એક માણસે એક મહાન સંતની સારી પેઠે સેવા કરી, તેથી સંતપુરૂષ પ્રસન્ન થયા. સેવાના બદલામાં તેમણે કોઈ વરદાન માગવા કહ્યું. સેવકે કહ્યું, ‘તમે પ્રસન્ન થયા હો તો મને મૃત્યુનું જ્ઞાન થઈ જાય એવો આશીર્વાદ આપો.’
સંતપુરૂષે કહ્યું : ‘અરે, તેં આવું શું માગ્યું ? તું ધારે તો હું તને તું છે તેથી પણ વધારે વૈભવી ને સુખી બનાવી શકું તેમ છું, કાંઈક બીજું માગ. મૃત્યુના જ્ઞાનને મેળવવાથી શું વળશે ?’
સેવકને થયું કે મહાપુરૂષ આનાકાની કરે છે. માટે મૃત્યુના જ્ઞાનમાં જરૂર કાંઈક રહસ્ય હોવું જોઈએ, એટલે તેણે દૃઢતાથી કહ્યું : ‘તમારી કૃપાથી હું સુખી તો છું જ. મૃત્યુના જ્ઞાનની જ મારામાં ઉણપ છે, તેથી તે જ્ઞાન મને આપો.’
સંતપુરૂષે તેને સમજાવ્યો : ‘મૃત્યુની માહિતીમાં મજા નથી.’ પણ તેણે માન્યું જ નહીં. ત્યારે તેમણે કહ્યું : ‘જા, આજથી તને તારા મૃત્યુનું જ્ઞાન થઈ જશે.’
તેમના વચન પ્રમાણે તેને પોતાના મૃત્યુની માહિતી મળી ગઈ, પણ તેથી એ ધ્રુજી ઉઠ્યો. તેનું મૃત્યુ અઠવાડીયામાં જ થવાનું હતું. એ રડવા માંડ્યો. જે આનંદથી તે જીવન જીવતો હતો, તે આનંદ દુર થઈ ગયો. ખાવાનું, ફરવાનું, સુવાનું, બધું તેને માટે અકારું થઈ પડ્યું. અત્યારથી જ મરી જવા જેવી તેની દશા થઈ ગઈ. બીજે જ દિવસે તે સંત પાસે ગયો, ને તેમના ચરણોમાં ઢળી પડ્યો. કારણ પૂછતાં તેણે કહ્યું : ‘મૃત્યુનું જ્ઞાન થયું ત્યારથી જ મારા હોશકોશ ઉડી ગયા છે.’
સંતપુરૂષે કહ્યું : ‘મેં તને પહેલાં જ કહ્યું હતું. બોલ હવે શું કરું ?’
સેવકે કહ્યું : ‘હવે તો એવી કૃપા કરી દો કે મૃત્યુનું મળેલું જ્ઞાન હું સંપૂર્ણપણે ભુલી જાઉં. મૃત્યુ તો આવશે જ, પરંતુ વચ્ચેના વખતમાં તો હું શાંતિપૂર્વક જીવી શકું.’
સંતપુરુષે દયા કરી તેને ફરી આશીર્વાદ આપી તેનું દુઃખ દુર કર્યું.
આની સામે પરીક્ષિતની વાત મુકી શકાય તેમ છે.
શમીક ઋષિના ગળે તે મરેલા સાપને વીંટાળી જંગલમાંથી પાછો ફર્યો ત્યારે ઋષિના પુત્રે તેને શાપ આપ્યો : ‘આજથી સાતમે દિવસે તક્ષક નાગના કરડવાથી તારું મૃત્યુ થશે.’ એ જાણીને પરીક્ષિતને શોક થયો. પણ તે સમજુ હતો, એટલે એ જ્ઞાનનો તેણે પોતાના હિત માટે ઉપયોગ કર્યો. શુકદેવ પાસેથી સાત દિવસ સુધી ભગવાનના ગુણગાન સાંભળી તેણે શાંતિ મેળવી.
છતાં એવા પ્રસંગ તો અપવાદરૂપે જ બનવાના. વધારે ભાગે તો મૃત્યુના જ્ઞાનથી માણસ મુંઝાઈ જવાનો, તથા તે જ્ઞાન પર પડદો નાખી પ્રભુએ ઠીક જ કર્યું છે ને જેને કલ્યાણ કરવું છે તે તો મૃત્યુના ચોક્કસ જ્ઞાન વિનાયે કરી શકે છે. મૃત્યુ આવવાનું છે, એ તો બધા જાણે છે, એટલે એ જ્ઞાનનો ઉપયોગ માણસ જીવનના મંગલ સારુ કરી શકે છે. આ સંસારમાંથી સૌએ વહેલું કે મોડું વિદાય થવાનું જ છે, એ વાત યાદ રાખીને માણસ આજથી જ પોતાના હિતસાધનમાં લાગી શકે છે. આ જીવન આપણા પહેલાંના જીવનનાં કર્મોનું ફળ છે. અનંત જન્મોથી આપણે કર્મો કર્યા કરીએ છીએ. એ કર્મોના સારા-નરસાં ફળને પણ ભોગવીએ છીએ. આ ચક્ર ચાલ્યા જ કરે છે. પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી જ આ ચક્રનો અંત આવી શકશે.
- શ્રી યોગેશ્વરજી