણ સહેલાઇથી મળી રહે છે. બ્રહ્મની પ્રાપ્તિ માટે ને બ્રહ્મમય થવા માટે ઋષિમુનિને આકરાં તપ કરવાં પડ્યાં હતાં. એટલે બ્રહ્મ થવાનું કામ આમ બોલી જવા જેટલું સહેલું નથી. કોઈપણ પ્રકારના સાધન યા પરિશ્રમ વગર એમ સહેલાઈથી બ્રહ્મમય થવું અશક્ય છે.’
‘પણ તમે ભગવું પહેરી જુઓ તો ખરા કે બ્રહ્મમય થવાય છે કે નહીં ?’ તેમણે ચાલુ રાખ્યું.
મેં કહ્યું : ‘ના, મારે ભગવાંની જરૂર નથી. એનો મોહ પણ નથી. બધાએ પહેરવું જ જોઈએ એમ પણ હું માનતો નથી. ભગવું તો એક નિશાની છે. તેનો રંગ અગ્નિ જેવો છે. જેમ અગ્નિ પોતાની અંદર હોમાતી વસ્તુઓને બાળી નાખે છે, તેમ ભગવું પહેરનાર માણસે પોતાની કામના અને વાસના, અહંવૃત્તિ તથા મમતાને, જ્ઞાનના અગ્નિથી બાળી દીધી છે એમ જાણી શકાય છે. પણ બધાએ એનો આશ્રય લેવો જ જોઈએ એવો દુરાગ્રહ નકામો છે. જે બ્રહ્મમય થાય છે એ તો બીજા બધા પ્રત્યે સમતા ને સહાનુભૂતિ રાખે છે, સૌમાં પરમાત્માનું દર્શન કરે છે, ને નમ્રતા ધારણ કરે છે. તમે તો નમ્રતા ને સહાનુભૂતિ ધારણ કરવાને બદલે કટ્ટર બન્યા છો. એટલે તમે બ્રહ્મમાં નહીં, ભ્રમમાં રમો છો. હજી જીવન બાકી છે ત્યાં સુધી ચેતી જશો ને સૌને ભગવાં પહેરાવીને બ્રહ્મમય બનાવવાની ભ્રમણા દુર કરશો, તો પરમાત્માની કૃપાથી ખરેખર બ્રહ્મમય બની શકશો. બાકી હાલની દશા જોતાં તો તમારું ભાવિ નબળું છે.’
- શ્રી યોગેશ્વરજી