ઈ. સ. ૧૯૪૭ દરમ્યાન કલકત્તામાં જે રમખાણ થયું તે વખતે એક પ્રસંગ બનેલો. લુંટફાટ, ખુન અને અત્યાચાર કરનારી એક ત્રિપુટીએ એક ઘરમાં હથિયાર સાથે પ્રવેશ કર્યો. ઘરમાં પેસી એ ત્રણે ગુંડાઓએ ઘરના મોટા માણસોને મારી નાખ્યા. પછી ઘરમાં બેબાકળી બની ગયેલી યુવાન કન્યા પર બળાત્કાર કરવાનો વિચાર કર્યો. પરંતુ કન્યા યુવાન, સુંદર ને ભણેલી હતી. તેનું શિયળ લુંટાવાનો વખત પાસે હતો. જે પવિત્ર સ્ત્રીને પોતાના શિયળની કીમત છે તે તો શિયળનો ભંગ થતાં પહેલાં જ મરવાનું પસંદ કરે. પણ ભુખ્યા વરુ જેવા ગુંડાઓ સામે મરવા માટે કોઇ સાધન ન હતું.
પણ એથી કાંઈ હિંમત હારી જવાય ? કન્યાને ભગવાન પર શ્રદ્ધા હતી. ભગવાને દ્રૌપદીની લાજ રાખી તે વાતની તેને ખબર હતી. તેણે ખુબ વ્યાકુળ થઈ પ્રભુની પ્રાર્થના કરી. આંખમાં આંસુ સાથે તેણે પોકાર કરવા માંડ્યા. 'શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ.' શરીરે કંપ ને રોમાંચ, આંખમાં આંસુ ને અંતરમાં આક્રંદ.
તે બહેનની દશાનો તમે વિચાર કરી લેજો. તેનું દિલ કેટલું કંપતું હશે ? શિયળની રક્ષાને જે મહત્વની માને છે તે બેનો, તે બેનની દશાનો ખ્યાલ સહેલાઈથી કરી શકશે. પણ પ્રભુ બહુ દયાળુ છે. તે યુવાન કન્યાની કાકલુદીભરી અરજ સાંભળીને તેની મદદ માટે દોડી આવ્યા, અને આખો પ્રસંગ પલટાઈ ગયો. તે ત્રણે ગુંડાઓ કન્યાને જોઈને નાચવા લાગ્યા ને કન્યા પર પહેલો બળાત્કાર કોણ કરે તે માટે વિવાદમાં પડ્યા. ત્રણે વચ્ચે વિવાદ વધી પડ્યો ને પછી તો તેને પરીણામે તકરાર થઈ પડતાં એક ગુંડાએ બીજાનું ખુન કર્યું. એ જોઈ ત્રીજો ગુંડો ઉશ્કેરાઈ ગયો. ગુસ્સામાં આવી તેણે પોતાની સાથે લડતાં ગુંડાનું ખુન કરી નાંખ્યું. ઉશ્કેરાટમાં આવેલો તે ગુંડો, કન્યાને ભુલી ગયો હોય તેમ બારણાં ખુલ્લાં મુકી નાસી ગયો.
આ વખતે પેલી પવિત્ર પ્રભુપરાયણ કન્યાને કેટલો બધો આનંદ થયો હશે, ને તેણે ઈશ્વરનો કેટલો ઉપકાર માન્યો હશે, તેનો વિચાર તો કરો ! કુટુંબના જે માણસોને મારી નાખ્યા હતા તે તો હવે ક્યાંથી છૂટી શકે ? પણ જેમને બાંધ્યા હતા તેમને છુટા કર્યા. ને તેમની સાથે પોતે સલામત સ્થાનમાં નાસી છુટી. દ્રૌપદીના ઉદાહરણની યાદ આપનારો આ પ્રસંગ કેટલો બધો પ્રેરક છે ?
કલકત્તાની એ વીર કન્યાનું ઉદાહરણ શ્રદ્ધાભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. વીર કન્યાએ દુઃખમાંથી છુટવા ભગવાનને દ્વારે પોકાર પાડ્યો, તો ભગવાને તે સાંભળ્યો ને કન્યાનું દુઃખ દુર થયું. આપણે પણ કોઈવાર મુસીબતમાં પડીએ છીએ, ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ, ને પ્રાર્થના કરીએ છીએ. તો ભગવાન તે જરૂર સાંભળે છે અને આપણને મદદ કરે છે. કોઈક વાર તો ઉગરવાની આશા પણ ન હોય, મદદ માટેની બારીઓ બધી બાજુથી બંધ થઈ ગઈ હોય, અને અંતરમાં ઊંડી નિરાશા છવાઈ ગઈ હોય, ત્યારે થયેલી પ્રાર્થના જરૂર ફળે છે, ને અણધારી મદદ મળી રહે છે. પરીણામે મુસીબત દુર થઈ નિરાશા મટી જાય છે. સાચા દિલના પોકારથી આટલો બધો લાભ મળે છે, ત્યારે ઈશ્વરને રોજ પુકારવાથી ને રોજરોજ યાદ કરવાથી કેટલો બધો લાભ થતો હશે ? પ્રભુને કાયમને માટે ભજનારા ભક્તોની મદદ માટે પ્રભુ કેટલા જલદી ને વિરાટ પ્રમાણમાં તત્પર રહેતા હશે ? માટે પ્રભુને રોજરોજ યાદ કરો. પ્રેમથી યાદ કરો. દરેક દશામાં યાદ કરો.
- શ્રી યોગેશ્વરજી