પોતાના ભક્તોની જવાબદારી ભગવાન કેવી રીતે ઉપાડી લે છે - જુદેજુદે વખતે જુદીજુદી લીલા કરે છે, ને પોતાના ભક્તોની સંભાળ રાખે છે. મદદ માટે તે સદા તૈયાર રહે છે.
સ્વામી વિવેકાનંદના જીવનનો એક પ્રસંગ છે. પરદેશ જતાં પહેલાં તેમણે ભારતનો પ્રવાસ કર્યો હતો. એક વાર તે મધ્ય ભારતના કોઈ પ્રદેશમાં ફરી રહ્યા હતા. રેલમાં મુસાફરી કરીને છેવટે તે કોઈ સ્ટેશને ઊતર્યા. છેલ્લા ત્રણ દિવસથી ખાવાનું મળેલું નહીં, તેથી તેમનું શરીર અશક્ત થઈ ગયું હતું. બપોરનો વખત હતો. તાપ સખત હતો, એટલે સ્ટેશનની બહાર જઈ કોઈ ઝાડની છાંયામાં કપડું પાથરી તે સુઈ ગયા. ભુખ અને થાકને લીધે તેમને થોડીવારમાં જ ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. જીવનનાં પાછલાં વરસોમાં વેદાંતકેસરી બનીને પરદેશમાં જેણે પુષ્કળ પ્રસિદ્ધિ મેળવી તે મહાન પુરૂષની દશા તો જુઓ. કષ્ટને લીધે તે ઉંઘી રહ્યા છે !
થોડો વખત વીતી ગયો ત્યાં તો કોઈ માણસ સ્ટેશન પાસે આવી બધે જોવા માંડ્યો. તેના હાથમાં મોટા થાળ હતો. તેના પર કપડું ઢાંકેલું હતું. બધે જોઈને છેવટે તે સ્વામીજી પાસે આવી પહોંચ્યો ને તેમને જગાડવા માંડ્યો. સ્વામીજી જાગી ઉઠ્યા. આ અજાણ્યા પુરૂષને જોઈ એમને અચંબો થયો. તે પુરૂષને પોતાની પાસે બેસાડીને બધી વાત પુછી. પેલા પુરુષે પોતાનો થાળ સ્વામીજી આગળ ધર્યો ને તેમને ભોજન લેવા કહ્યું.
સ્વામીજીએ કહ્યું : ‘ભાઈ, તમે ભુલ્યા લાગો છો. હું તો તમને ઓળખતો પણ નથી. કોઈ બીજાને બદલે આ ભોજન તમે મને આપવા આવ્યા હો એમ લાગે છે.’
પેલા પુરુષે કહ્યું : ‘ના, હું ભુલ્યો નથી. આ ભોજન તમારે માટે જ છે, માટે તમે તેને આનંદથી આરોગો.’
છતાં સ્વામીજીની મુંઝવણ ટળી નહીં, એટલે પેલા પુરુષે પોતાની કહાણી શરૂ કરતાં કહેવા માંડ્યું : ‘જુઓ, આજે બપોરે ભોજન કરીને, મારી મીઠાઈની દુકાનમાં હું સુતો હતો. થોડીવારમાં મને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એક મહાપુરુષે મને દર્શન આપ્યું, ને આજ્ઞા કરી કે મારો ભક્ત ત્રણ દિવસથી ભુખ્યો છે. તે સ્ટેશન પાસે એક ઝાડની છાયામાં સુઈ રહ્યો છે. તેને માટે તું થોડી મીઠાઈ તથા તાજી પુરી બનાવીને લઈ જા.’ સ્વપ્ન પુરૂં થયું ને ઊંઘ ઉડી ગઈ, પણ સ્વપ્નના પ્રસંગમાં મને વિશ્વાસ આવ્યો નહીં. ઊંઘ કાચી હતી એટલે હું ફરી ઊંઘી ગયો. પણ ઊંઘમાં પાછો એનો એ પ્રસંગ ઉભો થયો ને તે મહાપુરુષે મને ભોજન તૈયાર કરીને અહીં લાવવાની સુચના કરી.
ત્રીજીવાર પણ એ જ પ્રસંગ બન્યો. છેવટે સ્વપ્નની વાતને સાચી માની મેં ગરમ પુરી-શાક બનાવ્યા ને મીઠાઈનો થાળ તૈયાર કર્યો. સ્ટેશને આવી મેં આજુબાજુ બધે જોયું. પરંતુ તમારા વગર ઝાડ નીચે સુતેલા કોઈ મહાત્મા દેખાયા નહીં. તેથી સ્વપ્નમાં જેમના વિષે કહેવામાં આવ્યું છે, તે પુરૂષ તમે જ છો એમ માનીને હું તમારી પાસે આવ્યો છું. વખત ઘણો થઈ ગયો છે, ને તમે ભુખ્યા છો માટે આ ભોજન જમી લો.
વિવેકાનંદની આંખ ભીની થઈ ગઈ. ઈશ્વરની મહાન કરૂણા ને પોતાના ગુરૂની કૃપાનો તેમને ખ્યાલ આવ્યો. તેમણે લાગણીવશ સ્વરે કહ્યું : ‘તે મહાપુરૂષ કેવા હતા તે જરા કહી બતાવશો ?’
મીઠાઈવાળાએ સ્વપ્નમાં જોયેલા મહાપુરૂષનું વર્ણન કરી બતાવ્યું. એ સાંભળીને વિવેકાનંદે પોતાની પાસે પોતાના ગુરૂ રામકૃષ્ણ પરમહંસનો ફોટો હતો તે કાઢી બતાવ્યો. મીઠાઈવાળો એ જોઈને આનંદમાં આવી ગયો, ને કહેવા માંડ્યો : ‘આ મહાપુરૂષ હતા. આ મહાપુરુષે જ મને આજ્ઞા આપી હતી.’
લાગણીના ઉભરાને આંખ ને અંતરમાં દબાવી દઈ વિવેકાનંદજીએ તે પછી ભોજન શરૂ કર્યું. એમના આનંદનો પાર ન હતો.
આવા પ્રસંગો સાધારણ માણસના જીવનમાં પણ બને છે, ને તેથી તેના હૃદયમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ને વિશ્વાસ વધે છે. પોતાનું અનન્યભાવે સ્મરણ કરનાર ભક્તોની સંભાળ રાખવા ઈશ્વર સદા તૈયાર રહે છે. પોતાના પ્રેમી ભક્તોના જીવનની જરૂરિયાતો પુરી પાડવાનું તેમનું વ્રત છે. આવા પ્રસંગો પરથી એ વાત સરસ રીતે સમજી શકાય છે. જીવનમાં જરૂરી શ્રદ્ધાભક્તિ પેદા કરીને આનો અનુભવ પણ કરી શકાય છે.
- શ્રી યોગેશ્વરજી