મથુરબાબુને શ્રી રામકૃષ્ણ પરમહંસ પર અનન્ય પ્રીતિ હતી. એમની સેવા કરવા એ ખડે પગે તૈયાર રહેતા. એમના પર એમને વિશ્વાસ પણ ઘણો હતો. દક્ષિણેશ્વરમાં જ્યારે જ્યારે આવતા ત્યારે ત્યારે રામકૃષ્ણદેવની સાથે એ ધર્મ તથા ઈશ્વર વિશેની ચર્ચા કરતા, અને શાંતિ મેળવતા. રામકૃષ્ણદેવને એ ગુરૂભાવથી જોતા.
એક દિવસ એ રામકૃષ્ણદેવની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે રામકૃષ્ણદેવે કહ્યું :
‘ઈશ્વર જે ધારે તે બધું જ કરી શકે છે. એને માટે અશક્ય કે મુશ્કેલ જેવું કાંઈ જ નથી. જળને ઠેકાણે સ્થળ અને સ્થળને ઠેકાણે જળ કરવાનું એના હાથમાં છે.’
એ સાંભળીને મથુરબાબુ બોલ્યા :
‘હું નથી ધારતો કે ઈશ્વર જે ધારે તે બધું જ કરી શકતા હોય. ઈશ્વરની શક્તિ પણ મર્યાદિત છે. દાખલા તરીકે આ સામેના બગીચામાં જે છોડ છે, તેના પર લાલ રંગના ફુલ છે. ત્યાં શું ઈશ્વર ધારે તો પણ સફેદ રંગના ફુલ કરી શકે ? કદાપિ નહિ. એ એના હાથની બહારની વાત છે.’
રામકૃષ્ણદેવે શાંતિથી કહ્યું :
‘તમે એ વાતને ઈશ્વરના હાથની બહારની વાત ભલે માનતા હો; પરંતુ ખરેખર તેવું નથી. ઈશ્વર સર્વસમર્થ છે, ને તેને સર્વસમર્થ એટલા માટે જ કહેવામાં આવે છે, કે તે જે ધારે તે બધું જ કરી શકે છે. જ્યાં લાલ રંગનાં ફુલ થતાં હોય ત્યાં ધોળા રંગના ફુલ કરવાનું એને માટે અસંભવિત નથી.’
પરંતુ મથુરબાબુને ગળે એ વાત ન ઉતરી. એમણે ચર્ચા કરવાની ચાલુ જ રાખી.
બીજે દિવસે મથુરબાબુ દક્ષિણેશ્વરના ધામમાં આવ્યા, ત્યારે રામકૃષ્ણદેવે તેમને હસતાં હસતાં કહ્યું : ‘તમે કહેતા'તા ને કે લાલ ફુલના છોડ પર ઈશ્વર ધોળું ફુલ ના ઉગાડી શકે ? પણ જુઓ, આ સામને ડાળી પર લાલ ફુલની સાથે ધોળું ફુલ પણ ખીલેલું છે !’
‘એ બની શકે જ નહીં.’ મથુરબાબુ બોલી ઉઠ્યા.
‘પણ જુઓ તો ખરા.’
મથુરબાબુએ છોડની પાસે જઈને જોયું તો એમને ખરેખર આશ્ચર્ય થયું. છોડ પર લાલ ફુલ તો હતા જ, પણ એમની વચ્ચે એક ધોળું ફુલ પણ ઉગેલું. એ તો દિગ્મુઢ બની ગયા. એમની બુદ્ધિ કાંઈ કામ ન કરી શકી.
રામકૃષ્ણદેવે પુછ્યું : ‘કેમ ? ઈશ્વર જે ધારે તે કરી શકે ને ?’
મથુરબાબુ શું બોલે ? બોલવા જેવું હતું જ શું ? એ રામકૃષ્ણદેવને પગે પડી ગયા.
- શ્રી યોગેશ્વરજી