ઈ. સ. ૧૯૪૪માં બદરી, કેદાર, ગંગોત્રી ને જમનોત્રીની યાત્રા કરી અમે ઋષિકેશ આવ્યાં. ત્યાં આવ્યા પછી માતાજીને મરડો થયો. ઝાડામાં લોહી પણ પડવા માંડ્યું, તેથી થોડા વખતમાં તેમની નબળાઈ ઘણી વધી ગઈ. અમારી સાથેના મનુભાઈને કોલેરા લાગુ પડ્યો. કોઈ કામ માટે તે દહેરાદુન ગયા, ને પછી ત્યાં જ બિમારીમાં પટકાઈ પડ્યા. માતાજીની દશા ઘણી ગંભીર થઈ ગઈ, પણ પ્રભુએ કૃપા કરી. લગભગ એકાદ માસની ભંયકર બીમારી પછી, એક રાતે એમને ભગવાન રામના તેજોમય સ્વરૂપનું દર્શન થયું. ને તે દિવસથી તેમને આરામ થવા માંડ્યો. જરાક ભોજન લેવાનું પણ શરૂ થયું.
પછી તો એક દિવસ એમને જલેબી ખાવાની ઈચ્છા થઈ. પરંતુ લાચારી હતી. સાધારણ ભોજન કરવા જેટલા પૈસાની જ કમી હતી, ત્યાં વળી જલેબી લાવવાના પૈસા ક્યાંથી કાઢવા ? માતાજીને મેં મારી તકલીફ જણાવી. તે સમજી ગયાં.
તે જ દિવસે લગભગ અગિયારેક વાગ્યાના સુમારે અમે રહેતા હતા તે ધર્મશાળામાં એક બાઈ આવી પહોંચી. ધર્મશાળામાં ફરતાં ફરતાં તે મારી ઓરડી પાસે આવી પહોંચી. ઓરડીની અંદર આવીને એણે મારી સામે થાળી ધરી, ને તેમાંનું ભોજન લઈ લેવાનું કહ્યું. મને ખુબ આશ્ચર્ય થયું. બાઈ ઘણી સ્વરૂપવાન હતી. તેણે સુંદર વસ્ત્રો પહેર્યા હતાં. એની આકૃતિ પરથી એ કોઈ મારવાડી બાઈ હોય એમ લાગતું હતું. મેં એનું ભોજન લેવાની પહેલાં તો ઘણી આનાકાની કરી, પણ એનો આગ્રહ જોઈને છેવટે તે લઈ લીધું. તેણે કહ્યું : ‘બદરીનાથની યાત્રા કરી હજી આજે સવારે આવીને આ ધર્મશાળામાં ઉતરી છું. મેનેજર પાસેથી તમારી ભાળ મેળવીને તમને ભોજન આપવા આવી છું.’
એના ગયા પછી મેં એનો આણેલો થાળ જોયો તો મને ખુબ નવાઈ લાગી. બાઈએ અમારે માટે ગરમ પુરી, શાક ને જલેબી આણી હતી. જલેબી જોઈ માતાજીને પણ આનંદ થયો. પ્રભુની કૃપા-તેની લીલા વગર આમાં બીજું શું હોઈ શકે એમ માનીને અમે સમાધાન કર્યું.
આખો દિવસે એ બાઈની રાહ જોઈ પણ થાળી લેવા એ આવી જ નહિ. મેનેજરને જઈને પુછ્યું તો તેમણે કહ્યું : ‘તમે કયી બાઈની વાત કરો છો ? ધર્મશાળા તો અઠવાડિયાથી ખાલી છે. કોઈ બાઈ કે ભાઈ અહીં આવ્યું જ નથી.’
હવે મને ખાતરી થઈ કે પરમકૃપાળુ પરમાત્માએ જ અમારી ભાવના પુરી કરવા, એ બાઈનું સ્વરૂપ ધારણ કર્યું હતું. હૃદય ગદગદ્ બની ગયું. છેવટે એ થાળી અમે ધર્મશાળા છોડી ત્યારે મેનેજરને સોંપી.
ઈશ્વરની કૃપાના પ્રસંગો સાધકોના જીવનમાં એ રીતે વધારે કે ઓછા પ્રમાણમાં બન્યા જ કરે છે.
એક ભક્ત પુરષની વાત છે. તે ખુબ મુંઝાતા. આજીવિકાનું કોઈ સાધન તેમની પાસે નહોતું. તેમના પુત્રની પાસે ધન ઘણું હતું, પરંતુ તે તેમની સાથે બોલતો પણ નહિ. મને મળતા ત્યારે તે પોતાની મુંઝવણ રજુ કરતા. હું કહેતો : ‘ભગવાનનું નામ લો. ભગવાનને પ્રેમથી યાદ કરો ને પ્રાર્થો. પોતાના સાચા કે ખોટા ભક્તની રક્ષા કરવાની પ્રતિજ્ઞા તે જરૂર પાળશે.’
છેવટે તે ભક્તની ઈચ્છા પુરી થઈ. તેમની ઈચ્છા પ્રમાણે બાજુના જ ગામમાં તેમને કોઈ મંદિરની પૂજાનું કામ મળ્યું. ગામના લોકો સત્સંગી હતા. તે તેમની પાસે બેસવા માંડ્યા, ને તેમની કથાનો આનંદ લેવા લાગ્યા. અન્ન, વસ્ત્ર ને ધન કશાની કમી ન રહી.
તમે તમારું કામ કરો, પ્રભુસ્મરણ કરો. આગળનું કામ પ્રભુ પોતે સંભાળી લેશે. તે તમને બધી રીતે મદદ કરશે.
- શ્રી યોગેશ્વરજી