હિમાલયમાં ઋષિકેશનું સ્થાન ઘણું સુંદર છે. હવે તો ત્યાં વસતી વધતી જાય છે, તો પણ ત્યાંની સુંદરતા એવી જ અદભુત છે. એક ધ્યાનપાત્ર વસ્તુ એ છે કે ત્યાં દાતણ વેચાતાં મળતાં નથી. લોકો એક યા બીજી રીતે દાતણનો પ્રશ્ન પતાવી દે છે. અમે કેટલીક વાર હરદ્વારથી દાતણ મંગાવતા, તો કેટલીક વાર ઋષિકેશમાં ચંદ્રભાગાના તટ પર ઉગેલી પરાંસીયોને દાતણ તરીકે વાપરતા. અમે ઋષિકેશના ભરત મંદિરની ધર્મશાળામાં રહેતા. અમારા મકાનની લગભગ સામે જ બાવળનું ઝાડ હતું. કોઈ વાર વિદ્યાર્થીઓ તેના પર ચડતા ને દાતણ કાપતા. કોઈ જાણીતા ને સારા વિદ્યાર્થી હોય તો અમને ચાર-પાંચ દાતણ આપતા; નહિ તો દાતણ કાપનાર દાતણ કાપીને ચાલ્યા જાય પછી માતાજી ઝાડ નીચે જઈ કોઈ દાતણ પડી રહ્યું હોય તો લઈ આવતાં.
એક સાંજે એક નાનો વિદ્યાર્થી બાવળ પર ચઢ્યો. માતાજી બહાર ગંગા તરફ જવા તૈયાર થયેલાં. તેમણે એ વિદ્યાર્થીને જોયો. વિદ્યાર્થી ઝાડ પર ખુબ ઉંચે ચઢ્યો હતો. દાતણની ડાળી કાપીને એ ધરતી પર નાખતો'તો. એક બીજો વિદ્યાર્થી પણ ઝાડ નીચે ઉભો હતો. માતાજીએ પેલા ઝાડ પરના વિદ્યાર્થીને પુછ્યું : ‘ત્રણ-ચાર દાતણ લઉં ?’ વિદ્યાર્થીએ કહ્યું : ‘જરૂર લો.’
માતાજીએ થોડાં દાતણ લીધાં. પેલો વિદ્યાર્થી તો ડાળી તોડીતોડીને જમીન પર નાખ્યે જ જતો હતો. માતાજી થોડાં દાતણ લઈને ઉભાં રહ્યાં એટલે એણે પાછું કહ્યું : ‘કેમ, લઈ લીધાં ? જેટલા જોઈએ એટલાં દાતણ લઈ લો.’
માતાજીએ કહ્યું : ‘પછી તારા માટે શું રહેશે ? તું તો મહેનત કરે છે !’
નાના બાળકે એક મોટા ને ડાહ્યા માણસને છાજે તેવી રીતે જવાબ આપ્યો : ‘મારે દાતણની ચિંતા જ નથી. હું તો ઝાડ પર ચઢ્યો છું એટલે જરૂર જેટલાં દાતણ કાપી લઈશ, માટે તમે તમારે જોઈએ એટલા દાતણ લો.’
તે પછી માતાજીએ થોડાંક વધારે દાતણ લીધાં. દાતણ લાવીને તેમણે મને આ વિદ્યાર્થીની વાત કહી, ત્યારે મને ઘણો આનંદ થયો. વિદ્યાર્થી ઘણો નાનો હતો, પણ તેના શબ્દો ને ભાવો મોટા માણસમાં પણ ભાગ્યે જ મળે તેવા હતા. તે બાળકમાં જો આવા ભાવો જાગ્યા ને પોષાયા કરશે તો તે ભવિષ્યમાં કેટલો મહાન ને પવિત્ર બનશે, એ વિચારો મારા મનમાં આવવા માંડ્યા.
વાત ઘણી નાની હોવા છતાં મોટી હતી. નાની વાતોમાંથી જ મોટી વાતો, ને નાના બાળકોમાંથી જ મોટા માણસો સરજાય છે એ ક્યાં સાચું નથી ? નાના બાળકમાં કેટલી ઉદારતા દેખાય છે ? સ્વાર્થ ને પરમાર્થનું પિષ્ટપેષણ કરવાનું તેને કામ નથી. સ્વાર્થ ને પરમાર્થની ફિલસુફીની પણ તેને સમજ નથી. તેની ચર્ચામાં તેને રસ નથી. તે ચર્ચા ભલે પંડિતો કે વિદ્વાનો કર્યા કરે, પણ સેવાભાવ ને પરમાર્થની વૃત્તિ તેને માટે સહજ બની છે.
માતાજી દાતણ લઈ ગયા તે પછી, એ ઝાડ નીચે ઉભેલો બીજો વિદ્યાર્થી પણ દાતણ લઈ ગયો. થોડીવારમાં સાંજ પડી એટલે એ બાળક નીચે ઉતર્યો, ને જમીન પર પડેલાં દાતણ એકઠાં કરી શાંતિપુર્વક ચાલતો થયો. તે બાળકને જોઈ મને ખુબ આનંદ થયો. ભાગવતમાં દત્તાત્રેયના ચોવીસ ગુરૂની વાત આવે છે તે શું બતાવે છે ? એ જ કે સંસારમાં અખુટ શિક્ષા ભરેલી છે. સંસાર એક મહાન પાઠશાળા છે. આ બાળકના પ્રસંગ પરથી ઘણુંઘણું શીખવાનું છે. તેનો મુખ્ય સુર એ છે કે માણસે કેવળ સ્વાર્થી ના થવું. પરમાર્થી બનવું જોઈએ. બીજાને મદદરૂપ થવાનો પ્રસંગ ભલે ગમે તેટલો સાધારણ હોય તો પણ, તેણે તેને છોડવો ન જોઈએ. પોતાની વિદ્યા, લક્ષ્મી, શક્તિ કે સંપત્તિનો ઉપયોગ બીજાના હિત માટે કરવા તેણે સદાય તૈયાર રહેવું જોઈએ. આ બાળકના પ્રસંગમાંથી આટલો મંત્ર ગ્રહણ કરવામાં આવે તો પણ તે ગુરૂમંત્ર બની આપણા ને બીજાના જીવનને ઉજાળી શકે છે. આ મંત્રને સમજીને સિદ્ધ કરવાથી, માનવજાતિનું જ નહિ, જીવમાત્રનું મુખ ઉજ્જવળ બની, સંસાર સ્વર્ગમય થઈ શકે.
- શ્રી યોગેશ્વરજી