એક ગામને પાદરે એક માણસ ઉભો હતો. તેની પાસે તેનો મિત્ર પણ હતો. તે બેઠોબેઠો કોઈ કામ કરતો હતો. ત્યાંથી એક વટેમાર્ગુ પસાર થયો.
વટેમાર્ગુએ ચાલતાં ચાલતાં જ પુછ્યું કે ‘આગળના ગામે કેટલાક વખતમાં પહોંચી શકાશે ?’
ઉભેલા માણસે ઉત્તર આપ્યો કે, એકાદ કલાકમાં પહોંચી શકાશે.
થોડીવાર પછી એક બીજો પ્રવાસી પસાર થયો, ને તેણે પર તે જ પ્રશ્ન કર્યો.
ઉભેલા માણસે તેને ઉત્તર આપ્યો કે, આગળનું ગામ બહુ દુર નથી. આ રહ્યું : તમે અડધા કલાકમાં જ પહોંચી જશો.
બંને માણસોએ એક જ ગામ વિશે પુછ્યું હતું. તેમને ઉત્તર આપનાર માણસ પણ એક જ હતો. છતાં તે બંને ઉત્તર જુદા જુદા હતા, તેમાં ભારોભાર તફાવત હતો. તેના તફાવતનું કારણ શું ? પાસે બેસીને કામ કરનારા - બધી વાત સાંભળનારા મિત્રે, પોતાના ઉભેલા મિત્રને તેનું કારણ પુછ્યું.
મિત્રે જવાબમાં સ્મિત કરતાં કહ્યું : ‘ભાઈ, આટલી સાધારણ વાતનું કારણ પણ તારા સમજવામાં ન આવ્યું ? તેનું કારણ તો ઘણું સહેલું છે. બંને માણસો એક જ ગામે પહોંચવાનો સમય પુછતા હતા, પરંતુ પહેલો માણસ બહુ જ ધીમી ગતિએ ચાલતો હતો. તેથી તેને મેં તેની ચાલ પ્રમાણે અનુમાન કરીને એક કલાક કહ્યો. જ્યારે બીજા માણસની ગતિ ઝડપી હતી. પહેલા માણસ કરતાં તે બમણા વેગે ચાલતો હતો. તેથી તેના પ્રશ્નના ઉત્તરમાં મેં અડધો કલાક બતાવ્યો. મારા બંને ઉત્તરો ગણતરીપૂર્વકના, ચોક્કસ ને સાચા હતા. આટલા ખુલાસા પરથી તને ખાત્રી થશે.’
વાત સાચી છે. આત્મિક ઉન્નતિના માર્ગને પણ આ જ નિયમ લાગુ પડે છે, અને એ બાબત પણ એવો જ ખાતરીપુર્વકનો ખુલાસો આપી શકાય છે. કેટલા વખતમાં કોણ યોગી થઈ શકશે, અથવા તો કેટલા વખતમાં કોને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકશે, તે ચોક્કસ કહી શકાય તેમ નથી. ઈશ્વરનું દર્શન એક જ જન્મમાં પણ થઈ શકે છે, એક જન્મમાં તમે પુર્ણ યોગી બની શકો છો, ને પરમાત્માનો સાક્ષાત્કાર પણ કરી શકો છો, અને તે માટે તમને કેટલાય જન્મો લાગી જાય એમ પણ બની શકે છે. તમારી લાયકાત ને ચાલ પર તેનો આધાર રહે છે. જો તમે લાયકાતની દ્રષ્ટિએ નબળા હશો, ને કીડી કરતાં ધીમે ચાલતા હશો, તો કેટલાય જન્મે પરમાત્માની પાસે પહોંચી શકશો. પરંતુ લાયકાતને વધારી ઈશ્વરના દર્શનને માટે ઝડપથી પ્રયાસ કરશો, તથા જંગલમાં ઝરણાં ને ચંચળ હરણ જેમ વેગમાં દોડે છે, તેમ જો સાધનાના માર્ગે વેગથી આગળ ને આગળ વધ્યે જશો, તો ઈશ્વરનું દર્શન જલદી ને એક જ જન્મમાં કરી શકશો. આકાશમાં ઉડનારાં પંખી કેવાં સડસડાટ ઉડ્યે જાય છે ? પંખા જેવી પાંખથી એકધારા ઉડનારાં પંખી પણ આ જ વાત કહી રહ્યાં છે. તમારી જાતની ઉન્નતિના આકાશમાં પણ એ જ રીતે ઉડો તો કામ સહેલું થઇ જશે. બાકી પ્રમાદ કરશો, નાહિંમત ને નિરાશ બનશો, અને આડે માર્ગે અટવાઈ જશો, તો ન જાણે કેટલા જન્મે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જીવનને શાંતિમય, મુક્તિમય, સફળ ને ધન્ય બનાવી શકશો. ગતિ પર ઉન્નતિનો આધાર રહે છે એ સાચું જ છે.
- શ્રી યોગેશ્વરજી